ભારત-સાઉથ આફ્રિકાની વન ડે શ્રેણી ખાલી સ્ટેડિયમમાં રમાય તેવી શક્યતા


નવી દિલ્હી, તા. 8 માર્ચ, 2020, રવિવાર

દેશમાં કોરોના વાઈરસને કારણે સર્જાયેલી પરિસ્થિતિને પગલે સરકારે સાવચેતીના ત્વરિત પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે. ત્યારે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 12મી માર્ચથી શરૂ થઈ રહેલી ત્રણ વન ડેની શ્રેણીની મેચો બંધ સ્ટેડિયમમાં રમાડવામાં આવે તેવી શક્યતા એક મીડિયા રિપોર્ટમાં વ્યક્ત કરવામાં આવી છે. 

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે તારીખ 12 થી 18 માર્ચ દરમિયાન ત્રણ વન ડેની શ્રેણીનું આયોજન થવાનું છે. ભારતીય ક્રિકેટ બોર્ડ અગાઉ જાહેરાત કરી ચૂક્યું છે કે, તેઓ કોરોનાવાઈરસના જોખમ અંગે સજાગ છે અને ખેલ મંત્રાલયના સંપર્કમાં પણ છે.

જોકે સાઉથ આફ્રિકા સામેની શ્રેણી માટે હજુ તેમણે કોઈ નક્કર નિર્ણય જાહેર કર્યો નથી. આરોગ્ય મંત્રાલયે શાળાઓને મોટી સભા ન યોજવા અને નાગરિકોને વધુ ભીડ હોય તેવા સ્થાન પર જવાનું ટાળવા માટે જણાવ્યું છે. આવી સ્થિતિમાં ભારતીય ક્રિકેટ બોર્ડ આગામી સમયમાં કેવો નિર્ણય લે છે, તેના પર બધાની નજર મંડાયેલી છે.

બીસીસીઆઇના પ્રમુખ સૌરવ ગાંગુલીએ અગાઉ જણાવ્યું હતુ કે, કોરોનાથી આઇપીએલને કોઈ જોખમ નથી. અમારી મેડિકલ ટીમ સાવચેતીના તમામ પગલાં ભરશે.

નોંધપાત્ર છે કે, અગાઉ ઈટાલીયન ફૂટબોલ લીગની કેટલીક મેચો બંધ સ્ટેડિયમમાં રમાડવાનો નિર્ણય લેવાયો હતો, જે પછી તે મેચો સ્થગિત કરવામાં આવી હતી. અમેરિકાની ટોચની બાસ્કેટબોલ લીગ - એનબીએ - દ્વારા પણ સાવચેતીના પગલારૂપ કેટલીક મેચો બંધ સ્ટેડિયમમાં રમાડવા વિચારણા હાથ ધરવામાં આવી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Iw2frv
via Latest Gujarati News

Post a Comment

0 Comments