
રોમ, તા. 8 માર્ચ, 2020, રવિવાર
ચીનમાં કોરોના વાઇરસનો કેર શરૂ થયો હતો જે આજે વિશ્વના 97 દેશોમાં ફેલાઇ ગયો છે. ચીન ઉપરાંત જે દેશોમાં સૌથી વધુ આ વાઇરસની અસર છે તેમાં હવે ઇટાલીનો પણ સમાવેશ થઇ ગયો છે.
ઇટાલીમાં પણ હવે ચીનના વુહાન જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકો ઘરોની બહાર નથી નીકળી રહ્યા અને દેશની જેટલી વસતી છે તેનો ચોથો ભાગના લોકો ઘરોમાં કેદ રહેવા મજબુર છે. જ્યારે ત્રણ એપ્રીલ સુધી સ્કૂલો, થીયેટરો, નાઇટ ક્લબ અને મ્યૂઝિયમ વગેરેને બંધ કરી દેવામાં આવ્યા છે.
ઇટાલીના વડા પ્રધાન ગ્યૂસેપ કોંટેએ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત ગણાતા ઉત્તરીય ક્ષેત્રમાં લોકોને અવર જવર ન કરવાની સલાહ આપી છે અને ઘરોમાં જ બની શકે તો રહેવા કહ્યું છે. ઇટાલીમાં અત્યાર સુધીમાં છ હજાર જેટલા કેસ સામે આવ્યા છે જેમાં અઢીસો જેટલા મોતને ભેટયા છે. શનિવારે જ વાઇરસના 1247 કેસો સામે આવ્યા હતા.
ડબલ્યૂ એચ ઓ દ્વારા જારી માહિતી અનુસાર ચીન સિવાયના દેશોમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે 413 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 22 હજાર લોકોને કોરોનાની અસર છે. જ્યારે ચીનમાં આ આંકડો હજારોની સંખ્યામાં છે. દક્ષિણ કોરિયામાં પણ હજારો ચર્ચને બંધ કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને એવા સૃથળોને તાળા મારવામાં આવી રહ્યા છે કે જ્યાં લોકો મોટી સંખ્યામાં એકઠા થતા હોય.
બીજી તરફ ચીનમાં હવે વાઇરસ ધીરે ધીરે તેની અસર ઓછી કરી રહ્યો છે, જેમ જેમ ગરમી વધી રહી છે તેમ તેમ તે ઓછો ફેલાઇ રહ્યો છે. રવિવારે જ ચીનમાં અત્યાર સુધીના દૈનિક કેસો કરતા સૌથી ઓછા કેસો નોંધાયા હતા. જોકે તેમ છતા રવિવારે 27 લોકોએ ચીનમાં દમ તોડયો અને મોતને ભેટયા હતા.
ચીનમાં અત્યાર સુધીમાં 3100 લોકોના મોત નિપજ્યા છે. અને 80 હજારથી વધુને કોરોના વાઇરસની અસર છે. અમેરિકામાં પણ કોરોનાને કારણે 19 લોકોના મોત નિપજ્યા છે. જેને પગલે ન્યૂયોર્કમાં ઇમર્જન્સી જાહેર કરવામાં આવી છે. જ્યારે 400થી વધુ લોકોને કોરોનાની અસર છે. ભારતમાં આ આંકડો 40 સુધી પહોંચી ગયો છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aC4vcF
via Latest Gujarati News
0 Comments