
મુંબઇ, તા. 30 માર્ચ 2020, સોમવાર
કોવિદ-૧૯નો શિકાર બનેલા વધુ એક દરદીનું મહાનગરની કેઇએમ હોસ્પિટલમાં નિધન થયું હતું. મહાપાલિકાના અધિકારીઓએ જણાવ્યા મુજબ કોરોનાગ્રસ્ત ૪૦ વર્ષીય મહિલાને શ્વાસોચ્છવાસમાં મુશ્કેલી થઇ રહી હતી. તેને ત્રણ- ચાર દિવસથી છાતીમાં દુઃખાવો થતો હતો અને તેનું લોહીનું દબાણ પણ ઉચું ગયું હતું. તેને શનિવારે હોસ્પિટલમાં દાખલ ક રવામાં આવ્યા બાદ રવિવારે તેનું નિધન થયું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પશ્ચિમ પરાના એક ટેક્સી ચાલકની ૪૦ વર્ષીય પત્નીને કેઇએમ રૂગ્ણાલયમાં લાવવામાં આવી ત્યારે જ તેની હાલત સાવ કથળેલી જણાતી હતી. તેને બે કલાકમાં વેન્ટિલર પર રાખવાની આવશ્યક્તા હતી. પરંતુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પછી થોડાં કલાકમાં તે મૃત્યુ પામી હતી. ત્યાર પછીના પરીક્ષણમાં તેને કોવિડ-૧૯ પોઝિટીવ હોવાનું જણાયું હતું.
કેઇએમ હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેરમાં ફરજ બજાવી રહેલા એક તબીબે કહ્યું હતું કે અમારા તબીબોને આ કેસ કોવિડ- ૧૯ હોવાનું લાગતાં તેમણે તરત જ તેનું પરીક્ષણ કરાવવાનું કહ્યું હતું. જ્યારે અન્ય એક તબીબે જણાવ્યું હતું કે દરદીનું નિધન થતા રાત્રે એક વાગે તેના મૃતદેહને શબઘરમાં ખસેડવામાં આવ્યા હતાં. તેનો મૃતદેહ છથી સાત કલાક સુધી શબઘરમાં હતો તે દરમિયાન તેના સંબંધીઓ હોસ્પિટલમાં અહીંથી તહીં ફર્યા હતાં. આ જોતા એમ લાગે છે કે કોરોનાગ્રસ્તના નિકટના લોકોને ક્વોરન્ટીન કરવાના તેમજ શબનો નિકાલ કરવાના નિયમોનું પાલન કરવામાં નથી આવ્યું.
હોસ્પિટલના અન્ય એક તબીબ હેમન્ત દેશમુખે જણાવ્યા મુજબ રૂગ્ણાલયના ડોક્ટરો તેમ જ નર્સો રક્ષણાત્મક વસ્ત્રો પહેરે છે. આમ છતાં અમે સાતથી આઠ તબીબોને હોમ ક્વોરન્ટીનમાં રાખ્યાં છે તેમજ કોવિડ-૧૯ના દરદીના સંપર્કમાં આવેલા તબીબને પણ ઘરમાં અલાયદા રાખવામાં આવ્યા છે. આ મરીજને એક ખાનગી રૂગ્ણાલયમાંથી અહીં લાવવામાં આવી ત્યારે જ તેની હાલત કથળેલી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે મહાપાલિકાની ટુકડી સાથે મૃતકના પતિને પણ કબ્રસ્તાનમાં જવાની છૂટ આપવામાં આવી હતી. જો કે ચેપ ફેલાવાના ભયથી મઝગાંવ અને મલાડના કબ્રસ્તાનના વ્યવસ્થાપકોએ કોવિડ-૧૯ની મૃતકને પોતાને ત્યાં દફનાવવા દેવાનો ઇન્કાર કરી દીધો હતો. પરિણામે તેમને ઠેકઠેકાણે ભટકવાનો વારો આવ્યો હતો. મહાપાલિકાના અધિકારીઓએ કહ્યું હતું કે મૃતકના કુટુંબીજનોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે અને હવે કસ્તુરબા હોસ્પિટલ ખાતે તેમના પરીક્ષણ કરવામાં આવશે.
બુલઢાણામાં બનેલા અન્ય એક કોવિડ-૧૯ ગ્રસ્તના મોતના કેસમાં પણ નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું જણાઇ આવ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે બુલઢાણાના જિલ્લા રૂગ્ણાલયમાં રવિવારે જ કોરોનાથી મૃત્યુ પામેલા ૪૫ વર્ષના પુરુષની અંતિમ યાત્રામાં ૧૦૦ જેટલા લોકો એકઠાં થયા હતાં. સ્થાનિક વહીવટકર્તાઓએ ઝાઝા લોકોને ભેગાં થવાની મનાઇ ફરમાવી હોવા છતાં આમ બન્યું હતું.
નેશનલ હેલ્થ મિશનના કમિશનર ડો. અનુપ કુમાર યાદવે કહ્યું હતું કે આ બંનેમાંથી એકેય મૃતકે ક્યાંય પ્રવાસ નહોતો કર્યો. આમ છતાં તેમને કોવિડ-૧૯ શી રીતે લાગુ પડયો તેની તપાસ કરવામાં આવી રહી છે. જો કે તેમમે ઉમેર્યું હતું કે અમે આ બંને કેસને કમ્યુનિટી ટ્રાન્સમિશનમાં નથી ગણતા.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JqG1aX
via Latest Gujarati News
0 Comments