
ટેક્સ ચોરી કરવી આર્થિક અપરાધ ઉપરાંત દેશના અન્ય નાગરિકો સાથેનો સામાજિક અન્યાય પણ છે : મુખ્ય ન્યાયાધીશ
નવી દિલ્હી, તા. 24 જાન્યુઆરી, 2020, શુક્રવાર
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડેએ જણાવ્યું હતું કે નાગરિકો પર ટેક્સનો બોજ ન નાખવો જોઇએ. ઇનકમ ટેક્સ ટ્રિબ્યૂનલના 79માં સૃથાપના દિન નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય ન્યાયાધીશ બોબડેએ આ વાત કરી હતી.
તેમણે સાથે એમ પણ કહ્યું હતું કે ટેક્સ ચોરી કરવી એક આિર્થક અપરાધ તો છે જ સાથે દેશના અન્ય નાગરિકો સાથે સામાજિક અન્યાય પણ છે. પણ જો સરકાર મનમાનીથી અને વધુ પ્રમાણમાં ટેક્સ નાગરિકો પર નાખે તો આ સરકાર દ્વારા એક પ્રકારનો સામાજિક અન્યાય ગણાશે.
બોબડેએ કહ્યું હતું કે ટેક્સને મધની જેમ કાઢવો જોઇએ, ફુલને નુકસાન પહોંચાડયા વગર જ અમૃત ખેંચવું જોઇએ. કરદાતાઓને યોગ્ય અને તુરંત વિવાદોનું સમાધાન કે નિરાકરણ મળવું જોઇએ જેથી તે ટેક્સ ચુકવવા પ્રત્યે વધુ પ્રોત્સાહિત થઇ શકે.
આ સાથે જ એક કુશળ ટેક્સ ન્યાયપાલિકાએ એ સુનિશ્ચિત કરવું જોઇએ કે ટેક્સપેયર કોઇ કેસમાં ફસાયેલા ન રહે. બોબડેનું આ નિવેદન એવા સમયે પણ સામે આવ્યું છે જ્યારે સરકાર બજેટ રજુ કરવાની તૈયારીમાં છે. ગણતરીના દિવસો બાદ નાણા પ્રધાન નિર્મલા સિતારમણ દેશનું બજેટ રજુ કરશે.
નિષ્ણાંતોના દાવા છે કે સરકાર સરકારી ખર્ચાને વધારવા માટે મોટા નિર્ણયો લઇ શકે છે. ટેક્સ કલેક્શનને વધારવા માટેના ઉપાયો પર પણ ભાર મુકવામાં આવી શકે છે. મુખ્ય ન્યાયાધીશ બોબડેએ ન્યાયપાલિકામાં આર્ટિફિશિયલ ઇંટેલિજન્સના ઉપયોગ પર ભાર મુક્યો હતો.
તેમણે કહ્યું હતું કે ન્યાયપાલિકામાં ટેક્નોલોજીનો ઉપયોગ મહત્વપૂર્ણ છે. આર્ટિફિશિયલ ઇંટેલિજન્સ નિર્ણયો લેવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. અનેક એવા ક્ષેત્રો છે કે જેને આર્ટિફિશિયલ ઇંટેલિજન્સ દ્વારા કવર કરી શકાય તેમ છે.
વિવિધ કોર્ટોમાં ટેક્સ સંબંધી કેસો ચાલી રહ્યા છે, અને તેમાં છેલ્લા બે વર્ષમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. 30 જૂન, 2017માં સુપ્રીમ કોર્ટ, હાઇકોર્ટ અને ટેક્સ ટ્રિબ્યૂનલમાં કુલ 2,73,591 કેસો પેન્ડિંગ હતા. જ્યારે આ આંકડો 31મી માર્ચ, 2019માં ઘટીને 105756 સુધી આવી ગયો હતો.
બોબડેએ ટેક્સ સંબંધી કેસો લાંબા સમય સુધી પેન્ડિંગ ન રહે તે દિશામાં પ્રયાસો કરવા પણ અપીલ કરી હતી. સાથે જ તેમણે કહ્યું હતું કે લાંબા સમય સુધી ટેક્સ કેસો પેન્ડિંગ રહે તો તેની સીધી અસર ટેક્સ પેયર પર થાય છે તેમ તેમણે કહ્યું હતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GkoTCj
via Latest Gujarati News
0 Comments