
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 10 ફેબ્રુઆરી, 2020, સોમવાર
વર્ધાના હિંગણઘાટમાં પેટ્રોલ રેડીને સળગાવવામાં આવેલ કોલેજના શિક્ષિકાએ આજે સવારે હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતાં. જેને લીધે મૃતકના પરિવાર અને ગામમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.
બીજી તરફ ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ તાબામાં લેવાની સંબંધીઓએ ના પાડી હતી. પણ છેવટે ગૃહમંત્રી દ્વારા ફોન પર ચર્ચા કર્યા બાદ અને જરૂરી કાર્યવાહીની ખાતરી મળ્યા બાદ આજે સાંજે મૃતક શિક્ષિકાના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.
શિક્ષિકાના મૃત્યુબાદ રોષે ભરાયેલા લોકોએ રસ્તારોકો કર્યો હતો. પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. પોલીસે પણ હળવો લાઠીચાર્જ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. હિંગણઘાટમાં આજે સ્કૂલ, કોલેજ, માર્કેટ બંધ રાખી મૃતક શિક્ષિકાને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.
વર્ધાના હિંગણઘાટમાં ગત 3 ફેબુ્રઆરીના સવારે શિક્ષિકા કોલેજમાં જઇ રહ્યા હતા. ત્યારે નંદોરી ચૌક પાસે આરોપી વિક્કી ઉર્ફે વિકેશ નગરાળે બાઇક પર આવ્યો હતો. બાદમાં તેણે શિક્ષિકાને પેટ્રોલ રેડીને સળગાવી દીધા હતા.
સ્થાનિક લોકોએ આગ બુઝાવી હતી. પણ શિક્ષિકા ગંભીરપણે દાઝી ગયા હતા. આ બનાવ બાદ આરોપી નગરાળે ઘટનાસ્થળેથી નાસી ગયો હતો. જો કે બાદમાં પોલીસે કેસ નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
નાગપુરની હોસ્પિટલમાં દાખલ શિક્ષિકા પર ત્રણેક ઓપરેશન કરવામાં આવ્યા હતા પણ ગઇકાલથી તેમની તબીયત વધુ બગડી ગઇ હતી. બ્લડપ્રેશર ઓછું થઇ ગયું હતું. શ્વાસ લેવામાં પણ ત્રાસ થઇ રહ્યો હતો. છેવટે આજે સવારે 6.55 વાગ્યે હોસ્પિટલમાં હાર્ટ એટેક આવતા શિક્ષિકાનું મોત નિપજ્યું હતું.
શિક્ષિકાના મૃત્યુની જાણ થતા ગામના લોકોમાં શોકની સાથે રોષની લાગણી પ્રસરી ગઇ હતી. ગામનાં લોકોએ ઘટનાનો નિષેધ કરતા આરોપીને પેટ્રોલ રેડીને સળગાવવાની માગણી કરી હતી. આ ઉપરાંત આરોપીને તાત્કાલિક ફાંસી આપવાની તથા નિર્ભયાના કેસની જેમ આ મામલાને લંબાવવામાં ન આવે એમ પણ અમૂક લોકોએ જણાવ્યું હતું.
દરમિયાન ઉશ્કેરાયેલા સ્થાનિક રહેવાસીઓએ ઔરંગાબાદ- નાગપુર અને હૈદરાબાદ- નાગપુર હાઇવે પર રસ્તારોકો કરી આંદોલન કર્યું હતું. તેમણે જોરજોરથી ઘોષણાઓ કરી હતી. આથી વાહનવ્યવહાર ખોરવાઇ ગયો હતો.
એમ્બ્યુલન્સમાં શિક્ષિકાનો મૃતદેહ લઇ જવામાં આવતો હતો ત્યારે લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે પણ લાઠીચાર્જ કર્યો હતો. આથી પરિસ્થિતિ તનાવપૂર્ણ બની ગઇ હતી. અહી જડબેસલાખ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, પીડિતાના શ્રધ્ધાંજલી આપવા કોલેજમાં અને સ્કૂલમાં રજા આપવામાં આવી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uoRaVX
via Latest Gujarati News
0 Comments