ત્રણ દિવસના નવા સપ્તાહમાં સેન્સેક્સ 27222 તૂટતાં 26666 અને નિફટી 7966 તૂટતાં 7777 જોવાશે


(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 4 એપ્રિલ 2020, શનિવાર

કોરોના મહામારીના વૈશ્વિક સંકટમાંથી વિશ્વ ક્યારે બહાર આવશે એ અનિશ્ચિત છે, ત્યારે આ સંકટથી વૈશ્વિક અર્થતંત્ર સતત ડામાડોળ થઈ રહ્યું હોઈ વિશ્વ બેંકે વિકાસશીલ રાષ્ટ્રોની વહારે આવીને કોરોનાની સામે લડત માટે જંગી ફંડીંગ કરવાની ફરજ પડી છે. આ વિકટ સમયમાં ભારતીય અર્થતંત્ર પણ ડામાડોળ થઈને આર્થિક વિકાસ બે ટકાના તળીયે આવી જવાના અંદાજો મૂકાવા લાગ્યા છે. ૨૧ દિવસના લોકડાઉનને હજુ ૧૦ દિવસ બાકી છે અને આ લોકડાઉન સમયસર ખુલશે કે પછી વધુ લંબાશે એની આશંકા સાથે અનિશ્ચિતા હોવાથી દેશના અર્થતંત્રને આગામી દિવસોમાં હજુ કેટલું નુકશાન થશે એ કહેવું કઠીન છે. આ પરિસ્થિતિમાં અત્યારે તો સરકાર કોરોના સામે ગરીબોને મદદ માટે જ પેકેજ આપવાની જોગવાઈ કરી શકી છે. ઉદ્યોગો-કોર્પોરેટ ઈન્ડિયાને હજુ સુધી ખાસ કોઈ પ્રત્યક્ષ ફંડીંગરૂપી સ્ટીમ્યુલસ જોગવાઈ-પેકેજ આપવામાં આવ્યું નથી. કોર્પોરેટ ઈન્ડિયાએ આ સંકટની ઘડીમાં દેશની મદદમાં આવીને પીએમ-કેર ફંડમાં કરોડો રૂપિયાનું ફંડ આપવા સાથે અનેક સરાહનીય જોગવાઈ કરી છે. પરંતુ ઉદ્યોગો માટે અત્યારે બિઝનેસો થંભી ગયાના આગામી મહિનાઓમાં પડનારી મોટી નેગેટીવ અસરોના અનુમાનો જોતાં માર્ચ ૨૦૨૦ના અંતના જાહેર થનારા કોર્પોરેટ ઈન્ડિયાના પરિણામો અત્યંત ખરાબ નીવડવાની પૂરી શકયતાએ અને હજુ વૈશ્વિક કોરોના મહામારી વધુ ફેલાવાના સંજોગોમાં પરિસ્થિતિ વધુ ખરાબ થવાના સંજોગોમાં કામગીરી વધુ કથવાના બતાવાતા અંદાજોએ શેરોમાં ખરીદીમાં ખૂબ જ સાવચેતી જરૂરી બની રહેશે. વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં આગામી ત્રણ દિવસના ટૂંકા સપ્તાહમાં નવેસરથી મોટા ગાબડાં પડે તો નવાઈ ન પામશો.

સોમવારે 'મહાવીર જયંતી', શુક્રવારે 'ગુડ ફ્રાઈડે' નિમિતે શેર બજારો બંધ રહેશે : ક્રુડમાં ફરી તેજી : ઓપેકની મીટિંગ પર નજર

