મહારાષ્ટ્ર સરકાર હવે કોરોના સામે 'મહાકવચ'ની મદદથી ડિજિટલ યુદ્ધ કરશે


મુંબઇ, તા.04 એપ્રિલ 2020, શનિવાર

કોરોના વાઇરસની જીવલેણ બીમારી સામે લડત આપવા મહારાષ્ટ્ર સરકારે હવે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવાનું આયોજન કર્યું છે. આ યોજનામાં રાજ્ય સરકારે મહાકવચ નામની ડિજિટલ એપ્લિકેશન બનાવી છે. સાથોસાથ કોવિડ-૧૯ નામનું તમામ માહિતી અને સમીક્ષા કરી શકે તેવું ઉપકરણ પણ તૈયાર કર્યું છે.

'મહાકવચ' ડિજિટલ એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર પરથી મળી શકે છે. વળી, આ એપ્લિકેશન દ્વારા વ્યક્તિગત સંપર્ક કરી શકાય છે. ઉપરાંત કોરોનાનાં જે દરદીઓને 'ક્વોરેન્ટીનમાં' રખાયા છે તેની વિગતો અને સ્થળની માહિતી પણ મળે છે. હાલ આ એપ્લિકેશનનો ઉપયોગ નાશિક મહાનગરપાલિકા દ્વારા થાય છે. જો કે બહુ થોડા દિવસોમાં તેનો ઉપયોગ આખા રાજ્યમાં પણ શરૂ થશે.

'મહાકવચ' ડિજિટલ એપ્લિકેશનમાં કોઇપણ નિશ્ચિત સ્થળની માહિતી મેળવવાની ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે. આવી વિશિષ્ટ ટેક્નોલોજીથી ઘણો સમય બચે છે. સાથોસાથ 'મહાકવચ' દ્વારા તૈયાર કરવામાં આવેલા ખાસ પ્રકારના ડેટા બોર્ડના એક બટનના ઉપયોગથી કયા કયા વિસ્તાર કોરોનાગ્રસ્ત છે અને  કઇ કઇ વ્યક્તિઓને તેનો ચેપ લાગ્યો છે તેની વિગતો મળી શકે છે.

આ તમામ ટેક્નોલોડી મહારાષ્ટ્ર સ્ટેટ  ઇનોવેશન સોસાયટડી અને નેશનલ હેલ્થ ઓથોરિટી, નાશિક ડિસ્ટ્રીક ઇનોવેશન કાઉન્સિલ, ડિજિટલ ઇમ્પેક્ટ સ્કવેર અને કમ્બેથીન ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસોથી વિકસાવવામાં આવી છે.

આ 'મહાકવચ'ની મદદથી કોરોનાનાં દરદીઓ ચોક્કસ કયા કયા વિસ્તારમાં છે તેનું પગેરું શોધી શકાશે. ઉપરાંત અન્ય શંકાસ્પદ દરદીઓ તથા પોઝીટીવ દરદીઓ વિદેશમાંથી પ્રવાસ કરીને પાછા આવ્યા છે કે કેમ તેની વિગતો પણ મળી શકશે.  ઉપરાંત આવી વ્યક્તિઓ અન્ય કઇ કઇ વ્યક્તિઓના સંપર્કમાં  હતા અને તેણે કયાં કયાં સ્થળોની મુલાકાત લીધી હતી તેની વિગતો પણ મેળવી શકાશે એટલે કે કોરોનાના લક્ષણો ધરાવતી કે શંકાસ્પદ વ્યક્તિએ કોઇ ઉદ્યાન, દુકાન, રેસ્ટોરાં અને બજારની મુલાકાત લીધી હોય તો તેની સરકારને માહિતી મળશે.

વિશ્વ આરોગ્ય સંસ્થાની માર્ગદર્શિકા મુજબ જે કોઇ વ્યક્તિને કોરોનાના લક્ષણો હોય તેણે સતત ૧૪ દિવસ 'ક્વોરેન્ટીન'માં ગાળવા પડે છે આમ છતાં ઘણી વ્યક્તિઓ પોતાના ઘરમાં આ પ્રકારે એકાંતમાં રહેવાની આનાકાની પણ કરતી હોય છે. પરિણામે તેઓ તેમની આજુબાજુની વ્યક્તિઓે પણ જોખમમાં મૂકે છે. ચેપ વધુ ફેલાય છે.

જો કે 'મહાકવચ' દ્વારા રાજ્ય સરકાર આવા કેસ  ક્યાં - ક્યાં ક્યાં છે તેની પાકી વિગતો મેળવી શકશે. આવી  ટેક્નોલોજી મેલી ક્વોરેન્ટીનમાં રહેલી વ્યક્તિના સ્માર્ટફોનમાં પણ ગોઠવવામાં આવશે એટલે રાજ્ય સરકારે આવી તમામ માહિતી મળશે.

ઉપરાંત જો કોઇ વ્યક્તિને કોરોનાનાં લક્ષણો હોવાની શંકા હોય અથવા કોરોનાના દરદીના સંસર્ગમાં આવી હોય તો તેણે પોતાની કાળજી કઇ કઇ રીતે લેવી તેનું માર્ગદર્શન મેળવવા માટે પણ રાજ્ય સરકારે એચટીટીપીએસઃ/ કોવિડ-૧૯. મહારાષ્ટ્ર જીઓવી. ઇન/ નામની વેબસાઇટ પણ તૈયાર કરી છે. શંકાસ્પદ વ્યક્તિ આ વેબસાઇટ પર તેનું નામ મોબાઇલ નંબર અને તે જ્યાં રહે છે તે સ્થળ કે શહેરનો પીનકોડ નંબર વગેરે વિગતો મૂકવાની રહેશે. રાજ્ય સરકાર ત્યારબાદ તે વ્યક્તિનો સંપર્ક કરીને તેની સારવાર માટે જરૂરી વ્યવસ્થા કરશે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39Jqf5I
via Latest Gujarati News

Post a Comment

0 Comments