કોરોનાનાં દરદીઓના મૃત્યુ દરની સચોટ માહિતી હાલ ન આપી શકાયઃ ચિત્ર સતત બદલાતું રહે છે


મુંબઈ, તા. 30 માર્ચ 2020, સોમવાર

મુંબઈ સહિત ભારત અને સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાનાં દરદીઓ,  સાજાં થયેલાં દરદીઓ અને મૃત્યુ પામેલાં દરદીઓની આંકડાકીય માહિતી સતત બદલાતી રહે છે. આવા અતિ અકળ અને ચિંતાજનક સંજોગો કોરોનાને કારણે મત્યુ પામેલી વ્યક્તિઓનો દર ચોક્કસ કેટલો છે તેની સચોટ માહિતી આપવી મુશ્કેલ છે એમ વિશ્વનાં તબીબી નિષ્ણાતોએ જણાવ્યું હતું.

આ તબીબી નિષ્ણાતોએ એવી માહિતી પણ આપી હતી કે અમુક પ્રસાર માધ્યમો કોરોનાનાં દર  ૧૦૦ દરદીઓ દીઠ મૃત્યુ દર ચાર (૪)નો દર્શાવે છે. જોકે, ખરેખર તો આ માહિતી ગેરમાર્ગે દોરે એવું હોઈ શકે છે. હકીકત તો એ છે કે આ મહામારીનો મૃત્યુ દર તો જગતના જુદા જુદા દેશો પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે. હોય પણ છે. ક્યા રાષ્ટ્રમાં કેટલી વસતિ છે, તેની ગીચતા કેટલી છે, ત્યાં આરોગ્યની સુવિધા કેવી અને કેટલા પ્રમાણમાં છે, કુપોષણની ટકાવારી કેટલી છે તથા તંદુરસ્ત વ્યક્તિઓ કેટલી છે વગેરે પરિબળો પર પણ મૃત્યુ દરનો આધાર રહેલો છે.

આ તબીબી નિષ્ણાતોએ એવી માહિતી પણ આપી હતી કે ભારતમાં કોરોનાનાં દર ૧૦૦ દરદી દીઠ મૃત્યુ દર ત્રણ (૩)નો હોવાના અહેવાલો પ્રસિધ્ધ થયા છે. મૃત્યુ દરની આ ટકાવારી એવો નિર્દેશ કરે છે કે ભારતની પ્રજામાં (દરદીઓમાં) કોરોનાની મહામારી સામે લડવાની કેવી- કેટલી રોગ પ્રતિકારક શક્તિ છે, અને કેટલી નથી. સાથોસાથ જેટલી સંખ્યામાં દરદીઓ મૃત્યુ પામ્યાં તેની સરખામણીએ કેટલાં સાજાં નરવાં થયાં તેનો પણ નિર્દેશ કરે છે.

વળી, ભારતને સંબંધ છે ત્યાં સુધી આ મૃત્યુ દર ઈટાલી, સ્પેન સહિત યુરોપના અન્ય દેશોના મૃત્યુ દરની સરખામણીએ ઘણો ઘણો નીચો છે. હાલ આખા યુરોપમાં કોરોનાનો વાઈરસ જાણે કે પ્રચંડ સુનામીની જેમ ફેલાઈ રહ્યો છે. ત્રાટકી રહ્યો છે. ભારતની આંકડાકીય માહિતી જોઈએ તો હાલ ૨૭,૦૦૦ દરદીઓનું પરીક્ષણ થયું છે. આમાંનાં ૩.૩ ટકાને જ કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું પુરવાર થયું છે.

સમગ્ર રીતે કહીએ તો હાલના તબક્કે વૈશ્વિક સ્તરે ભારતમાં કોરોનાના ચેપી રોગનાં દરદીઓની અને મૃત્યુ પામેલાં દરદીઓની સંખ્યા પ્રમાણમાં ઘણી જ મર્યાદિત રહી છે એમ કહી શકાય એવો અંદાજ આ તબીબી નિષ્ણાતોએ આપ્યો હતો.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dENXTO
via Latest Gujarati News

Post a Comment

0 Comments