સગીરાઓ પર બળાત્કારના આરોપી અબજોપતિ ફાઈનાન્સર એપસ્ટીનની જેલમાં આત્મહત્યા


(પીટીઆઈ) ન્યૂ યોર્ક, તા. 10 ઓગસ્ટ, 2019, શનિવાર

અમેરિકાના અબજોપતિ ફાઈનાન્સર જેફ્રી એપસ્ટીને શનિવારે જેલમાં આત્મહત્યા કરી લીધી છે. એપસ્ટીન સગીરાઓની તસ્કરી અને તેમના પર બળાત્કાર ગુજારવાનો આરોપ હેઠળ જેલમાં ટ્રાલય શરૂ થવાની રાહ જોઈ રહ્યો હતો. વર્ષો સુધી અનેક રાજકારણીઓ અને સેલિબ્રિટીઓના મિત્ર રહેનાર એપસ્ટીને ન્યૂયોર્કમાં મેટ્રોપોલિટન કરેક્શનલ સેન્ટરમાં તેના સેલમાં ગળાફાંસો ખાઈ લીધો હોવાનું અમેરિકન મીડિયાએ જણાવ્યું હતું. જોકે, તેના મોત અંગે સત્તાવાર કોઈ નિવેદન કરાયું નથી.

અમેરિકન મીડિયા અધિકારીઓને ટાંકીને કહ્યું કે શનિવારે સવારે 7.30 વાગ્યે તેનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેને ન્યૂયોર્કમાં એક હોસ્પિટલમાં લઈ જવાયો હતો. અમેરિકન જેલ ઓથોરિટીએ આ અંગે કોઈ ટીપ્પણી કરી નથી. જોકે, સિટી મેડિકલ એક્ઝામિનર્સની ઓફિસે પુષ્ટી કરી હતી કે એપસ્ટીનનું મોત થયું છે પરંતું તેનું કારણ જણાવાયું નથી.

અબજોપતિ હેજફંડ મેનેજર જેફ્રી એપસ્ટીન પર સગીરોના સેક્સ ટ્રાફિકિંગના એક કાઉન્ટ અને સગીરોના સેક્સ ટ્રાફિકિંગ કરવાના કાવતરાંના એક કાઉન્ટનો આરોપ મૂકાયો હતો. તે ભાગી જઈ શકે છે 

તેવી આશંકાએ ગયા મહિને ન્યૂયોર્ક કોર્ટે તેને જામીન આપવાનો ઈનકાર કરી દીધો હતો.એપસ્ટીન દોષિત ઠરે તો તેને 45 વર્ષની કેદ થવાની સંભાવના હતી. એટલે કે તેણે આજીવન જેલમાં રહેવું પડયું હોત. 66 વર્ષીય એપસ્ટીન બે સપ્તાહ પહેલાં પણ તેના સેલમાં બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો.

તે સમયે પણ તેણે ગળા પર ઈજા કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું મનાતું હતું. જોકે, એપસ્ટીન 31મી જુલાઈએ આ ઘટના પછી કોર્ટમાં હાજર થયો ત્યારે તેના ગળા પર ઈજાના કોઈ સંકેતો જોવા મળ્યા નહોતા. આ સમયે કોર્ટમાં તેને જણાવાયું હતું કે તેની ટ્રાયલ આગામી વર્ષે જૂન પહેલાં શરૂ થઈ શકે તેમ નથી.

ફરિયાદી પક્ષે જણાવ્યું હતું કે એપસ્ટીને વર્ષ 2002 અને 2005 વચ્ચે ફ્લોરિડાના પામ બીચ અને મેનહટ્ટન ખાતે તેના ઘરમાં અનેક સગીરાઓનું જાતીય શોષણ કર્યું હતું, જેમાં કેટલીક સગીરાની વય 14 વર્ષ હતી. એવા દોવા કરાયો હતો કે એપસ્ટીન ભોગ બનનાર અનેક પીડિતા સગીરા હોવાનું જાણતો હતો . તે પોતાને મસાજ કરવા, જાતીય કૃત્ય કરવા માટે અને અન્ય સગીરાઓની ભરતી કરવા માટે પીડિત સગીરાઓને નાંણાં ચૂકવતો હતો.

જેફ્રી ગવર્નર, સેનેટર અને યુકેના પ્રિન્સને સેક્સ માટે સગીરાઓ મોકલતો : વર્જિનિયા જ્યુફ્રી

ન્યૂયોર્ક, તા. 10

અમેરિકાના અબજોપતિ ફાઈનાન્સર જેફ્રી એપીસ્ટન પર બળાત્કારનો આરોપ મૂકનાર વર્જિનિયા જ્યુફ્રીએ દાવો કર્યો હતો કે જેફ્રીએ તેને ન્યૂ મેક્સિકોના ભૂતપૂર્વ ગવર્નર બિલ રિચાર્ડસન, ભૂતપૂર્વ યુએસ સેનેટર જ્યોર્જ માઈકલ અને એસેટ મેનેજર ગ્લેન ડબિન પાસે સેક્સ માટે મોકલી હતી. એટલું જ નહીં પોતે સગીરા હતી ત્યારે એપસ્ટીને તેને મોડેલિંગ એક્ઝિક્યુટિવ જીન લ્યુક બુ્રનેલ અને એમઆઈટીના વૈજ્ઞાાનિક સ્વ. માર્વિન મિન્સ્કી પાસે પણ સેક્સ માટે મોકલી હતી. પોતે વર્ષ 2000થી 2002 દરમિયાન એપસ્ટીન માટે સગીર વયે 'સેક્સ સ્લેવ'નું કામ કરતી હોવાનો કોર્ટની જુબાનીમાં દાવો કર્યો હતો. તેણે ઉમેર્યું કે તેને યુકેના પ્રિન્સ એન્ડ્રયુ અને હાર્વર્ડ યુનિવર્સિટીના કાયદાના પ્રોફેસર એલન ડેર્શોવિટ્ઝ સાથે સેક્સ માટે ફરજ પડાઈ હતી. વર્જિનિયા જ્યુફ્રીએ કોર્ટમાં આપેલી જુબાની શુક્રવારે સૌપ્રથમ વખત જાહેર થઈ છે. બધા જ સેલિબ્રિટીઓએ આ આરોપોને નકારી કાઢ્યા હતા.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MUGipG
via Latest Gujarati News

Post a Comment

0 Comments