આગામી સપ્તાહમાં સોમવારે ૬,એપ્રિલ ૨૦૨૦ના રોજ મહાવીર જયંતી નિમિતે અને શુક્રવારે ૧૦,એપ્રિલ ૨૦૨૦ના ગુડ ફ્રાઈડે નિમિતે શેર બજારો બંધ રહેનાર છે. જેથી આગામી ત્રણ ટ્રેડીંગ દિવસના સપ્તાહમાં કોરોના મહામારીના વિશ્વભરમાં ઉપદ્રવ પર નજર સાથે વિશ્વની ઓઈલ મહાસત્તાઓ-દેશોની વૈશ્વિક સંકટમાં કથળતી હાલતે ઓઈલના તાજેતરમાં સતત તૂટેલા ભાવો ૧૮ વર્ષની નીચી સપાટીએ આવી ગયા બાદ ફરી સમજૂતી માટે આગળ આવી રહ્યાના સંકેતે ભાવ ઉછળીને બ્રેન્ટના ૩૪ ડોલરની સપાટી અને નાયમેક્ષ ૨૭ ડોલરની સપાટી પાર કરી ગયા છે. જેમાં હવે આગામી સપ્તાહમાં ઓઈલ ઉત્પાદક દેશોની મળનારી વર્ચ્યુઅલ મીટિંગ પર નજર રહેશે, જેમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન મુજબ સાઉદી અરેબિયા અને રશીયા દૈનિક ઉત્પાદનમાં ૧૦૦ લાખ બેરલ જેટલો કાપ મૂકવા સંમત થશે તો ભારત જેવા ઓઈલની જંગી આયાત પર નિર્ભર દેશો માટેની આર્થિક મુશ્કેલીમાં વધુ વધારો થશે.આ સાથે રૂપિયા સામે અમેરિકી ડોલર સતત મોંઘો બની રહ્યો હોઈ ઓઈલ અને ડોલર ની તેજી અર્થતંત્રની હાલત વધુ કફોડી કરશે. આ પરિસ્થિતિમાં ફોરેન ફંડો જે ભારતીય શેર બજારોમાં સતત મોટાપાયે શેરોમાં વેચવાલ છે, એમની વેચવાલી વધતી જોવાશે. 

નવા સપ્તાહમાં માર્ચના સર્વિસિઝ પીએમઆઈ, ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્વિના ફેબુ્રઆરીના આંક, ચાઈનાના ફુગાવા પર નજર

વૈશ્વિક મોરચે અમેરિકા અને યુરોપના દેશો સતત કોરોના મહામારીમાં ઘેરાતાં જઈ પોઝિટીવ કેસો અને મૃતકોની સંખ્યામાં સતત વધારાએ ચિંતિંત છે, ત્યારે અમેરિકામાં બેરોજગારીની સમસ્યા હવે વિકરાળ રૂપ ધારણ કરી રહ્યું હોઈ વિશ્વ માટે અત્યારે આ સંકટના સમયમાં ઈક્વિટી પરનો વિશ્વાસ સતત ઉઠવા લાગ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે હવે આગામી સપ્તાહમાં ભારતના માર્ચ ૨૦૨૦ મહિના માટેા સર્વિસિઝ પીએમઆઈના સોમવારે ૫,એપ્રિલ ૨૦૨૦ના જાહેર થનારા આંક, ગુરૂવારે ૯,એપ્રિલ ૨૦૨૦ના રોજ ભારતના ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્વિના ફેબુ્રઆરી ૨૦૨૦ મહિનાના જાહેર થનારા આંક પર નજર રહેશે. જયારે આંતરરાષ્ટ્રીય મોરચ ચાઈનાના માર્ચ મહિના માટેના ફુગાવાના શુક્રવારે ૧૦,એપ્રિલ ૨૦૨૦ના જાહેર થનારા આંક પર નજર રહેશે. આ પરિબળો વચ્ચે આગામી  ત્રણ  ટ્રેડીંગ દિવસના સપ્તાહમાં સેન્સેક્સ ૨૭૨૨૨ તૂટતાં ૨૬૬૬૬ અને નિફટી ૭૯૬૬ તૂટતાં ૭૭૭૭ જોવાય એવી શકયતા રહેશે.

