અમેરિકા 28 વર્ષ પછી વધુ એક પરમાણુ પરીક્ષણ કરવાની તૈયારીમાં


વૉશિંગ્ટન,તા.23 મે 2020 શનિવાર

અમેરિકી સરકાર પરમાણુ પરીક્ષણ કરવાનો વિચાર કરી રહી છે. અમેરિકા સુપરપાવર દેશ છે અને તેને સામાન્ય રીતે પરમાણુ પરીક્ષણ કરીને પોતાની ક્ષમતા દર્શાવવાની જરૂર પડતી નથી. અત્યારે દુનિયામાં માત્ર ઉત્તર કોરિયા જ એવો દેશ છે, જે છડેચોક પરમાણુ પરીક્ષણ કરીને જગતને જાણકારી આપે છે. દુનિયામાં કુલ નવ દેશો પાસે પરમાણુ હથિયારો છે, પરંતુ મોટા ભાગના દેશો હવે બિનજરૂરી ધડાકાં કરતા નથી. પરંતુ ચીન અને રશિયાને પોતાની ક્ષમતા બતાવવા માટે ટ્રમ્પ સરકારના ઉચ્ચ અધિકારીઓ પરમાણુ પરીક્ષણ કરવા અંગે વિચારણા કરી રહ્યા છે. આ અંગેનો અહેવાલ અમેરિકી અખબાર ધ વૉશિંગ્ટન પોસ્ટમાં પ્રગટ થયો હતો.

અમેરિકાએ છેલ્લે સપ્ટેમ્બર ૧૯૯૨માં પરમાણુ પરીક્ષણ કર્યું હતું. અમેરિકા-રશિયા વચ્ચે ૧૯૪૫થી લઈને ૧૯૯૧ સુધી શીતયુદ્ધ ચાલતું હતું. એટલે બન્ને દેશો પોતાને ચડિયાતાં સાબિત કરવા પરમાણુ પરીક્ષણો કરતાં રહેતા હતા. પણ ૧૯૯૧માં રશિયાનું વિભાજન થયા પછી અમેરિકાને કોઈનો ખતરો રહ્યો ન હતો. માટે પરમાણુ પરીક્ષણો પણ બંધ થયા હતા. હવે અમેરિકા અને આખા જગત માટે ચીન મોટો ખતરો છે. તેને ધ્યાનમાં રાખીને અમેરિકી સરકારના સુરક્ષા અધિકારીઓ આ પ્રસ્તાવ વિચારી રહ્યાં છે.

૧૫મી મેના દિવસે આ અંગે બેઠક મળી હતી. જોકે કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. બેઠકમાં નિષ્ણાતો વચ્ચે મતમતાંતરો થયા હતા. ઘણા નિષ્ણાતોએ આ પગલાંને મુર્ખામી ગણાવી હતી. તો વળી એ પણ નક્કી છે કે એક વખત અમેરિકા પરમાણુ પરીક્ષણ કરે એટલે દુનિયાભરમાંથી તેનાં ઘેરા પ્રત્યાઘાતો આવે અને અન્ય કોઈ દેશો પણ પરીક્ષણ કરે. એવુ થાય તો વિશ્વમાં વધુ એક વખત પરમાણુ શસ્ત્રોની દોટ શરૂ થઈ શકે. અત્યારે અમેરિકા પાસે ૬ હજારથી વધારે પરમાણુ હથિયારો છે. 

ધરતીના ઇતિહાસમાં એક જ વખત પરમાણુ બોમ્બનો શસ્ત્ર તરીકે ઉપયોગ થયો છે, જે અમેરિકાએ ૧૯૪૫માં જાપાન સામે કર્યો હતો. અમેરિકાએ બીજા વિશ્વયુદ્ધમાં જાપાનના બે શહેર હિરોશીમા અને નાગાસાકી પર પરમાણુ બોમ્બ ફેંક્યા હતા. એ પછીના કોઈ યુદ્ધમાં કોઈ દેશે પરમાણુ હુમલો કર્યો નથી. પણ પરમાણુ શસ્ત્રો ધરાવતા દેશો પોતાની ક્ષમતા દર્શાવવા માટે અત્યાર સુધીમાં કુલ ૨ હજારથી વધારે પરીક્ષણ કરી ચૂકયા છે, જેમાંથી એકલા ૧ હજારથી વધુ તો અમેરિકાના છે.

રશિયા-ચીન ગુપ્ત રીતે પરીક્ષણ કરે છે?

પરમાણુ પરીક્ષણ થાય એટલે ધડાકો થાય અને આકાશમાં મશરૂમ આકારનું વાદળ સર્જાય. આ જાણીતા વૈજ્ઞાાનિક તથ્ય ઉપરાંત એ પણ તથ્ય છે કે સાવ ઓછી ક્ષમતાના બોમ્બનું પરીક્ષણ કરવામાં આવે તો તેનો ધડાકો નોંધાતો નથી. વાદળ બનતું નથી અને અન્ય દેશોને જાણકારી પણ મળતી નથી. અમેરિકાને એવી શંકા છે કે રશિયા, ચીન પોતપાતોની રીતે સાવ નગણ્ય ક્ષમતા ધરાવતા પરમાણુ શસ્ત્રોનું ટેસ્ટિંગ કર્યા કરે છે. વિજ્ઞાાનની ભાષામાં 'સબક્રિટિકલ' તરીકે ઓળખાતા ટેસ્ટ આ બન્ને કરે છે, જેમાં ધડાકા સુધી મામલો નથી પહોંચતો પણ બોમ્બની ક્ષમતા મપાઈ જાય છે. 

ઓપરેશન જુલિન: અમેરિકાનું છેલ્લું પરીક્ષણ

અમેરિકાએ છેલ્લા પરમાણુ પરીક્ષણો ઓપરેશન જુલિન નામ હેઠળ ૧૯૯૧-૯૨ દરમિયાન કર્યા હતા. એ વખતે કુલ સાત પરમાણુ પરીક્ષણ થયા હતા. એમાં સૌથી છેલ્લુ પરીક્ષણ ૧૯૯૨ની ૨૩મી સપ્ટેમ્બરે થયું હતું. અમેરિકાના નેવાડા રાજ્યના રણ પ્રદેશમાં આવેલી ટેસ્ટિંગ સાઈટ ખાતે આ બોમ્બનું અન્ડરગ્રાઉન્ડ પરીક્ષણ થયું હતું. એ બોમ્બની ક્ષમતા ૨૦ કિલોટનની હતી. રશિયાએ છેલ્લું પરીક્ષણ ઑક્ટોબર ૧૯૯૦માં, જ્યારે ચીને છેલ્લું પરીક્ષણ જુલાઈ ૧૯૯૬માં કર્યું હતું.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eeQofn
via Latest Gujarati News

Post a Comment

0 Comments