
(પીટીઆઇ) મુંબઇ, તા. 15 સપ્ટેમ્બર, 2019, રવિવાર
એક સરકારી બેન્કમાં સોનાના વેલ્યુઅર તરીકે નોકરી કરતા બેન્કના એક કર્મચારીની બેન્ક સાથે કથિતરૂપે 3.77 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપસર પોલીસે ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર આ વ્યક્તિએ બનાવટી ગ્રાહકો ઊભા કરી તેમના દ્વારા નકલી સોનાને અસલી સોનામાં ખપાવી બેન્કમાં જમાં કરાવ્યું હતું.
એક અધિકારીના જણાવ્યાનુસાર રામસ્વામી નાડાર એન્ટોપહિલમાં રહે છે અને તે ઇન્ડિયન બેન્કની ધારાવી બ્રાન્ચમાં કામ કરે છે. તે બેન્કના ગોલ્ડ લોન વિભાગમાં છેલ્લા બે વર્ષથી કામ કરવાની સાથે જ એક જ્વેલરી શોપ પણ ચલાવતો હતો.
આ છેતરપિંડી સંદર્ભે વધુ માહિતી આપતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તાજેતરમાં જ્યારે બેન્કે તેની કેટલીક સંપત્તિ વેચવાનું નક્કી કર્યું અને બેન્કના લોકર ખોલી સોનાની વસ્તુઓ ધરાવતા 77 પેકેટ ખોલ્યા ત્યારે આ તમામ સોનુ નકલી હોવાની જાણ થઈ હતી. બેન્કે તરત જ આ બાબતની ફરિયાદ ધારાવી પોલીસ સ્ટેશનમાં કરી હતી.
આ સંદર્ભે ગુનો નોંધાયા બાદ પોલીસે તેની તપાસની સોઈ નાડાર તરફ વાળી હતી. શરૂઆતમાં તો નાડારે આમાં પોતાની કોઈ ભૂમિકા ન હોવાનું રટણ ચાલું રાખ્યું હતું. જોકે અમે પોલીસની પૂછપરછ સામે તેણે ઘૂંટણિયા ટેકવી દીધા હતા. તેણે કબૂલ્યું હતું કે તેણે આ નકલી સોનુ અને દાગીના દાદરથી ખરીદ્યા હતા.
આ બાદ તેણે બેન્કને છેતરવા બનાવટી (ડમ્મી) ગ્રાહક ઊભા કર્યા હતા. તેવી માહિતી ધારાવી પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારી પાટીલે આપી હતી. પાટીલે જણાવ્યું હતું કે નાડારની જવાબદારી ગોલ્ડ લોન લેવા આવતા ગ્રાહકોને તેના મૂલ્યાનુસાર સર્ટિફિકેટ ઇશ્યુ કરવાની હતી.
આ વાતનો ફાયદ ઉઠાવી તેણે તેના 12 સાગરીતોની ઓળખ ગ્રાહક તરીકે આપી. આ નકલી સોનું બેન્કમાં જમા કરાવ્યું હતું તેમ જ નાડારે તેનું મૂલ્યાંકન સર્ટિફિકેટ પણ આપ્યું હતું. આ ગ્રાહકોને તેમણે જમા કરેલા સો ના સામે 3.77 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી જે પછીથી નાડારે બધાને નાની રકમ ચૂકતે કરી ઓળવી લીધી હતી.
આ પૈસાની મદદથી નાડારે પ્રોપર્ટી, કાર, મોટરસાઇકલ આદી ખરીદ્યા હતા. હાલ પોલીસે નાડાર પાસેથી આ રકમ વસુલવાની શરૂઆત કરી છે. આ સાથે જ નાડાર સામે આઇપીસીની કલમ 420 (છેતરપિંડી) હેઠળ ગુનો નોંધી તેને મદદ કરનાર 12 જણાને પકડી પાડવા તપાસ આરંભી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34M45hX
via Latest Gujarati News
0 Comments