
નવી દિલ્હી, તા. 8 માર્ચ, 2020, રવિવાર
લેડી મેસન, 100 વર્ષનાં એથ્લેટ, ઝારખંડના લેડી ટાર્ઝન અને મશરૂમ મહિલા સહિત 15 મહિલાઓને રવિવારે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નારી શક્તિ પુરસ્કારથી સન્માનિત કર્યાં હતાં.
આંતરરાષ્ટ્રીય મહિલા દિને આ મહિલાઓને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા અને તેમના ક્ષેત્રોમાં અભૂતપૂર્વ યોગદાન બદલ સન્માનિત કરાયાં હતાં. કૃષિ, સ્પોર્ટ્સ, હસ્તકલા, વનીકરણ અને વન્યજીવ સંવર્ધન, સશસ્ત્ર દળો અને શિક્ષણ સહિતના ક્ષેત્રોમાંથી વર્ષ 2019ના નારી શક્તિ એવોર્ડ માટે મહિલાઓની પસંદગી કરાઈ હતી.
'મશરૂમ મહિલા' તરીકે પ્રખ્યાત વીણા દેવીને મશરૂમની ખેતીને લોકપ્રિય બનાવવા બદલ સન્માનિત કરાયાં હતાં. 43 વર્ષીય વીણા દેવી મશરૂમની ખેતી કરે છે. તેઓે ખેડૂતોને મશરૂમની ખેતી, સજીવ ખેતી, વર્મી કમ્પોસ્ટના ઉત્પાદનની તાલિમ આપે છે અને ઘરે જ ઓર્ગેનિક જંતુનાશક દવાઓ બનાવવાનું શીખવાડે છે. બિહારના મુંગેર જિલ્લાના 105થી વધુ ગામોમાં લોકોને મશરૂમની ખેતી તરફ વાળ્યા છે.
નારી શક્તિ પુરસ્કાર વિજેતાઓમાં બીજું એક નામ 103 વર્ષનાં એથ્લેટ વૃદ્ધાં માન કૌરનું છે. 'ચંડીગઢના ચમત્કાર' તરીકે ઓળખાતા મન કૌરે 93 વર્ષની વયે એથ્લેટિકમાં કારકિર્દી શરૂ કરી હતી.
તેમણે પોલેન્ડમાં વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ટ્રેક એન્ડ ફિલ્ડમાં ચાર ગોલ્ડ મેડલ જીત્યા હતા અને વર્ષ 2016માં અમેરિકન માસ્ટર્સ ગેમમાં વિશ્વનાં સૌથી ઝડપી સેન્ટેનેરિયન બનવાનો તેમણે વિક્રમ બનાવ્યો હતો.
વર્ષ 2017માં ઓકલેન્ડના સ્કાય ટાવરની ટોચે ચાલનારા તેઓ સૌથી વૃદ્ધ વ્યક્તિ છે. અન્ય એક વિજેતામાં 58 વર્ષીય કલાવતી દેવી લેડી મેસન તરીકે ઓળખાય છે, જેમણે કાનપુર જિલ્લામાં ખુલ્લામાં શૌચ ઘટાડવામાં નોંધપાત્ર કામ કર્યું છે.
તેમણે કાનપુર જિલ્લા અને આજુબાજુના ગામડાઓમાં 4,000થી વધુ શૌચાલયો બનાવડાવ્યા છે. 40 વર્ષીય પડાલા ભુદેવીએ તેમના પિતા દ્વારા સૃથાપિત કોમ્યુનિટી આધારિત સંસૃથા - સીએવીએસ (ચિન્નાઈ આદિવાસી વિકાસ સોસાયટી) મારફત આદિવાસી મહિલાઓ, વિધવાઓ, પોડુ લેન્ડ્સના વિકાસ માટે કામ કર્યું છે.
માત્ર 11 વર્ષની વયે બળજબરીથી લગ્ન કરાવી દેવા છતાં તેમજ પતિ અને સાસરિયા દ્વારા શારીરિક અને માનસિક હેરાનગતીનો સામનો કરીને પણ પડાલા ભુદેવીએ એકલા હાથે ત્રણ બાળકીઓનો ઉછેર કર્યો અને કૃષિ ઉદ્યોગસાહસિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા મહિલાઓને પ્રેરણા આપી.