ડાર્ક હોર્સ : ઈન્ડિયન હ્યુમ પાઈપ કંપની લિ.

બીએસઈ(૫૦૪૭૪૧), એનએસઈ(INDIANHUME) લિસ્ટેડ, રૂ.૨ પેઈડ-અપ, વર્ષ ૧૯૨૬માં વાલચંદ હિરાચંદ દ્વારા પ્રમોટ કરાયેલી, વર્ષ ૧૯૮૪માં ૧:૨, વર્ષ ૧૯૮૯માં ૧:૨, વર્ષ ૨૦૦૫માં ૨:૩, વર્ષ ૨૦૧૬માં ૧:૧ બોનસ શેર ઈસ્યુ આમ ચાર બોનસ ઈસ્યુ થકી કુલ ઈક્વિટીમાં ૮૯.૯૩ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી,  ઈન્ડિયન હ્યુમ પાઈપ લિમિટેડ(આઈએચપી)(INDIAN HUME PIPE CO. LTD.) પાઈપલાઈન્સના મેન્યુફેકચરીંગ, કન્ટ્રકશન, બિછાવવા અનેજોઈન્ટ કરવાક્ષેત્રે અને વોટર ઈન્ડસ્ટ્રી પાઈપલાઈન્સ ક્ષેત્રે સક્રિય છે. કંપનીએ વર્ષો જતાં પ્રેસસ્ટ્રેસ્ડ કોન્ક્રિટ, પાઈપ્સ(નોન-સીલિન્ડર), પ્રેસસ્ટ્રેસ્ડ કોન્ક્રિટ સીલિન્ડર પાઈપ્સ, બાર રેપ્ડ સ્ટીલ સીલિન્ડર પાઈપ્સ, હ્યુમ સ્ટીલ પાઈપ્સ, વેલ્ડેડ સ્ટીલ પેનસ્ટોક્સ, પ્રેસ્ટ્રેસ્ડ કોન્ક્રિટ રેલવે સ્લીપર્સ વિકસાવ્યા છે અને ટર્નકી વોટર સપ્લાય તેમ સીવેજ પ્રોજેક્ટસ અમલી બનાવવામાં અને ડ્રેનેજ, ઈરીગેશન અને વોટર સપ્લાયમાં અગ્રણી સાહસિક બની છે. 

કંપની દાયકાથી ટર્નકી ધોરણે કમ્બાઈન વોટર સપ્લાય પ્રોજક્ટો જેમાં પાણીના સ્ત્રોતથી ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરો સુધી વોટર સપ્લાય અને આ ઉપરાંત પાઈપલાઈનોનું મેન્યુફેકચરીંગ, લેઈંગ-બિછાવવા અને જોઈન્ટ કરી રહી છે, આમાં ઈન્ટેક વેલ્સ, વોટર સમ્પ્સ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટો, વોટર પમ્પિર સ્ટેશનોનું નિર્માણ,પમ્પિંગ મશીનરીઝનું ઈન્સ્ટોલેશન, ઈલેક્ટ્રો-મેકેનીકલ વર્કસ, બ્રાન્ચ મેઈન્સ, ગ્રાઉન્ડ લેવલ રિઝર્વોઈર્સ વગેરેનો સમાવેશ છે. આ સાથે કંપની ભારતમાં અનેક ગામોને વોટર સપ્લાય માટે સંપૂર્ણ સિસ્ટમ્સ પૂરી પાડવામાં અગ્રણી છે. કંપનીએ ભારત ઉપરાંત વિદેશોમાં નેપાળ, શ્રીલંકા, બર્મા, મલેશિયા અને ઈરાકમાં પ્રોજેકટો હાથધર્યા છે. 

