
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 16 મે, 2020, શનિવાર
ભારતીય હવામાન ખાતાની આગાહી (૧૫, મે ૨૦૨૦) મુજબ ૨૦૨૦ નૈઋત્યના ચોમાસાનું આગમન કેરળના દરિયાકાંઠે લગભગ ચારેક દિવસ મોડું થવાની શક્યતા છે. એટલે કે કેરળના કાંઠે ૧, જૂનને બદલે ૫, જૂને વર્ષારાણીનું રૃમઝૂમ આગમન થવાનો વરતારો છે. આમ હવામાન ખાતાના મોેડેલના નિર્દેશ મુજબ ચાર દિવસનો વિલંબ છે.
ભારતીય હવામાન ખાતાના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રાએ એવો અંદાજ આપ્યો હતો કે મેઘરાજાની સવારી કેરળમાં ચાર દિવસ મોડી આવશે. હવે ચાર દિવસના આ વિલંબની ગણતરી મુજબ ચોમાસાનો પ્રવાસ અન્ય રાજ્યોમાં પણ વિલંબથી થાય તેવી શક્યતા છે. મુંબઈ- મહારાષ્ટ્રને ધ્યાનમાં રાખીએ તો સામાન્ય રીતે મુંબઈમાં ચોમાસાનો પ્રારંભ ૧૦, જૂને થાય છે, અને ત્યારબાદ મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં આગળ વધે છે. આ દ્રષ્ટિએ આ વરસે મુંબઈમાં વર્ષાઋતુનું ભીનું ભીનું રૃમઝૂમ એક દિવસ મોડું ૧૧, જૂન થાય તેવો મોડેલ નિર્દેશ મળે છે.
બીજી બાજુ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડો. કે.એલ. હોસાલીકરે (વેસ્ટર્ન રિજન) 'ગુજરાત સમાચાર' ને વિશેષ માહિતી આપતાં જણાવ્યું હતું કે ભારતમાં ચોમાસાનો પ્રવેશ નજીકના આંદામાન નિકોબાર- ટાપુઓ પરથી થાય છે. ત્યારબાદ ચોમાસાનો કરન્ટ ધીમે ધીમે કેરળના સમુદ્ર કિનારે પહોંચે છે. કેરળમાં આગમન થાય ત્યારબાદ ચોમાસાનો તે કરન્ટ અને અન્ય જરૃરી કુદરતી પરિબળો સાનુકુળ થતાં જાય તેમ તેમ તેનો પ્રવાસ દેશના તામિલનાડુ, કર્ણાટક, ગોવા, મુંબઈ- મહારાષ્ટ્ર, ગુજરાત વગેરે રાજ્યોમાં ઉપર તરફ આગળ વધે છે. આમ તો પરંપરાગત રીતે મુંબઈમાં ચોમાસાનો આરંભ ૧૦, જૂને થાય છે. આમ છતાં આ પરંપરા સાથે સમુદ્રમાંનો ભરપૂર ભેજ, પવનની નૈઋત્યની દિશા અનેતેની તીવ્રતા, વરસાદી વાદળો બંધાવાની પ્રક્રિયા વગેરે પ્રાકૃતિક પરિબળો પણ સામેલ હોય છે. આ બધા પરિબળો ચોમાસાને કેરળથી આગળ અન્ય રાજ્યો તરફ જવામાં ધક્કો મારે છે.
વળી, આ ભૌગોલિક પરિસ્થિતિઓ સાથે પેલાં કુદરતી પરિબળોને સીધો અને મજબૂત સંબંધ હોયછે. આમ તમામ કુદરતી પરિબળો સંપૂર્ણપણે સાનુકૂળ રહે તો ચોમાસાનો પ્રવાસ પણ એટલો જ સાનુકૂળ અને ઝડપી રહે.
સમગ્ર રીતે કહીએ તો ભારતમાં ચોમાસું કેરળમાં અને ત્યારબાદ મુંબઈ સુધી વહેલું શરૃ થાય કે મોડું શરૃ થાય તે બંને પરિસ્થિતિ માટે પણ જુદાંજુદાં કુદરતી પરિબળો હોય છે. ચોમાસુ કાંઈ ધસમસતી ટ્રેન નથી તે તેની તીવ્ર ગતિએ એકથી બીજા સ્ટેશને નિશ્ચિત સમયે પહોંચી જાય. વર્ષાઋતુ સંપૂર્ણપણે કુદરતી પરિબળ છે અને તેની સાથે અનેકવિધ ગતિવિધિઓ પણ સંકળાયેલી હોય છે. આ સમગ્ર પરિબળોને ધ્યાનમાં રાખીને જ હવામાન ખાતું કેરળ બાદ દેશનાં તમામ રાજ્યોમાં ચોમાસાના આગમનની જુદી જુદી તારીખો જાહેર કરે છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dWl8Bt
via Latest Gujarati News
0 Comments