મંગળ પર ઑક્સિજન પેદા થાય છે, પણ કઈ રીતે એ રહસ્ય હજુ પણ વણઉકલ્યું!


વૉશિંગ્ટન, તા. 13 નવેમ્બર, 2019, ગુરૂવાર

મંગળની સપાટી પર રહેલા ઑક્સિજજના પ્રમાણમાં અસાધારણ વધ-ઘટ થતી જોઈને સંશોધકો ચોંકી ઉઠયા છે. પૃથ્વીની જેમ મંગળ પર પણ ઋતુ છે. ઋતુ પ્રમાણે મંગળના વાતાવરણમાં રહેલા વિવિધ વાયુઓમાં વધ-ઘટ થતી હોય છે, પરંતુ ઑક્સિજનું પ્રમાણ સ્થિર રહે. 

કેમ કે ઑક્સિજન ત્યારે જ વધી શકે જ્યારે કોઈક રીતે એ પેદા થતો હોય. મંગળની સપાટી પર 2012થી સંશોધન કરી રહેલા નાસાના ક્યુરિયોસિટી રોવર યાન દ્વારા એકઠી કરવામાં આવેલી વિગતમાં ઑક્સિજનની આ વધ-ઘટ જોવા મળી છે.

આ વિશે સંશોધનપત્ર રજૂ કરનારા ભારતીય મૂળના સંશોધક સુશિલ અત્રેએ જણાવ્યું હતુ કે મંગળ સંશોધનના અડધી સદીના ઇતિહાસમાં આ સૌથી મહત્ત્વપૂર્ણ અને રહસ્યમય ઘટના છે.

મંગળનું વાતાવરણ 95 ટકા કાર્બન, 2.6 ટકા નાઈટ્રોજન, 1.9 ટકા આર્ગોન અને 0.06 ટકા ઑક્સિજનથી બનેલું છે. આ સરેરાશ પ્રમાણ છે. ઑક્સિજન સિવાયના ત્રણેય વાયુઓ  વિવિધ ઋતુઓમાં વત્તા-ઓછા થતા હોય તેની કોઈ નવાઈ નથી. પરંતુ ઑક્સિજનના પ્રમાણમાં ક્યુરિયોસિટી રોવરે 30 ટકા સુધીનો વધારો નોંધ્યો હતો. આ વધારો અસાધારણ છે.

વળી આ વધારો થયા પછી ફરીથી વાયુનું પ્રમાણ ઘટે છે. એટલે કે વધ-ઘટની સાઈકલ ચાલતી રહે છે. નાસાના વિજ્ઞાાની મેલિસા ટ્રેઈનરે કહ્યું હતુ કે આ એક મોટું સરપ્રાઈઝ છે. મંગળ પર ઑક્સિજન કદાચ કોઈ કેમિકલ તત્વ અથવા તો સપાટીની નીચે રહેલા કોઈ પદાર્થમાં આવતો હોવો જોઈએ. પણ ક્યાંથી આવે છે એ ખબર નથી.

મંગળ પર 1965થી નાના-મોટા સંશોધનો થતા આવે છે, પરંતુ આવુ સરપ્રાઈઝિંગ પરિણામ અગાઉ ક્યારેય જોવા મળ્યું નથી. એટલે નાસાના વિજ્ઞાાનીઓએ કહ્યું હતું કે આવુ કેમ થાય છે, તેનો જવાબ તો અમારી પાસે પણ નથી.

રોવરના ધ સેમ્પલ એનાલિસિસ એટ માર્સ નામના ઉપકરણ દ્વારા ઑક્સિજનમાં વધ-ઘટ નોંધાઈ ત્યારે પહેલા તો નાસાના વિજ્ઞાાનીઓ એવુ માની બેઠા હતા કે રોવરના યંત્રમાં કંઈક ખામી છે. કેમ કે મંગળ પર ઑક્સિજનની માત્રામાં આવો ફેરફાર આવે એવી કોઈને કલ્પના ન હતી. એટલે સંશોધકોએ રોવરના ઉપકરણની ફરીથી તપાસ કરી હતી, પરંતુ બધુ બરાબર જણાયુ હતુ. 

આ પહેલા મંગળની સપાટી પર મિથેન વાયુનું પ્રમાણ નોંધાયુ હતુ. મિથેન ત્યારે જ શક્ય બને જ્યારે ચયા-પચયની ક્રિયા થાય. ચયા-પચયની ક્રિયા કોઈ સજીવ હોય તો જ થાય. મિથેન એક જ વખત નોંધાયો છે, માટે તેની વધુ તપાસ થઈ શકી નથી. પરંતુ મિથેન મળી આવતા સંશોધકો એવુ માનવા પ્રેરાયા હતા કે મંગળ પર કોઈ શુક્ષ્મ બેક્ટેરિયા હોવા જોઈએ.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CFG9Qn
via Latest Gujarati News

Post a Comment

0 Comments