યસ બેંકના રાણા કપૂરની વિદેશમાં કરોડોની સંપત્તિની ઇડીને શંકા


નવી દિલ્હી, તા. 9 માર્ચ, 2020, સોમવાર

યસ બેંકે કરોડો રૂપિયાની લોન એવા ઉધ્યોગપતિઓને પણ આપી દીધી હોવાની શંકા છે કે જેઓએ બાદમાં લોન પરત ન કરી હોય અને નાદારી નોંધાવી હોય. ભારત ઉપરાંત  આવા લોન લેનારાઓની કે કપૂરની વિદેશમાં સંપત્તિ છે કે કેમ તપાસ હાલ ઇડીએ શરૂ કરી દીધી છે. 

ઇડીના એક અધિકારીએ જણાવ્યું હતું કે હાલ તપાસને ભારત પુરતી સિમિત ન રાખતા વિદેશોમાં પણ તેની ચકાસણી કરવામાં આવી રહી છે. સોમવારે ઇડીએ યસ બેંકના કેટલાક સીનિયર અધિકારીઓની સાથે પણ વાતચીત કરી હતી. જે દરમિયાન કોને કોને લોન આપવામાં આવી છે તેની માહિતી મેળવવાનો પ્રયાસ પણ કર્યો હતો. 

યસ બેંકના રાણા કપૂરની વિદેશમાં કેટલી સંપત્તિ છે તેની તપાસ પણ ચાલી રહી છે. ખાસ કરીને બ્રિટન, અમેરિકા અને ફ્રાન્સમાં રાણા કપૂરની સંપત્તિ હોવાની એજન્સીને શંકા છે. અને જો કોઇ સંપત્તિ હોય તો તેમાં મની લોન્ડરિંગનો કેસ બને છે કે કેમ તેની તપાસ પણ ચાલી રહી છે. એક ડઝનથી વધુ શેલ કંપનીઓ, કપૂર પરિવારના બે હજાર કરોડનું રોકાણ અને આશરે 4500 કરોડ રૂપિયાનું ટ્રાંઝેક્શન હાલ તપાસ હેઠળ છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TQ32Jb
via Latest Gujarati News

Post a Comment

0 Comments