ટ્રમ્પ 24મીએ ભારત આવશે, અમદાવાદની પણ મુલાકાત લેશે : વ્હાઇટ હાઉસની જાહેરાત


નવી દિલ્હી, તા. 11 ફેબ્રૂઆરી, 2020, મંગળવાર

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી 24મી તારીખે ભારતની મુલાકાત માટે આવશે, વ્હાઇટ હાઉસે આ મુલાકાતની સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી છે. આ દરમિયાન ટ્રમ્પ અમદાવાદ પણ આવશે તેમ પણ વ્હાઇટ હાઉસે કહ્યું છે.

સત્તાવાર રીતે જાહેર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ટ્રમ્પ 24 અને 25 ફેબુ્રઆરી એમ બે દિવસ ભારતમાં રોકાશે જે દરમિયાન અમદાવાદ ઉપરાંત દિલ્હીની મુલાકાત દેશે. 

વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી સ્ટેફની ગ્રીશમે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ વચ્ચે ફોન પર વાતચીત ચાલી રહી હતી, આ દરમિયાન જ મોદીએ ટ્રમ્પને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું જેને આખરે સ્વીકારી લેવાયું છે.

ભારત અને અમેરિકાના સંબંધો વધુ મજબુત બનાવવાના હેતુથી પણ ટ્રમ્પ ભારત આવી રહ્યા છે. આ દરમિયાન ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી દિલ્હી અને અમદાવાદની મુલાકાત પણ લેશે, ગુજરાત નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય છે અને ત્યાંથી જ મહાત્મા ગાંધીજીએ ભારતની આઝાદીની ચળવળ માટે મહત્વની ભૂમિકા અદા કરી હતી. 

વ્હાઇટ હાઉસે ગાંધીજીનો ઉલ્લેખ કર્યો હોવાથી એવી શક્યતાઓ છે કે ટ્રમ્પ જ્યારે અમદાવાદ આવશે ત્યારે ગાંધી આશ્રમની મુલાકાત લઇ શકે છે. જ્યારે દિલ્હીમાં બન્ને દેશના વડાઓ વચ્ચે વ્યાપાર સંબંધી વિવાદોના નિરાકરણ માટે ચર્ચા વિચારણા થઇ શકે છે.

આ પહેલા અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામા 2010 અને 2015 એમ બે વખત ભારતની મુલાકાત લઇ ચુક્યા છે. જોકે ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા તે બાદ તેમની આ પહેલી ભારત મુલાકાત છે. જ્યારે આ વર્ષની તેમની બીજી વિદેશ મુલાકાત છે, તેઓ આ પહેલા સ્વિત્ઝર્લેન્ડની મુલાકાત લઇ ચુક્યા છે. 

નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ઘણી વખત મુલાકાત થઇ ચુકી છે, છેલ્લે મોદી 24મી સપ્ટેમ્બરે અમેરિકા હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લેવા ગયા હતા ત્યારે તેઓની મુલાકાત ટ્રમ્પ સાથે થઇ હતી. અમેરિકામાં વસતા મૂળ ભારતીયોના સંગઠનોના પ્રમુખોનું એવું અનુમાન છે કે ટ્રમ્પ એવા સમયે ભારતની મુલાકાતે આવી રહ્યા છે.

જ્યારે અમેરિકામાં પ્રમુખની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, એવામાં ટ્રમ્પ અમેરિકામાં વસતા મૂળ ભારતીય મતદારોને આકર્ષવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે. સાથે જ ભારતને એવી આશા છે કે ટ્રમ્પ આ મુલાકાત દરમિયાન જે વ્યાપારનો વિવાદ ચાલી રહ્યો છે તેનો અંત લાવવાનો પણ પ્રયાસ કરે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vrKx56
via Latest Gujarati News

Post a Comment

0 Comments