
મુંબઈ, તા, 4 એપ્રિલ 2020, શનિવાર
કોવિડ-૧૯ને લઈને દેશના ઉદ્યોગો પર પડેલી પ્રતિકૂળ અસરને પહોંચી વળવા સરકાર તથા રિઝર્વ બેન્ક દ્વારા જાહેર કરાયેલા વિવિધ પગલાં પૂરતા નહીં હોવાનું દેશની વિવિધ ક્ષેત્રની કંપનીઓના સંચાલકો માની રહ્યા છે. કોરોનાવાઈરસની પોતાના વેપાર પર નેગેટિવ અસર ન પડે માટે કંપનીઓ સરકાર તરફથી વિસ્તૃત રાહત પેકેજ ઈચ્છી રહી છે.
દેશના વિવિધ ક્ષેત્રો જેમ કે નાણાં, ઓટોમોબાઈલ, ઈલેકટ્રોનિકસ, આઈટી, રિઅલ એસ્ટેટ કંપનીઓના મળીને ૨૫ જેટલા સીઈઓના હાથ ધરાયેલા એક ખાનગી સર્વેમાં આ તારણ નીકળ્યું હતું.
સર્વેમાં ભાગ લેનારા સીઈઓમાંથી ૯૬ ટકા લોકોએ રિઝર્વ બેન્ક દ્વારા જાહેર કરાયેલા ત્રણ મહિનાના મોરેટોરિઅમ સમયગાળાને ઓછો ગણાવ્યો છે અને તે વધારીને ઓછામાં ઓછો એક વર્ષ સુધી કરવાની માગણી કરાઈ છે.
આ ઉપરાંત મોટાભાગના સીઈઓએ સરકાર રાહતના પગલાં જાહેર કરે તેવી પણ રજુઆત કરી છે. ઈન્સોલવેન્સી અને બેન્કરપ્સી નિયમો હળવા કરવા જોઈએ અને આ કાયદા હેઠળની કામગીરી ૬ મહિના મોકૂફ રાખવી જોઈએ એવી પણ માગણી ઉઠી હોવાનું સર્વે રિપોર્ટમાં જણાવાયું છે.
મોરેટોરિઅમનો સમયગાળો લંબાવીને રિઝર્વ બેન્કે એનપીએ ધોરણને હળવા કરવાના રહેશે નહીં તો નાણાં વ્યવસ્થામાં અંધાધૂંધી ફેલાતા વાર નહીં લાગે એમ એક ઓટો કંપનીના ચેરમેને જણાવ્યું હતું. આમ નહીં થાય તો નોન બેન્કિંગ ફાઈનાન્સિઅલ કંપનીઓ ફડચામાં જવા લાગશે.
માગને વધારવા સરકારે સિસ્ટમમાં વધુ નાણાં ઠાલવવાના રહેશે. આ ઉપરાંત સરકારે પીપીએફ તથા ઈએસઆઈસી જેવા બંધારણિય ડયૂસની ચૂકવણીમાં પણ કંપનીઓને વધુ સમય આપવો રહ્યો એમ ઈલેકટ્રોનિક આઈટેમ્સનું ઉત્પાદન કરતી એક કંપનીના સીઈઓએ જણાવ્યું હતું.
દેશમાં મંદી આવશે કે કેમ એવા પ્રશ્ન સંદર્ભમાં કંપનીઓ ખાસ નિશ્ચિત ઉત્તર આપી શકયા નહોતા પરંતુ મોટાભાગનાઓએ માગ મંદ રહેશે તેવો અંદાજ વ્યકત કર્યો હતો. સરકારે જરૂર પડયે લોકડાઉન લંબાવવું જોઈએ કારણ કે તંદૂરસ્તી મહત્વની છે એમ રિઅલ એસ્ટેટ ક્ષેત્રના એક આગેવાને જણાવ્યું હતું.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2wdmiZe
via Latest Gujarati News
0 Comments