
ન્યૂયોર્ક, 30 માર્ચ, 2020 ,સોમવાર
વાયરસે ચીનના હુબેહી પ્રાંતના વુહાનથી સમગ્ર વિશ્વમાં આતંક મચાવ્યો છે. 3 અબજથી વધુ લોકો વાયરસ સંક્રમણથી બચવા ઘરમાં રહેવા મજબૂર બન્યા છે. વિશ્વમાં 7.25 લાખ લોકો વાયરસ સંક્રમણનો ભગ બન્યા છે. રોજીંદી રફતાર અને કારોબાર ભાંગી પડયા છે, અમેરિકા જેવો મહાસત્તા દેશ પણ જાણે ઘૂંટણિયે પડયો હોય એમ કોવિડ-19ના વિશ્વમાં સૌથી વધુ 1.20 લાખ જેટલા કેસ જોવા મળે છે. કોરોના વાયરસને વુહાન વાયરસ કહીને ચીન પર દુનિયા રોષ પ્રગટ કરી રહી છે ત્યારે અમેરિકાના વોલ્ટ સ્ટ્રીટ જર્નલમાં પ્રકાશિત અહેવાલ મુજબ વુહાનમાં 10 ડિસેમ્બર 2019ના રોજ ઝીંગા પકડનારી મહિલાને કોરોના વાયરસ થયો હતો જે કોરોનાનો ભોગ બનનારી વિશ્વની પ્રથમ વ્યકિત હતી, નવાઇની વાત તો એ છે કે આ મહિલા લાંબી સારવાર પછી જીવતી રહી છે.

વુહાનની આ મહિલાનું નામ વેઇ ગુઇજિયાન જેને કોરોના વાયરસનું પેશન્ટ જીરો તરીકે ઓળખવામાં આવે છે. વેઇ ગુઇજિયાન હોસ્પિટલ પહોંચી ત્યારે દાવો કર્યો કે તે સી ફૂડ માર્કેટમાં શેયરિંગ ટોયલેટનો ઉપયોગ કરવાથી બીમાર પડી હતી. તેને સામાન્ય તાવ અને શરદીની ફરિયાદ હતી આથી તેને ફલૂની સારવાર અને દવા કરવામાં આવી હતી. સારવારથી કોઇ ફર્ક ના પડતા 16 ડિસેમ્બરના રોજ વેઇને વુહાનની વિશાળ યૂનિયન હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. વેઇ ઉપરાંત હુન્ના પ્રાંતના સી માર્કેટના કેટલાક લોકો આ પ્રકારના લક્ષણોની ફરિયાદ લઇને હોસ્પિટલ પહોંચ્યા હતા.

ડિસેમ્બરના અંત સુધી અજાણ્યો કોરોના વાયરસ શરીરમાં હોવાનું બહાર આવ્યું હતું. જો કે કોરોનાના પેશન્ટ જીરો અંગે અલગ અલગ દાવો થઇ રહયા છે. લેસન્ટ મેડિકલ જર્નલ અનુસાર કોરોના વાયરસનું પ્રથમ દર્દી 1 ડિસેમ્બર 2019માં વુહાનમાં આવ્યું હતું. જો કે વિશ્વમાં એવી વ્યાપક માન્ચતા ફેલાઇ રહી છે કે ચીનની વુહાન પ્રયોગશાળામાં જૈવિક શસ્ત્રોના પરીક્ષણ સમયે અજાણ્યો કોરોના વાયરસ બહાર ફેંલાયો હતો. કોરોના સંક્રમણનો ભોગ બનેલા અને તેના ડરથી લોકડાઉનમાં ઘરે કેદ લોકો સોશિયલ મીડિયામાં ચીનને કોરોના વાયરસ માટે જવાબદાર ગણી રહયા છે. આગામી સમયમાં અમેરિકામાં 10 લાખથી વધુ કોરોના સંક્રમણ દર્દીઓ અને 1 થી 2 લાખ લોકોના મોત થશે આવી ચેતવણીથી ભય ફેલાયો છે. સ્પેન અને ઇટલીના લોકડાઉન પણ કોરોના સંક્રમણ રોકવામાં સફળ થયા નથી.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UKcePQ
via Latest Gujarati News
0 Comments