મેન્યુફેકચરીંગ સવલતો : 

ઈન્ડિયન હ્યુમ પાઈપ દેશમાં અમુક પાઈપ કંપનીઓમાં એક છે જે માન્યતા પ્રાપ્ત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિવિઝન ધરાવે છે, જે તમામ તેની મેન્યુફેકચરીંગ યુનિટો પર યુનિફોર્મ ક્વોલિટી કંટ્રોલ ધરાવે છે. કંપની ૧૨ ફેકટરીઓનુંદેશભરમાં નેટવર્ક ધરાવે છે અને ૧૦૦થી વધુ પ્રોજેક્ટો અત્યારે અમલ હેઠળ છે. જેના થકી કંપની દેશમાં શકય ઓછા ટ્રાન્સપોર્ટ ખર્ચ તેમ જ ટૂંકામાં ટૂકાગાળામાં ઓર્ડરો પૂરા કરવાની ક્ષમતા સાથે ગ્રાહકોને પ્રોડક્ટસ પૂરી પાડવાની ક્ષમતા સાથે દેશમાં ઈન્ડિયન હ્યુમ પાઈપ કંપની કોન્ક્રિટ પ્રેસર પાઈપ્સની સિંગલ સૌથી મોટી મેન્યુફેકચરર છે. ચોક્કસ પ્રોજેક્ટ માટેના મોટા ઓર્ડરોના કિસ્સામાં કંપની તેની સાઈટ નજીક લોકલ મેન્યુફેકચરીંગ યુનિટો સ્થાપવાની નાણાકીય અને ઓર્ગેનાઈઝેશનલ સક્ષમતા ધરાવે છે. 

કંપનીએ ભારતમાં મોટા કદમાં ૨૦૦૦એમએમ ડાય પ્રેસ્ટ્રેસ્ડ કોન્ક્રિટ પાઈપ(પીએસસી) અને ૧૮૦૦એમએમ ડાય બાર રેપ્ડ સ્ટીલ સીલિન્ડર પાઈપનું સફળતાપૂર્વક મેન્યુફેકચરીંગ અને ઈન્સ્ટોલેશન કર્યું છે. કંપનીના એકમો મોટાભાગના સ્થળોમાં મોટા ડાયમીટર પાઈપોની ડીલિવરી કરવા સજ્જ છે. 

ગ્રાહકોની યાદી :

કંપનીના ગ્રાહકોની યાદીમાં વિવિધ રાજય અને કેન્દ્ર સરકારો અને તેમના એન્ટરપ્રાઈસીઝ છે. જેમાં કેન્દ્ર સરકારના ગ્રાહકોમાં ઈન્ડિયન રેલવ્ઝ, ઈન્ડિયન રેલવે કન્ટ્રકશન કંપની(ઈરકોન),રેલ ઈન્ડિયા ટેકનીકલ એન્ડ એન્જિનિયરીંગ સર્વિસિઝ(રાઈટ્સ), ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ(ભેલ), નેશનલ હાઈડ્રો પાવર કોર્પોરેશન(એનએચપીસી), નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન(એનટીપીસી), ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કો ઓપરેટીવ લિમિટેડ(ઈફકો), સતલજ જલ વિદ્યુત નિગમ લિમિટેડ(એસજીવીએન) વગેરેનો સમાવેશ છે. જ્યારે રાજય સરકારોના ગ્રાહકોમાં આંધ્ર પ્રદેશ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ વગેરે છે. ખાનગી કંપનીઓમાં લાર્સન એન્ડ ટુબ્રો, એચસીસી, એનસીસી, આઈવીઆરસીએલ, પ્રતિભા ઈન્ડસ્ટ્રીઝ, એબીબી, જીએમઆર વગેરેનો સમાવેશ છે. 

