ટાઈટેનિકનો કાટમાળ તોડી તેમાંથી ટેલિગ્રાફ મશીન કાઢવાની અમેરિકી કંપનીને મંજૂરી


ન્યુયોર્ક,તા.23 મે 2020 શનિવાર

એટલાન્ટિક મહાસાગરના ૩૬ હજાર ફીટથી વધારે ઊંડાઈએે એક સદીથી ટાઈટેનિકનો કાટમાળ પડયો છે. ૧૯૧૨ની ૧૪મી એપ્રિલે મધરાતે એ જહાજ ડૂબી ગયું હતું. હવે અમેરિકાના વર્જિનિયા રાજ્યની ડિસ્ટ્રિક કોર્ટે એ જહાજનો કાટમાળ તોડીને તેમાંથી માર્કોની રેડિયો તરીકે ઓળખાતું ટેલિગ્રાફ કાઢવાની મંજૂરી આપી છે. વર્ષોથી આ મુદ્દે કોર્ટમાં વિવાદ ચાલતો હતો. કેમ કે ટાઈટેનિકનો કાટમાળ એ માત્ર જહાજી ભંગાર નથી, અકસ્માત વખતે મૃત્યુ પામેલા દોઢ હજાર લોકોનું અંતિમ સ્મારક પણ છે. માટે એ મૃતકોના પરિવારજનો, ઇતિહાસકારો, પુરાતત્ત્વશાસ્ત્રીઓ વગેરે આ જહાજના કાટમાળ સાથે છેડછાડ કરવાનો વિરોધ કરતાં હતા. એટલે આજ દિન સુધી જહાજના ભંગાર સાથે છેડછાડ કરાતી ન હતી.

બ્રિટનના સાઉથમ્પટનથી એટલાન્ટિક પાર કરીને ન્યુયોર્ક જવા નીકળેલું ટાઈટેનિક ૧૯૧૨ની ૧૪-૧૫મી એપ્રિલે મધરાતે ડૂબી ગયું હતું. એ જહાજની પ્રથમ સફર હતી. ૧૯૮૫માં 'નેશનલ જ્યોગ્રાફિક સોસાયટી'ની મદદથી દરિયાઈ સંશોધક રોબર્ટ બેલાર્ડે સમુદ્ર તળિયે ખોજબિન કરીને જહાજનો કાટમાળ શોધી કાઢ્યો હતો. એ વખતે દુનિયાને પ્રથમવાર ખબર પડી હતી કે ૧૯૧૨માં તૂટયા પછી આજે જહાજ ક્યાં છે અને કેવી હાલતમાં છે. જહાજ ના બે ટૂકડા થયા હતા અને સમુદ્રમાં એકબીજાથી થોડે દૂર વિખરાયેલા પડયા છે.  જહાજ એટલાન્ટિક મહાસાગરના તળિયે અંદાજે ૩૬ હજાર ફીટની ઊંડાઈએ પડયું છે. ત્યાં ખાસ પ્રકારના સમુદ્રી સાધનો વગર જવાનું શક્ય નથી. 

કોર્ટમાં અરજી અમેરિકી કંપની 'આરએમએસટી ઈન્ક'એ કરી હતી. આ કંપની વર્ષોથી ટાઈટેનિકની આસપાસ વિખરાયેલો ભંગાર બહાર કાઢી કાઢી તેના પ્રદર્શનો-વેચાણ યોજે છે. પરંતુ હજુ સુધી જહાજના મુખ્ય ભાગ (હલ) સાથે છેડછાડ કરવામાં આવી નથી. તેનું કારણ એ છે કે જહાજ સાથે મૃતકોના પરિવારની ભાવના-લાગણી જોડાયેલી છે. એ પરિવારજનો નથી ઈચ્છતા કે તેમના પૂર્વજો માટે કબર બનેલા જહાજના ઢાંચા સાથે છેડછાડ કરવામાં આવે.

બીજી તરફ ટાઈટેનિક આજે અગિયાર દાયકા પછી પણ એટલું જ લોકપ્રિય છે. માટે તેના રેડિયો રૂમમાં રાખવામાં આવેલું માર્કોની ટેલિગ્રાફ બહાર કાઢવા આ કંપની ઉત્સુક છે. કોર્ટે છૂટ આપ્યા પછી હવે જો કોઈ અડચણ નહીં આવે તો આગામી મહિનાઓમાં રોબોટિક સામગ્રી મોકલી ટાઈનિકના ભંગારની તોડફોડ કરવામાં આવશે. સમુદ્રમાં એ ઊંડાઈ પર મનુષ્ય જઈ શકે તો પણ લાંબો સમય રહી ન શકે, માટે કામગીરી રોબોટિક મશીન દ્વારા જ કરવામાં આવશે. 

કંપનીનું કહેવું છે કે આ રેડિયો ટેલિગ્રાફ મળી આવે તો એ ફરીથી સાજું થઈ શકે એમ છે. એ સાજું થાય તો છેલ્લો સંદેશો શું હતો એ પણ જાણી શકાય. ટાઈટેનિક ૧૪મી એપ્રિલથી લઈને ૧૫મી સુધીમાં ડૂબ્યું હતું. પરંતુ ૧૪ રાતથી ૧૫મી મધરાત સુધીની ૩ કલાક દરમિયાન સતત તેણે મદદના સંદેશાઓ વહેતા કર્યા હતા. થોડે દૂર રહેલી કાર્પેથિયા નામની સ્ટીમર સુધી એ સંદેશા પહોંચ્યા હતા અને સ્ટીમર મદદ માટે આવી પણ હતી. પરંતુ એ બીજા દિવસે પહોંચી શકી હતી. દરમિયાન મદદ માટે રવાના થયેલા એવા કેટલાક સંદેશાઓ પણ હશે, જે ડિકોડ ન થયા હોય કે રિસિવર સુધી પહોંચી ન શક્યા હોય. એ જાણવા માટે આ મશીનની શોધખોળ કરવાનું નક્કી થયું છે. 



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WZ8Frf
via Latest Gujarati News

Post a Comment

0 Comments