33 વર્ષીય આરિફા જાનને કાશ્મીરમાં ભુલાઈ ગયેલી નુમધા હસ્તકલાને જીવંત કરવા અને 100થી વધુ મહિલાઓને તાલિમ આપવા બદલ એવોર્ડ એનાયત કરાયો હતો. 47 વર્ષીય ચામી મુર્મુનું પર્યાવરણના ક્ષેત્રમાં કામ કરવા બદલ સન્માન કરાયું હતું. તેઓ ઝારખંડના 'લેડી ટાર્ઝન' તરીકે ઓળખાય છે.
તેમણે 25 લાખથી વધુ છોડનું વાવેત કર્યું છે. 40 વર્ષીય નિલજા વાંગ્મો લદ્દાખનાં એક ઉદ્યોગસાહસિક છે, જે અલચિ કિચન રેસ્ટોરાં ચલાવે છે, જેમાં કેટલીક પરંપરાગત અને ભૂલાઈ ગયેલી લદ્દાખી વાનગીઓ સહિતની વાનગીઓ પીરસવામાં આવે છે.
નારી શક્તિ એવોર્ડ વિજેતા અન્ય મહિલાઓમાં 60 વર્ષીય રશ્મી ઉર્ધવાર્ડેશી, 28 વર્ષની જોડકાં બહેનો તાશી મલિક અને નૌંગશી મલિક, 38 વર્ષીય ક્લાસિકલ ગાયિકા કૌશિકી ચક્રવર્તી, 26 વર્ષીય અવની ચતુર્વેદી, 27 વર્ષીય ભાવના કાંત, 28 વર્ષીય મોહના સિંહનો સમાવેશ થાય છે. અવની, ભાવના અને મોહના ત્રણે ભારતીય હવાઈ દળની પાઈલટ છે. હવાઈદળની ફાઈટર સ્ક્વોડ્રનમાં સૃથાન મેળવનારી આ પ્રથમ ત્રણ મહિલાઓ છે. ઉપરાંત કેરળના 105 વર્ષનાં ભાગીરથી અમ્મા અને 98 વર્ષનાં કારથલી અમ્માનું પણ આ એવોર્ડથી સન્માન કરાયું હતું.
8 વર્ષની લિસિપ્રિયા કંગજુમે પીએમ મોદીનું સન્માન નકાર્યું
નવી દિલ્હી, તા. 8
વડાપ્રધાન મોદીએ થોડાક દિવસ પહેલાં આંતરરાષ્ટ્રીય મહિલા દિને તેમનું ટ્વીટર એકાઉન્ટ પ્રેરણાદાયક મહિલાઓને સોંપવાની વાત કરી હતી. આ શ્રેણીમાં મહિલા દિન પૂર્વે માયગવઈન્ડિયા પર ભારત સરકારે કેટલીક પ્રેરણાદાયક મહિલાઓની વાતો શેર કરી હતી, જેમાં મણીપુરની 8 વર્ષની જળવાયુ પરિવર્તન કાર્યકર લિસિપ્રિયા કંગજુમનો સમાવેશ થતો હતો.
પરંતુ લિસિપ્રિયાએ સન્માન માટે વડાપ્રધાન મોદીનો આભાર માન્યો, પરંતુ તે સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. તેણે ટ્વીટર પર લખ્યું કે, તમે મારો અવાજ સાંભળી શકતા નથી તો મને આમાં સામેલ ન કરો. શીઈન્સ્પાયરઅસમાં મને અન્ય પ્રેરણાદાયક મહિલાઓ સાથે સામેલ કરવાનો આપનો ખૂબ-ખૂબ આભાર.
પરંતુ ઘણું વિચાર્યા પછી મેં આ સન્માન નહીં સ્વીકારવાનો નિર્ણય કર્યો છે. અન્ય એક ટ્વીટમાં તેણે લખ્યું છે, સરકાર મારી વાત સાંભળતી નથી અને આજે તે મને પ્રેરણાદાયક મહિલાઓની શ્રેણીમાં મૂકે છે... પરંતુ શું આ ખરેખર યોગ્ય છે?
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Iua8Od
via Latest Gujarati News
0 Comments