NPA થયેલી 42,000 કરોડમાંથી 20,000 કરોડની લોન રાણા કપૂરના કહેવાથી અપાઈ

નવી દિલ્હી, તા.11 માર્ચ 2020, બુધવાર

આર્થિક રીતે બેહાલ બનેલી યસ બેન્કના 2.25 લાખ કરોડ રુપિયા દાવ પર લાગેલા છે.

2.5 લાખ કરોડ રુપિયાની લોનમાંથી 42,000 કરોડની લોન એનપીએ થઈ ચુકી હોવાનુ મનાય છે. ઈડી દ્વારા આ સંદર્ભમાં યસ બેન્કના સ્થાપક રાણા કપૂરની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ 42,000 કરોડની લોનમાંથી 20,000 કરોડની લોન રાણા કપૂરની સીધી સૂચના અનુસાર આપવામાં આવી હોવાનુ ઈડીને જાણવા મળ્યુ છે.

ઈડી દ્વારા કોક્સ એન્ડ કિંગ્સ ગ્રૂપ, ડીએચએફએલ ગ્રૂપ, રેડિયસ ગ્રૂપ અને અન્ય કેટલીક કંપનીઓને અપાયેલી લોનના દસ્તાવેજો મંગાવાયા છે. અધિકારીઓને શંકા છે કે, આ લોન આરબીઆઈની ગાઈડલાઈનને બાજુ પર મુકીને આપવામાં આવી હતી. જેનાથી બેન્કને અને બેન્કમાં પૈસા મુકનારા લોકોને નુકસાન ગયુ છે.

કપૂરે બનાવેલી કેટલીક શેલ કંપનીઓની પણ ઈડી દ્વારા તપાસ કરાઈ રહી છે.અધિકારીઓના કહેવા પ્રમાણે લોનની સામે રાણા કપૂર અને તેમની પત્નીના ખાતામાં લાંચ પેટે જમા થયેલી રકમની પણ ચકાસણી થઈ રહી છે. જેમ કે ડીએફએફએલ પાસેથી બેન્કે 3700 કરોડના ડિબેન્ચર્સ ખરીદયા હતા અને તેની સામે કંપનીએ રાણા કપૂરની પુત્રીની કંપનીને 600 કરોડ રુપિયાની લોન આપી હતી. આ લેવડ દેવડ સંદિગ્ધ છે.કારણકે કપૂરની પુત્રીઓને એવો કોઈ મોટો બિઝનેસ નથી.

વધારે ચોંકાવનારી વાત એ છેકે, જે સંપત્તિ પર લોન અપાઈ છે તેની ખરેખર કિંમત 40 જ કરોડ રુપિયા છે.આ પ્રોપર્ટી પણ જમીન સ્વરુપે છે.આ જમીન ખેતીની છે અને લોન માટે તેને રહેણાંક માટેની જમીન તરીકે દર્શાવાઈ છે.

ઈડીનુ કહેવુ છે કે, કપૂર તરફથી પૂછપરછમાં કોઈ સહયોગ નહી થઈ રહ્યો હોવાથી તેમની મની લોન્ડરિંગના આરોપસર ધરપકડ કરાઈ છે.





from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38JAMNI
via Latest Gujarati News

Post a Comment

0 Comments