LOCમાં પાક.નો બેફામ તોપમારો : કાશ્મીરના શોપિયામાં બે આતંકવાદીઓનું એન્કાઉન્ટર


શ્રીનગર, તા. 9 માર્ચ, 2020, સોમવાર

એલઓસી સરહદે પાકિસ્તાની સૈન્યએ બેફામ ફાયરિંગ કર્યું હતું. પૂંચ સેક્ટરમાં ભારતીય ચોકીઓ અને સરહદી ગામડાંઓને નિશાન બનાવીને થયેલા ફાયરિંગનો ભારતીય લશ્કરે પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. દરમિયાન શોપિયાઁમાં બે આતંકવાદીઓનું એન્કાઉન્ટર થયું હતું.

ભારતના સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ કહ્યું હતું કે પાકિસ્તાની લશ્કરે એલઓસી પર તોપમારો કર્યો હતો. પૂંચ સેક્ટરમાં આવેલી ભારતીય લશ્કરીની ચોકીઓને નિશાન બનાવીને પાકિસ્તાની લશ્કરે માર્ટાર મારો કર્યો હતો. શાહપુર સેક્ટરમાં પણ આવો જ મોર્ટાર મારો થયો હતો. જવાબમાં ભારતીય સૈન્યએ પણ ફાયરિંગ કર્યું હતું. જોકે, એમાં ભારતમાં સદ્ભાગ્યે કોઈ જ જાનહાનિ ન થઈ હોવાનું પણ સંરક્ષણ વિભાગે કહ્યું હતું.

બીજી તરફ જમ્મુ-કાશ્મીરના શોપિયાઁમાં સુરક્ષાદળોએ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં લશ્કર-એ-તોયબાના બે આતંકવાદીઓ ઠાર થયા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે શોપિયાઁ જિલ્લામાં આતંકવાદી છુપાયા હોવાની બાતમી મળી તે પછી એક વિશેષ ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાં બે આતંકવાદીઓને ઠાર કરાયા છે.

બંને આતંકવાદીઓ 2017થી આતંકવાદી પ્રવૃત્તિ કરતા હતા અને તેની સામે અસંખ્ય ગુના નોંધાયા હતા. પોલીસે કહ્યું હતું કે બંને પાસેથી એક એકે-47, ગ્રેનેડ લોન્ચર, મેગેઝીન્સ અને એક ચીની બનાવટની બંદુક સહિતના હિથયારો મળી આવ્યા હતા. 

પૂંચ સેક્ટરમાં પોલીસ પેટ્રોલિયમ દરમિયાન પાકિસ્તાનના એક જાસૂસની ધરપકડ કરવામાં આવી હતી. પીઓકેમાં રહેતો આ જાસૂસ  ભારતીય સરહદોની સંવેદનશીલ માહિતી અને ફોટોગ્રાફ્સ પાકિસ્તાનને આપતો હતો. તેની પૂછપરછ શરૂ કરીને અત્યાર સુધીમા કેટલી માહિતી પાકિસ્તાનને આપી તે અંગે બાતમી મેળવવામાં આવી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vch7sa
via Latest Gujarati News

Post a Comment

0 Comments