
ઈસ્લામાબાદ,તા.23 મે 2020 શનિવાર
કરાચીમાં તૂટી પડેલા પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય એરલાઈન્સના વિમાન બાબતે મીડિયા અહેવાલોમાં ઘટસ્ફોટ થયો હતો કે છેલ્લાં બે મહિનાથી વિમાનની તપાસ જ થઈ ન હતી. વિમાન ઉડાન ભરે તે પહેલાં તેની ટેકનિકલ તપાસ થતી હોય છે, પણ પાકિસ્તાન એરલાઈન્સે ઘોર બેદરકારી દાખવીને ૯૭ લોકોને મોતના મુખમાં ધકેલી દીધા.
પાકિસ્તાનના ડોન અખબાર સહિતના મીડિયાએ ઘટસ્ફોટ કર્યો હતો કે તૂટી પડેલા વિમાન બાબતે પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સે ઘોર બેદરકારી દાખવી હતી. છેલ્લાં બે મહિનાથી વિમાનની ટેકનિકલ તપાસ જ થઈ ન હતી. વિમાન એક દિવસ પહેલાં મસ્કતથી લાહોર આવ્યું હતું. તેની ગણતરીની કલાકોમાં લાહોરથી કરાચી મોકલી દેવાયું હતું.
તૂટી પડેલા વિમાનની ટેકનિકલ હિસ્ટ્રી રજૂ થઈ હતી. જેમાં દાવો થયો હતો એ પ્રમાણે વિમાનના એન્જિનમાં કે લેન્ડિંગ સિસ્ટમમાં કોઈ જ ખામી સર્જાઈ ન હતી. ટેકનિકલ તપાસ બાબતે ટીકા થઈ પછી પાકિસ્તાન એવિએશન ઓથોરિટીએ સ્પષ્ટતા કરી હતી કે નવેમ્બર ૨૦૨૦ સુધી વિમાન ઉડવા માટે ફિટ જાહેર થયું હતું એટલે વારંવાર તેની ટેકનિકલ તપાસ જરૂરી ન હતી.
પાકિસ્તાનના પાયલટ એસોશિએશને આંતરરાષ્ટ્રીય ટીમ પાસે નિષ્પક્ષ તપાસની માગણી કરી હતી. વિમાન તૂટી પડયું તે અંગે કોઈ જ સ્પષ્ટ કારણ જાહેર થયું નથી.
વિમાન અકસ્માતમાં ૯૭ લોકોના મોત થયા હતા. જેમાંં નવ બાળકોનો પણ સમાવેશ થતો હતો. પાકિસ્તાનની લોકપ્રિય મોડેલ ઝારા આબિદ પણ આ અકસ્માતમાં મૃત્યુ પામી હોવાનો દાવો થઈ રહ્યો છે, પરંતુ તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા નથી.
કુલ ૯૯ મુસાફરો હતા, એમાંથી બેનો બચાવ થયો હતો. બચી ગયેલા મુસાફરોએ આપવીતી જણાવતા કહ્યું હતું કે વિમાન તૂટી પડયું તે પહેલાં ત્રણ મોટાં ઝટકા અનુભવાયા હતા.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZuGgLd
via Latest Gujarati News
0 Comments