શસ્ત્રોની આયાતના મામલે ભારત 2015-2019 વચ્ચે વિશ્વમાં બીજા ક્રમે : સાઉદી પ્રથમ ક્રમે


નવી દિલ્હી, તા. 9 માર્ચ, 2020, સોમવાર

વર્ષ 2015થી 2019 વચ્ચે શસ્ત્રોની ખરીદી અને આયાતના મામલે ભારતે વિશ્વમાં પોતાનું બીજાક્રમનું સ્થાન જાળવી રાખ્યું હતું. ભારતને શસ્ત્રો વેચનાર સૌથી મોટો દેશ રશિયા રહ્યો હતો.

જો કે રશિયાના શસ્ત્રોની ભારતે કરેલી આયાત 72 ટકાથી ઘટનીને 56 ટકા થઇ ગઇ હતી, એમ શસ્ત્રોની હેરફેર પર અભ્યાસ કરતી એક થીંકટેન્કે પોતાના અહેવાલમાં જણાવ્યું હતું.

 સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સટીટયુટે  આજે જારી કરેલા પોતાના વાર્ષીક અહેવાલમાં કહ્યું હતું કે 'પાંચ વર્ષમાં શસ્ત્રોના સૌથી મોટા ખરીદદાર દેશોમાં સાઉદી એરેબિયા સૌથી મોખરે હતો જ્યારે ભારત બીજા ક્રમે હતો.

ત્યાર પછીની ક્રમે હતા ઇજીપ્ત,ઓસ્ટ્રેલિયા અને ચાઇના. આ તમામ દેશો ભેગા મળીને જે શસ્ત્રોની ખરીદી કરે છે તે શસ્ત્રોની કુલ આયાતનો 36 ટકા થાય છે. વર્ષ 2010થી 2014 વચ્ચે પણ સાઉદી એરેબિયા,ભારત અને ચીન ટોચના પાંચ આયાતકાર દેશોમાં હતા, જ્યારે પાકિસ્તાનનો ક્રમ અગિયારમો હતો.

ભારતે તાજેતરના વર્ષોમાં  તેના સુરક્ષા દળોનું  આધુનિકરણ કર્યું હતું જેમાં જેટ, હેલિકોપ્ટર, સબમરિન્સ, યુધ્ધજહાજો,આર્ટીલરી ગન્સ અને એસોલ્ટ રાઇફલનો સમાવેશ થતો હતો જે રશિયા, અમેરિકા અને ઇઝરાયેલ જેવા દેશો પાસેથી આયાત કરાતા હતા.

આ સંસ્થાના વર્ષ 2015-2019ના આંકડાઓ અનુસાર, ભારતે ડેન્માર્ક પાસેથી સ્કેન્ટર 6000,જર્મની પાસેથી સોનાર સીસ્ટમ, ઇટાલી પાસેથી 76 એમએમ નવલ ગન અને દક્ષિણ કોરિયા પાસેથી 155 એમએમ આર્ટીલેરી બંદુકો સહિત   સેનાના અનેક સાધનો વિવિધ દેશો પાસેથી ખરીદ્યા હતા.

વિશ્વના સૌથી વધુ શસ્ત્રોની નિકાસ  કરનાર દેશોમાં ભારતનું સ્થાન 25મું હતું. ભારતે મ્યાંમાર,શ્રીલંકા અને મોરિશિયસને શસ્ત્રો વેચ્યા હતા.અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે પાંચ વર્ષ દરમિયાન ભારતની શસ્ત્રોની આયાત અમેરિકા અને રશિયામાંથી ઘટી હતી.

રશિયાની શસ્ત્રોની કુલ નિકાસમાં ભારતનો હિસ્સો 25 ટકા હતો.'વર્ષ 2020થી 2014 વચ્ચે ભારતને શસ્ત્રો સપ્લાય કરનાર રશિયા સૌથી મોટો દેશ હતો, પરંતુ ભારતને કરાતી કુલ નિકાસમાં 72 ટકાથી ઘટીને 56 ટકાની નિકાસ થઇ ગઇ હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39EjmU7
via Latest Gujarati News

Post a Comment

0 Comments