દેશમાં વસતી વર્ષ ૨૦૨૫ સુધીમાં ૧૩૯ કરોડ જેટલી પહોંચી જવાનો નેશનલ વોટર પોલીસી ૨૦૦૨નો અંદાજ છે, જેનાથી ભારતમાં પાણીની જરૂરીયાત સતત વધતી રહેશે. આ સાથે સીવેજ સેગ્મેન્ટસમાં વોટર સપ્લાય, ડ્રેનેજ સ્કીમો અને સીવેજ સ્કિમોમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ પ્રવૃતિમાં સુધારો કરવાની વ્યાપક આવશ્યકતા રહેશે, જેના થકી કંપનીની આ ક્ષેત્રે મેન્યુફેકચરીંગ અને કોન્ટ્રેકટીંગ પ્રવૃતિઓ માટે પણ સારો અવકાશ રહેશે. આ સાથે હાઈડ્રો અને થર્મલ પાવર ઉત્પાદન માટે અને અન્ય ઈન્ડસ્ટ્રીયલ ઉપયોગ માટે પાણીની માંગ વધશે. આ ઉપરાંત છેલ્લા એક દાયકામાં શહેરોની હદમાં પણ વધારો થયો છે, પરંતુ આ સાથેસાથે વોટર સપ્લાય, ડ્રેનેજ વગેરે જેવી પાયાની જરૂરીયાતોને પૂરતા પ્રમાણમાં પહોંચી શકાયું નથી, જેથી આ આવશ્યકતાને ધ્યાનમાં લેતાં આ માટેની  તકો વધશે.

ઓર્ડર બુક :

કંપની પાસે અત્યારે રૂ.૫૦૦૦ કરોડથી વધુ ઓર્ડર બુક છે, જેમાં વોટર સપ્લાય, સીવેજ, ડ્રેનેજ અને ઈરીગેશન પ્રોજેક્ટોનો સમાવેશ છે. જેમાં રાજસ્થાનમાં રૂ.૨૬૧ કરોડના પબ્લિક હેલ્થ એન્જિનિયરીંગ ડિપાર્ટમેન્ટ અજમેરનો જહાઝપુર વોટર સપ્લાય સ્કીમ, છત્તીસગઢમાં મ્યુનિસિપલ કોર્પોરેશન બિલાસપુરનો રૂ.૨૦૦ કરોડનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઓવરહેડ ટેન્ક્સ સહિત, તિરૂપુર વોટર સપ્લાય સ્કીમનો રૂ.૧૮૬ કરોડનો ઓર્ડર, બેંગ્લુરૂ વોટર સપ્લાય એન્ડ સીવેજ-કર્ણાટકનો રૂ.૧૭૭ કરોડનો ઓર્ડર, મધ્ય પ્રદેશ જલ નિગમનો કુંડાલયા વિલેજ રૂરલ વોટર સપ્લાય સ્કીમ રાજગઢનો રૂ.૫૭૮ કરોડનો ઓર્ડર સહિતનો સમાવેશ છે. 

કંપની પાસે સરપ્લસજમીન હડપસર-પૂના, બદરપુર-દિલ્હી, વડાલા-મુંબઈમાં છે. જે મળીને કુલ ૨૦ લાખ ચોરસ ફૂટ જમી ન કંપની પાસે વેચાણપાત્ર છે. કંપનીએ આ પૈકી જમીનને વિકસાવવાનો વિકલ્પ પસંદ કર્યો છે. જે જમીન કંપની મજબૂત સંગઠિત સાહસિકોને વિકસાવવા આપશે એ ડેવલપ થનાર પ્રોપર્ટીના વેચાણમાં હિસ્સો મેળવશે. જે પૈકી કંપનીએ કલ્પતરૂ ગાર્ડન્સ પ્રાઈવેટ લિમિટેડ(કલ્પતરૂ લિમિટેડની સંપૂર્ણ માલિકીની સબસીડિયરી) સાથે આવક વહેંચણી ધોરણે સોદો કર્યો છે.જેમાં રહેણાંક અપાર્ટમેન્ટ, કમર્શિયલ અને રીટેલ જગ્યા વિકસાવવાનો સમાવેશ છે. આ જમીન ડેવલપમેન્ટમાંથી કંપની આવકના ૩૪ ટકા મેળવશે, આ ડેવલપમેન્ટ આગામી ત્રણ વર્ષમાં પૂર્ણ થવાની શકયતા છે. 

