એચ-1બી વિઝામાં અમેરિકામાં ભણેલા વિદેશી યુવાનોને પ્રાથમિકતા આપતું બિલ સંસદમાં રજૂ


વોશિંગ્ટન,તા.23 મે 2020 શનિવાર

એચ-૧બી વર્ક વિઝામાં અમેરિકામાં ભણેલા શ્રેષ્ઠ અને તેજસ્વી યુવાનોને પ્રાથમિકતા આપવા સહિતના મોટા સુધારાઓ સાથેનું વિધેયક અમેરિકાના સાંસદોએ અમેરિકાની સંસદમાં રજૂ કર્યો છે. 

એચ-૧બી વિઝા એક નોન ઇમિગ્રન્ટ વિઝા છે જે અમેરિકન કંપનીઓને કેટલાક ચોક્કસ વ્યવસાયોમાં વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખવાની મંજૂરી આપે છે. અમેરિકા સ્થિત કૅપનીઓ દર વર્ષે આ વિઝા હેઠળ ભારત અને ચીનના હજારો લોકોને નોકરી પર રાખે છે. 

એક એપ્રિલના રોજ યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ (યુએસસીઆઇએસ) એ જણાવ્યું હતું કે અમેરિકા ૮૫,૦૦૦ એચ-૧બી વિઝા માટે ૨,૭૫,૦૦૦ અરજીઓ મળી છે. જે પૈકી ૫૭ ટકા અરજીઓ ભારતમાંથી કરવામાં આવી છે.  ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓમાં ચીન પછી ભારત બીજા ક્રમે છે. હાલમાં બે લાખથી વધારે ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં ભણી રહ્યાં છે. 

એચ-૧બી અને એલ-૧ વિઝા રિફોર્મ એક્ટ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ અને સેનેટમાં રજૂ કરવામાં આવ્યું છે. આ નવા વિધેયકની જોગવાઇમાં જણાવવામાં આવ્યું છે કે એચ-૧બી વિઝા આપવામાં અમેરિકામાં ભણેલા શ્રેષ્ઠ અને તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવે. 

સેનેટમાં આ બિલ સેનેટર ચુક ગ્રેસલી અને ડિક ડર્બિને રજૂ કર્યુ હતું. હાઉસ ઓફ રિપ્રેઝેનેટેટિવ્સમાં બિલ પાસક્રેલ, પોલ ગોસર, રો ખન્ના, ફ્રાન્ક પેલોને અને લાન્સ ગોડેન ે આ બિલ રજૂ કર્યુ હતું. 

આ દરમિયાન ભારતીય મૂળના સાંસદ રો ખન્નાએ જણાવ્યું છે કે આ દેશમાં આવતા અમેરિકન ઇમિગ્રન્ટ નવા વિચારો ધરાવતા હોય છે અને તેમનાથી દેશના અર્થતૅત્રને મોટો ફાયદો થાય છે. દેશના વિકાસમાં તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેલી હોય છે. 

૩૦૦થી વધુ જૂથોએ સ્કીલ્ડ વર્કર વિઝા ચાલુ રાખવા ટ્રમ્પને પત્ર લખ્યો 

અમેરિકાની ૩૦૦થી વધુ કંપનીઓ, બિઝનેસ એસોસિએશન અને હાયર એજ્યુકેશન ગુ્રપોએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર લખી ચેતવણી આપી છે કે જો ટૂંકા ગાળા માટે પણ વિદેશી સ્કીલ વર્કર્સને અમેરિકામાં આવવા નહીં દેવામાં આવશે તો અસામાન્ય સ્થિતિ ઉદ્ભવશે અને અમેરિકાના અર્થતંત્રને મોટા પાયે નુકસાન થશે આ પત્રમાં અમેરિકાના પ્રમુખને સ્કીલ્ડ ફોરેન વર્કર્સને અમેરિકામાં આવતા રોકવાનો નિર્ણય ન લેવાની અપીલ કરવામાં આવી છે. અમેરિકાના પ્રમુખ દેશમાં વિદેશી સ્કીલ્ડ વર્કર્સનો પ્રવાહ થોડાક સમય માટે રોકવાનું વિચારી રહ્યાં છે. જો કે આ પ્રસ્તાવનો મોટા પાયે વિરોધ કરવામાં આવી રહ્યો છે. 



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Xnlbjo
via Latest Gujarati News

Post a Comment

0 Comments