નવી દિલ્હી, તા.15 માર્ચ 2020, રવિવાર
કોરોના વાયરસને લઈને ભારત સરકારે કરેલી તૈયારીઓ અંગે ભલે વિપક્ષના કેટલાક નેતાઓ ટીકા કરી રહ્યા હોય પણ બીજા દેશોની સરખામણીમાં ભારત સરકારે જે પણ આગોતરા પગલા ભર્યા છે તે નોંધપાત્ર છે.
કેટલીક બાબતોમાં ભારત ચીન અને અમેરિકા તેમજ ઈટાલી કરતા પણ આ બાબતમાં આગળ હોવાનુ દેખાઈ રહ્યુ છે. જેમ કે ભારતના એરપોર્ટો પર અમેરિકા કરતા પહેલા પ્રવાસીઓની તપાસ શરુ કરી દેવાઈ હતી. ભારતે 22 જાન્યુઆરીથી આ કાર્યવાહી કરી હતી અને અમેરિકાએ 25 જાન્યુઆરીથી સ્ક્રિનિંગ ચાલુ કર્યુ હતુ.
ભારતે શરુઆતથી જ આઈસોલોલેશન કેમ્પ બનાવી દીધા હતા.જેથી વિદેશી આવેલા લોકોને તેમાં રાખી શકાય.અત્યાર સુધીમાં કોરોનાના કોઈ દર્દીએ આ બાબતે ભારત સરકાર પર આક્ષેપ કર્યો નથી. કોઈ આંતરરાષ્ટ્રિય સંસ્થાએ પણ ભારતની કોરોનાને લઈને તૈયારીઓ અંગે ટીકા કરી નથી.
ઈટાલી જેવા વિકસીત દેશ કરતા પણ ભારત વધારે સતર્ક રહ્યુ છે. બીજી તરફ ઈટાલીએ વિદેશથી આવતા લોકોની ચકાસણીમાં વરતેલી લાપરવાહીની અસર હવે ઈટાલીમાં જોવા મળી રહી છે. જોકે એ બાબત પણ ધ્યાનમાં લેવાવી જોઈએ કે ઈટાલીમાં વૃધ્ધોની વસતી વધારે છે.જેમને આ વાયરસની અસર વધારે થઈ શકે છે.
પોતાના દેશના લોકોને રેસ્ક્યુ કરવામાં પણ ભારત ટોપ પર રહ્યુ છે. ભારતે દેશવાસીઓને પાછા લાવવામાં સૌથી વધારે ફ્લાઈટો મોકલી છે. ઈરાન અને ઈટાલીથી 400 ભારતીયોને પાછા લવાયા છે.
ચીને તો કોરોનાની ચેતવણી આપનારા ડોક્ટરને જ જેલમાં નાંખી દેવાની ધમકી આપી હતી. જ્યારે ભારતમાં સરકારના તમામ મંત્રાલયોને ભેગા મળીને રણનીતિ બનાવવાની સૂચના અપાઈ છે. સંસદમાં પણ સરકારની તૈયારીઓની લગાતાર જાણકારી અપાઈ રહી છે.
ભારતમાં અત્યાર સુધીમાં 70000 લોકોના સેમ્પલ ટેસ્ટ કરાયા છે. 35000 લોકો સર્વેલન્સમાં છે.હાલમાં ટેસ્ટ માટે 1 લાખ કીટ ઉપલબ્ધ છે. બીજી 2 લાખ કિટનો ઓર્ડર અપાયેલો છે.ભારત પાસે રોજના 10000 ટેસ્ટ કરાવની ક્ષમતા છે. આ માટે 65 લેબ છે અને સેકન્ડરી ટેસ્ટ માટે 35 લેબોરેટરી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3d05Qfz
via Latest Gujarati News
0 Comments