
- સેબીએ ગત સપ્તાહમાં લિસ્ટેડ કંપનીઓ માટે ચોથા ત્રિમાસિકના પરિણામો રજૂ કરવા માટેની સમય મર્યાદા ૩૧,મે થી લંબાવીને ૩૦,જૂન ૨૦૨૦ કરી આપી, પરંતુ ટ્રેડીંગ વિન્ડો બંધ થવામાં રાહત આપવાની ઘણા પ્રમોટરોની અરજ નકારી કાઢી
(વાણિજ્ય પ્રતિનિધિ) મુંબઈ તા. 4 એપ્રિલ 2020, શનિવાર
વર્ષ ૨૦૧૯-૨૦માં સ્મોલ, મિડ કેપ શેરોમાં ૪૫ થી ૯૯ ટકા જેટલા ભાવોમાં ગાબડાં પડયા બાદ પ્રવર્તમાન કોરોના સંકટને કારણે અને મૂડી બજાર નિયામક તંત્ર સેબી દ્વારા પ્રમોટરોને તેમની કંપનીઓના શેરો ખરીદવાની મંજૂરીના અભાવમાં શેરોના ભાવોમાં આગામી સપ્તાહ-દિવસોમાં વધુ મોટા ગાબડાં પડવાનું જોખમ છે.
ઉલ્લેખનીય છે કે મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી) દ્વારા પ્રમોટર્સને આગામી ત્રણ મહિના માટે તેમની કંપનીઓના શેરો ખરીદવા પર અંકુશ મૂકવામાં આવ્યો છે. સેબીએ તાજેતરમાં જ લિસ્ટેડ કંપનીઓને તેમના ૩૧,માર્ચ ૨૦૨૦ના પૂરા થયેલા ત્રિમાસિક માટેના ચોથા ત્રિમાસિકના પરિણામો ૩૧,મે ૨૦૨૦ને બદલે ૩૦,જૂન ૨૦૨૦ સુધીમાં રજૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે, પરંતુ સેબીએ પ્રમોટરો પર રિઝલ્ટના સમયે લાગુ ટ્રેડીંગ અંકુશોમાંથી મુક્તિ એટલે કે પ્રમોટરોને પોતાની કંપનીઓના શેરો ખરીદવા મંજૂરી આપવાનો ઈન્કાર કર્યો છે. જે મુજબ પ્રમોટરો અને મેનેજમેન્ટ માટે તેમના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા બાદ ૧,એપ્રિલથી ૪૮ કલાક સુધી ટ્રેડીંગ વિન્ડો બંધ રહે છે. ૧,માર્ચથી ઘણા પ્રમોટરો દ્વારા ઘટાડામાં તેમની કંપનીઓના શેરોમાં ખરીદી કરીને ભાવો ઘટતાં અટકાવવા ટેકો અપાયો છે. આવા સમયમાં સામાન્ય રીતે ઈન્વેસ્ટરો નાની કંપનીઓથી દૂર રહેતાં હોય છે. હવે પ્રમોટરો કે ઈન્સાઈડરો તેમની કંપનીઓના શેરો તીવ્ર ઘટાડાના દોરમાં ખરીદી શકવા અસમર્થ છે.
સેબીએ ગત સપ્તાહમાં લિસ્ટેડ કંપનીઓ માટે ચોથા ત્રિમાસિકના પરિણામો રજૂ કરવા માટેની સમય મર્યાદા ૩૧,મે થી લંબાવીને ૩૦,જૂન ૨૦૨૦ કરી આપી હતી, પરંતુ ટ્રેડીંગ વિન્ડો બંધ થવામાં કોઈ રાહત આપવાની ઘણા પ્રમોટરોની અરજ નકારી કાઢી હતી.
અત્રે નોંધનીય છે કે, તાજેતરના દિવસોમાં એટલે કે ૧૫,માર્ચ થી ૩૧,માર્ચ ૨૦૨૦ દરમિયાન કેટલીક સ્મોલ કેપ કંપનીઓ જેવી કે યુનિકેમ લેબોરેટરીઝ, એડવાન્સ એન્ઝાઈમ, ઈન્ડિયા સિમેન્ટ સહિતના શેરોમાં પ્રમોટર્સ દ્વારા ઓપન માર્કેટમાંથી શેરોની ખરીદી કરવામાં આવી છે. વેલ્યુએશનમાં તીવ્ર ઘટાડાથી પ્રમોટરો તેમની કંપનીઓના શેરો ખરીદવા આગળ આવ્યા છે. ફોરેન ફંડો-ઈન્વેસ્ટરો દ્વારા શેરોમાં સતત વેચવાલી થઈ રહી હતી, એવા સમયમાં ૩૦૦થી વધુ સ્મોલ અને મિડ કેપ કંપનીઓના રૂ.૩૦૦૦ કરોડથી વધુ મૂલ્યના શેરોની છેલ્લા એક મહિનામાં ખરીદી થઈ છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો(એફપીઆઈઝ) દ્વારા માર્ચ ૨૦૨૦ મહિનામાં રૂ.૫૯૦૦૦ કરોડના શેરોનું વેચાણ કરાયું છે, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો દ્વારા આ સમયગાળામાં રૂ.૨૬,૦૦૦ કરોડના શેરોની ખરીદી કરવામાં આવી છે.
પ્રમોટર્સ દ્વારા છેલ્લા પખવાડિયામાં જે કંપનીઓના શેરોમાં ખરીદી થઈ છે, એમાં કેટલાકમાં ટાટા સ્ટીલમાં ૧,૬૪,૮૪૧ શેરો, ટાટા કન્ઝયુમર પ્રોડક્ટસમાં ૨૨,૮૫,૪૯૧ શેરો, ઓરોબિન્દો ફાર્મામાં ૮,૩૯,૫૩૭ શેરો, ઈન્ડિયા સિમેન્ટમાં ૧,૩૦,૦૦૦ શેરો, માઈન્ડટ્રીમાં ૯,૦૦,૧૮૦ શેરો, એશીયન પેઈન્ટસમાં ૪,૬૫,૦૩૮ શેરો, જીએમઆર ઈન્ફ્રાસ્ટ્રકચરમાં ૧૧,૦૪,૭૦,૫૨૫ શેરો, ગેટવે ડિસ્ટ્રીપાર્કસમાં ૧,૮૫,૦૦૦ શેરો સહિતનો સમાવેશ છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JFfkPU
via Latest Gujarati News
0 Comments