
દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ઘટીને રૂ. 70.59 જ્યારે ડીઝલનો ભાવ ઘટીને રૂ. 63.26 : જુલાઇ, 2019 પછીનો સૌથી ઓછો ભાવ
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 9 માર્ચ, 2020, સોમવાર
છેલ્લા આઠ મહિનામાં પ્રથમ વખત પેટ્રોલના ભાવ 71 રૂપિયાના નીચે જતા રહ્યાં છે. સઉદી અરેબિયા અને રશિયા વચ્ચે શરૂ થયેલા ઓઇલના વેપાર યુદ્ધથી ભારતને ફાયદો થવાની સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે રશિયા અને સઉદી અરેબિયા વચ્ચે શરૂ થયેલા વેપાર યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં 31 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. ભારત પોતાની જરૂરિયાતના 84 ટકા ક્રૂડ ઓઇલની અન્ય દેશોમાંથી આયાત કરે છે. જેના કારણે સરકારના આયાત બિલમાં મોટો ઘટાડો જોવા મળશે. જો કે અગાઉથી જ મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહેલ ઓએનજીસીની મુશ્કેલી વધશે.
ક્રૂડના ભાવ ઘટવાને કારણે 11 વર્ષની નીચલી સપાટીએ પહોંચી ગયેલા દેશના ાર્થિક વિકાસની વૃદ્ધિમાં પણ મદદ મળશે. દિલ્હીમાં આજે પેટ્રોલનો ભાવ ઘટીને 70.59 રૂપિયા થઇ ગયો છે. જે જુલાઇ, 2019 પછીનો સૌથી ઓછો છે. જ્યારે એક લિટર ડીઝલનો ભાવ ઘટીને 63.26 રૂપિયા થઇ ગયો છે.
આંતરરાષ્ટ્રીય બજારના વલણને પગલે 27 ફેબુ્રઆરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત ઘટી રહ્યાં છે. 27 ફેબુ્રઆરીથી અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં 1.42 રૂપિયા અને ડીઝલના ભાવમાં 1.44 રૂપિયાનો ઘટાડો થયો છે.
જો કે ક્રૂડના ભાવમાં ઘટાડો થવાની સાથે ડોલરની સરખામણીમાં રૂપિયાનું મૂલ્ય પણ સતત ઘટી રહ્યું છે. રૂપિયો આજે વધુ 23 પૈસા તૂટીને 74.10ની સપાટીએ આવી ગયો હતો. રૂપિયો નબળો પડવાને કારણે આંતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ખરીદતી વખતે ભારત સરકારને વધુ રકમની ચૂકવણી કરવી પડશે કારણકે આંતરરાષ્ટ્રીય બજારમાંથી ક્રૂડ ખરીદતી વખતે ડોલરમાં ચૂકવણી કરવાની હોય છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vTFWJx
via Latest Gujarati News
0 Comments