મુંબઇગરા આનંદો : આજથી પાલિકાએ દસ ટકા પાણીકાપ પાછો ખેંચી લીધો


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.19 જુલાઈ 2019, શુક્રવાર

મુંબઇગરા માટે આનંદના સમાચાર છે કે મુંબઇ મહાનગર પાલિકાએ મૂકેલો દસ ટકા પાણીકાપ આવતીકાલથી પાછો ખેંચી લેવાની ઘોષણા આજે સ્થાયી સમિતિની બેઠકમાં ચીફ હાઇડ્રોલિક એન્જિનિયર અશોક તવડિયાએ કરી હતી.

આવતીકાલ ૨૦ જુલાઇ ૨૦૧૯ મુંબઇગરાને રાબેતા મુજબ એટલે દસ ટકા પાણીકાપ વગર દરરોજ ૩૮૦૦ મિલિયન લિટર પાણી ઉપલબ્ધ થશે.

પાલિકાના જળાશયોમાં ૫૧.૩૭ ટકા પાણીનો જથ્થો જમા થયો છે. હજી અડધો જુલાઇ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સંતોષજનક વરસાદ વરસે અપેક્ષિત છે. આથી સપ્ટેમ્બર મહિનામાં અંત સુધી સર્વ જળાશયો પૂર્ણ પણે ભરાઇ જવાની આશા છે. આથી અત્યારે દસ ટકા પાણીકાપ રદ્દ કરવાનો નિર્ણય લીધો હોવાનું તેમણે નિવેદનમાં જણાવ્યું હતું.

ગયા વર્ષે ચોમાસુ નબળુ રહ્યું હતું અને ઓક્ટોબરમાં સાતેય જળાશયોની સમીક્ષા કરતાં ટાર્ગેટના ૯ ટકા ઓછું પાણી જમા થયું હતું. આથી ૧૫ નવેમ્બર ૨૦૧૮થી ૧૦ ટકા પાણીકાપ મુંબઇગરાને લાદવામાં આવ્યો હતો.

જો કે જૂન મહિનાના અંતમાં અને જુલાઇના પ્રથમ દસ દિવસમાં વરસેલા વરસાદના પગલે આજે જળાશયોમાં કુલ મલીને ૭,૪૩,૫૩૧ મિલિયન લીટર પાણીનો જથ્થો જમા થયો છે. પાલિકાએ ૩૦ સપ્ટેમ્બર સુધી કરેલા ટાર્ગેટ મુજબ જળાશયોમાં ૧૪,૪૭,૩૬૩ મિલિયન લીટ ર પાણી જમા થવાની આવશ્યક્તા છે. તેની સામે ૫૧.૩૭ ટકા પાણી જમા થયું છે.

પાણીનો કાપ પાછો ખેંચવા માટે નગરવિકાસના રાજ્ય પ્રધાન યોગેશ સાગરે પાલિકાને આદેશ આપ્યો હતો. આ સિવાય અન્ય રાજકારણીઓએ પણ પાણીકાપ રદ્દબાતલ કરવાની માગણી કરી હતી. આથી આજે સ્થાયી સમિતિની બેઠકમાં પાલિકાએ દસ ટકા પાણીકાપ આવતીકાલથી પાછો ખેંચી લેવાની જાહેરાત કરી હતી.

મુંબઇ શહેરને પાણી પુરવઠો પૂરો પાડતાં જળાશયો પૈકી તુલસી જળાશય છલકાઇ ગયું છે. જ્યારે તાનસા જળાશય છલકાવાની સપાટીથી એક મીટર છેટુ છે. વિહાર જળાશય અને મોડકસાગર અનુક્રમે બે મીટર તેમજ ત્રણ મીટર છલકાવવાની સપાટીથી છેટું છે. 

આજે સવારે સાતેય જળાશયો મળીને કુલ ૭૪૩૫૩૧ મિલિયન લીટર પાણીનો જથ્થો જમા થયો છે. એટલે ૫૧.૭૩ ટકા જમા થયું છે. જો કે ગયા વર્ષે આજના દિવસે જળાશયોમાં ૧૧૧૦૩૨૪ મિલિયન લીટર પાણી જમા હતું. એટલે કે ૭૬.૭૧ ટકા પાણી જમા થયું હતું જે ગત વર્ષની સરખામણીમાં ૨૫ ટકા ઓછુ પાણી જમા થયું છે. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SoTOm0
via Latest Gujarati News

Post a Comment

0 Comments