શેર હોલ્ડિંગ પેટર્ન :

પ્રમોટર્સ પાસે ૬૯.૫૬ ટકા, એલ એન્ડ ટી મ્યુચ્યુઅલ ફંડ પાસે ૩.૨૮ ટકા અને રૂ.૨ લાખ સુધીની વ્યક્તિગત શેરમૂડી ધારકો પાસે ૧૯.૫૬ ટકા શેરો છે. 

બોનસ ઈતિહાસ :

વર્ષ ૧૯૮૪માં ૧:૨, વર્ષ ૧૯૮૯માં ૧:૨, વર્ષ ૨૦૦૫માં ૨:૩, વર્ષ ૨૦૧૬માં ૧:૧ બોનસ શેર ઈસ્યુ

ડિવિડન્ડ :

વર્ષ ૨૦૧૦માં ૧૦૦ ટકા, વર્ષ ૨૦૧૧માં ૧૦૦ ટકા, વર્ષ ૨૦૧૨માં ૧૦૦ ટકા, વર્ષ ૨૦૧૩માં ૧૧૦ ટકા, વર્ષ ૨૦૧૪માં ૧૨૦ ટકા, વર્ષ ૨૦૧૫માં ૧૫૦ ટકા, વર્ષ ૨૦૧૬માં ૧૬૦ ટકા, વર્ષ ૨૦૧૭માં ૧૭૦ ટકા, વર્ષ ૨૦૧૮માં ૧૭૦ ટકા, વર્ષ ૨૦૧૯માં ૧૮૦ ટકા

બુક વેલ્યુ :

માર્ચ ૨૦૧૫ના રૂ.૧૧૮.૪૩, માર્ચ ૨૦૧૬ના રૂ.૧૨૬.૫૯, માર્ચ ૨૦૧૭ના રૂ.૮૨.૫૯, માર્ચ ૨૦૧૮ના રૂ.૯૩.૫૨, માર્ચ ૨૦૧૯ના રૂ.૧૦૭.૨૫, અપેક્ષિત માર્ચ ૨૦૨૦ના રૂ.૧૨૧.૮૦

નાણાકીય પરિણામો : 

(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૧૮ થી માર્ચ ૨૦૧૯ :

પૂર્ણ વર્ષની ચોખ્ખી આવક રૂ.૧૫૨૫.૯૭ કરોડની તુલનાએ વધીને રૂ.૧૬૨૮.૯૩ કરોડ મેળવીને ચોખ્ખો નફો રૂ.૬૬.૦૬ કરોડ થી વધીને રૂ.૮૬.૩૧ કરોડ નોંધાવી શેર દીઠ આવક રૂ.૧૬.૭ હાંસલ કરી છે.

(૨) ત્રીજા ત્રિમાસિક ઓકટોબર ૨૦૧૯ થી ડિસેમ્બર ૨૦૧૯ :

ચોખ્ખી આવક રૂ.૩૬૬.૦૨ કરોડની તુલનાએ ૭ ટકા વધીને રૂ.૩૯૨.૮૮ કરોડ મેળવીને ચોખ્ખો નફો રૂ.૧૦.૬૨ કરોડની સરખામણીએ ૨૨ ટકા વધીને રૂ.૧૨.૯૧ કરોડ નોંધાવી શેર દીઠ ત્રિમાસિક આવક રૂ.૨.૧૯ થી વધીને રૂ.૨.૬૬ હાંસલ કરી છે. 

