આગામી 10 દિવસમાં બીજા 5 હજાર શાહીન બાગ પેદા થશે: ચંદ્રશેખર આઝાદ

નવી દિલ્હી તા.23 જાન્યુઆરી 2020, ગુરૂવાર

ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદે એવો દાવો કર્યો હતો કે આગામી દસ દિવસમાં બીજા પાંચ હજાર શાહીન બાગ ઊભાં થશે.

પાટનગર નવી દિલ્હીમાં એક શાહીન બાગ નામનો વિસ્તાર છે જ્યાં છેલ્લા એક મહિનાથી નાગરિકતા અંગેના નવા કાયદા તથા રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટરની વિરુદ્ધ દેખાવો થઇ રહ્યા છે. એના સંદર્ભમાં આઝાદ બોલી રહ્યા હતા.

તાજેતરમાં જામીન પર છૂટેલા આઝાદ બુધવારે સાંજે શાહીન બાગ પહોંચ્યા હતા અને ત્યાં એવો આક્ષેપ કર્યો હતો કે નાગરિકતા અંગેનો નવો કાયદો ધાર્મિક દ્રષ્ટિએ ભેદભાવ કરે છે માટે એનો વિરોધ થવો જ જોઇએ. 

તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આપણે સૌએ બંધારણનું રક્ષણ કરવાનું છે. અહીં દેખાવો કરી રહેલા તમામ લોકોને હું ધન્યવાદ આપું છું. આ કોઇ રાજદ્વારી દેખાવો નથી, બંધારણના રક્ષણ માટેના દેખાવો છે.

તેમણે કહ્યું કે આ શિયાળામાં દિલ્હીમાં રેકોર્ડબ્રેક ઠંડી પડી છે છતાં આ મહિલાઓના મનોબળને ઠંડી હંફાવી શકી નથી. પોતાના હાથમાં દેશના બંધારણના હિન્દી અનુવાદની નકલ રાખીને આઝાદે કહ્યું કે આવતા દસ દિવસમાં દેશના ખૂણે ખૂણે પાંચ હજાર શાહીન બાગ પેદા થઇ જશે એવું હું તમને વચન આપું છું.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38tDqHN
via Latest Gujarati News

Post a Comment

0 Comments