બેંકો સાથે 1955 કરોડની છેતરપિંડી બદલ એજ્યુકોમ્પ અને તેના ડાયરેક્ટરો સામે કેસ


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 11 ફેબ્રૂઆરી, 2020, મંગળવાર

એસબીઆઇના નેતૃત્ત્વવાળા 13 બેંકોના જૂથ સાથે 1955 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ સીબીઆઇએ એજ્યુકોમ્પ સોલ્યુશન્સ, તેની સબસિડરી કંપની તથા તેના ડાયરેક્ટરો સામે કેસ દાખલ કર્યો છે અને આઠ સ્થળોએ દરોડા પાડયા છે તેમ સત્તાવાળાઓએ આજે જણાવ્યું હતું. 

અધિકારીઓના જણાવ્યા અનુસાર એજન્સીએ ગુનાહિત કાવતરા, છેતરપિંડી અને પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની જોગવાઇઓ હેઠળ એજ્યુકોમ્પ સોલ્યુશન લિમિટેડ(ઇએસએલ), તેના મેનેજિંગ ડાયરેક્ટર શાંતનુ પ્રકાશ, ગેરંટર જગદીશ પ્રકાશ, એજ્યુકોમ્પની સબસિડરી કંપની એજ્યુ સ્માર્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ(ઇએસપીએલ) અને તેના ડાયરેક્ટરો વિજયકુમાર ચૌધરી,  વિનોદકુમાર સામે કેસ દાખલ કર્યો છે. 

એફઆઇઆર દાખલ કર્યા પછી એજન્સીએ દિલ્હી, દેહરાદૂન અને ગુડગાવમાં એજ્યુકોમ્પ સોલ્યુશન, એજ્યુ સ્માર્ટ અને તેના ડાયરેક્ટરોના આઠ સંકુલોમાં દરોડા પાડયા હતાં. 

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સહિતની સાત બેંકોએ કરેલી ફરિયાદને પગલે સીબીઆઇએ આ કાર્યવાહી કરી છે. બેંકોએ આરોપ મૂક્યો છે કે 1994માં શરૂ થયેલ એજ્યુકોમ્પ સોલ્યુશન્સ શાળાઓ અને વોકેશનલ કોર્સ માટ સ્માર્ટકલાસ અને એજ્યુરિચના નામે ે ડિજિટલ શૈક્ષણિક સામગ્રી તૈયાર કરવાનું કાર્ય કરતી હતી. 

આરોપ મૂકવામાં આવ્યો છે કે ઇએસપીએલએ ખોટા હિસાબો રજૂ કરી બેંકો પાસેથી લોન માંગી હતી. ઇએસએલ સ્માર્ટકલાસના બેનર હેઠળ હાર્ડવેર અને ડિજિટલ કન્ટેન્ટનું વેચાણ ઇએસપીએલને કરતી હતી. ઇએસપીેલ આ સામગ્રીનું વેચાણ શાળાઓને કરતી હતી. 

ત્યારબાદ ઇએસએલએ ઇએસપીએલને શૈક્ષણિક સામગ્રી વેચવાનું બંધ કરી દીધું હતું અને તેણે ડાયરેક્ટ જ શાળાઓને શૈક્ષણિક સામગ્રી વેચવાનું શરૂ કરી દીધું હતું. 2016માં ઇએસએલને આપવામાં આવેલી લોન એનપીએ બની ગઇ હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31K89Oy
via Latest Gujarati News

Post a Comment

0 Comments