(૩) પ્રથમ નવ માસિક એપ્રિલ ૨૦૧૯ થી ડિસેમ્બર ૨૦૧૯ :

નવ માસિક ચોખ્ખી આવક ગત વર્ષના સમાનગાળાની રૂ.૧૧૧૭.૮૧ કરોડની તુલનાએ વધીને રૂ.૧૨૨૬.૫૬ કરોડ મેળવીને ચોખ્ખો નફો રૂ.૫૭.૪૦ કરોડની તુલનાએ ઘટીને રૂ.૪૮.૦૬ કરોડ નોંધાવી શેર દીઠ આવક રૂ.૧૧.૮૫ની તુલનાએ ઘટીને રૂ.૯.૯૨ હાંસલ કરી છે.

(૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૧૯ થી માર્ચ ૨૦૨૦ :

અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૧૬૮૫.૬૭ કરોડ મેળવીને અપેક્ષિત ચોખ્ખો નફો રૂ.૭૦.૫ કરોડ નોંધાવી શેર દીઠ પૂર્ણ વર્ષની આવક રૂ.૧૪.૫૫ અપેક્ષિત છે. 

(૫) વેલ્યુએશન : સિંગલ B :

સિમેન્ટ  અને પ્રોડક્ટસ-બિલ્ડિંગ મટીરિયલ્સ ક્ષેત્રની આકંપનીને ૧૦નો પી/ઈ આપીએ તો પણ શેર રૂ.૧૪૫ને આંબી શકે એ માટે વેલ્યુએશન સિંગલ B જે શેર અત્યારે એનએસઈ, બીએસઈ પર રૂ.૧૧૯.૮૫ના ભાવે અપેક્ષિત કમાણી સામે ૮.૨૩ના પી/ઈએ ઉપલબ્ધ છે.  

મનોજ શાહ : રીસર્ચ એનાલિસ્ટ(SEBI REG. NO. INH000000107) 

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલિસ્ટ છે :  ડિસ્કલોઝર કમ(વાચકોએ ખાસ નોંધ લેવી) ચેતવણી :  (૧)લેખક ઉપરોકત કંપનીઓના  શેરોમાં કોઈ રોકાણ ધરાવતા નથી. (૨) રીચર્સ માટેના અમારા સ્રોત જેમ કે બ્રોકિંગ હાઉસ, પ્રમોટર વ્યુઝ, વ્યકિતગત રીસર્ચ એનાલિસ્ટ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ અથવા તેમની ટીમનું સીધું અથવા આડકતર ું હિત હોઈ શકે છે. (૩) રીચર્સના ભાવથી ૨૦ ટકા સ્ટોપ લોસ ખાસ કરીને જાળવવો, તે સલાહ અને ચેતવણી છે. (૪) વેલ્યુએશન H, BB, BBB, ટોપ ગેઈનર્સ આ બધી શકયતાઓ છે, તેથી લલચાઈને રોકાણ કરવું નહીં. (૫) સામાન્ય રીતે દર ૧૦ સ્ક્રીપમાંથી ૬ સ્ક્રીપ સાચી અને ચાર-૪ સ્ક્રીપ ખોટી પડે તે પ્રકારનું રીસર્ચ ઉત્તમ હોય છે.  (૬) ફીડબેક ઈ-મેઈલ : arjuneyems@gmail.comમાં જે જવાબો આપવામાં આવે છે, તેને પણ ઉપરોકત બધા પોઈન્ટ-મુદ્દાઓ લાગુ પડે છે. (૭) વાચક વર્ગ, રોકાણકાર વર્ગે  પોતાના વ્યક્તિગત નિર્ણય વ્યક્તિગત જોખમે લેવા. ગુજરાત સમાચારના લેખક, તંત્રી અને કોઈપણ વ્યકિત તમારી નુકશાની માટે જવાબદાર રહેશે નહીં. તેથી શેરબજારના રિસ્ક-જોખમને ઓળખીને રોકાણ કરવું.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dXWIZa
via Latest Gujarati News

Post a Comment

0 Comments