
જર્મનીમાં ચર્ચ અને રેસ્ટોરાંમાંથી ચેપ લાગ્યો
બલન,તા.23 મે 2020 શનિવાર
એક તરફ ચીનમાં શનિવારે એક પણ કોરોનાનો નવો કેસ નોંધાયો નહોતો તો બીજી તરફ લેટીન અમેરિકાના દેશોમાં કોરોનાના દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઇ ગઇ હતી. જર્મનીમાં નિયંત્રણોમાં છૂટછાટ આપવાને પગલે ચર્ચ અને રેસ્ટોરાંમાં કોરોનાનો ચેપ લાગવાના કેસો બનવા માંડયા છે.
અમેરિકામાં શનિરવિમાં મેમોરિયલ ડેની રજા હોવાથી લોકો મોટા પ્રમાણમાં બહાર નીકળશે તો મુસ્લિમ દેશોમાં રમઝાન મહિનો પુરો થાય છે ત્યારે સોમવારે ઇદની રજામાં લોકો ઉજવણી કરવા ઉમટી પડે તેવી ધાસ્તી છે. તુર્કીએ રમઝાનના અંતે કડક નિયંત્રણો લાદ્યા છે તો યમનમાં બળવાખોર હોથી જૂથે લોકોને માસ્ક પહેરવાની અને બને ત્યાં સુધી ઘરમાં રહીને જ ઇદ મનાવવાની અપીલ કરી છે.
લેટીન અમેરિકાના દેશો બ્રાઝિલ અને મેકસિકોમાં ચેપ લાગનારાની અને ચેપને કારણે મરનારાઓની સંખ્યામાં ભારે વધારો થયો છે. પેરૂ, ચીલી અને ઇકવાડોરમાં આઇસીયુઓ ભરાઇ ગયા છે. આ તમામ દેશોને વહેલાં પગલાં ભરી વેપારધંધા લોકડાઉન કરવા બદલ બિરદાવવામાં આવ્યા હતા. બીજી તરફ જાપાનમાં ચેપનું પ્રમાણ બે અંકો પૂરતું મર્યાદિત રહ્યું હતું. જાપાનમાં મર્યાદિત પ્રમાણમાં નાઇટ લાઇફની પણ છૂટ આપવામાં આવી છે.
બીજી તરફ જર્મનીમાં રેસ્ટોરાં અને ચર્ચ ફરી શરૂ કરવાનો નિર્ણય ભારે પડી રહ્યો છે.નોર્થ વેસ્ટમાં આવેલાં શહેરમાં એક રેસ્ટોરાંમાં સાત જણાંને ચેપ લાગ્યાના સમાચાર આવ્યા છે. બે ટેબલ વચ્ચે બે મીટરનું અંતર જાળવવું, વેઇટરો માસ્ક પહેરીને જ સેવા આપે તેવા તમામ પગલાં લીધાં હોવા છતાં ચેપ લાગવાની ઘટના બની છે. એ જ રીતે ચર્ચમાં સવસ કરવાની છૂટ આપવાને પગલે ફ્રેન્કફર્ટ શહેરમાં દસ મેના રોજ ચર્ચની સવસમાં ભાગ લીધા બાદ સંખ્યાબંધ લોકોને ચેપ લાગ્યો હતો જેમાંથી છ જણાંને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા. ચર્ચે હવે તમામ કાર્યક્રમો રદ કરી નાંખ્યા છે. ચર્ચની સવસ પણ હવે ઓનલાઇન કરવામાં આવી છે.
અમેરિકનો આ શનિરવિમાં તેમના મિલિટરી યોદ્ધાઓના માનમાં મેમોરિયલ ડેની ઉજવણી કરશે. આ નિમિત્તે અમેરિકનો સમુદ્ર તટે અથવા નેશનલ પાર્કમાં ફરવા જશે. અમેરિકાના આંતરિક ગૃહ પ્રધાન ડેવિડ બર્નહાર્ટ ગ્રાન્ડ કેન્યનની મુલાકાત લેવાના છે. વ્હાઇટ હાઉસના કોરોના વાઇરસ ટાસ્ક ફોર્સે મેમોરિયલ ડેની મજા કેવી રીતે માણવી તેના માટે ગાઇડલાઇન્સ પણ બહાર પાડી છે.
ન્યુ યોર્કમાં ગવર્નર એન્ડર્યુ કુમોએ એક આદેશ બહાર પાડી દસ જણાને ભેગાં થવાની છૂટ આપી છે. જો કે લોકોએ સોશ્યલ ડિસ્ટન્સિંગ અને આરોગ્ય ખાતાના તમામ નિયમોનું પાલન તો કરવાનું રહેશે જ. ન્યુ જર્સીમાં પણ બહાર ૨૫ જણાંને અને ઘરમાં દસ જણાંને ભેગાં થવાની છૂટ આપવામાં આવી છે. ન્યુ યોર્ક ટાઇમ્સના એક અહેવાલ અનુસાર ચીનમાં વિકસાવવામાં આવી રહેલી રસી ફેઝ વન કલિનીકલ ટ્રાયલ સુધી પહોંચી છે અને તે સુરક્ષિત હોવાનું જણાયું છે. લેન્સેટમાં પ્રકાશિત એક અભ્યાસ પર આધારિત અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જેમને રસીનો સિંગલ ડોઝ આપવામાં આવ્યો હોય તેમનામાં ટી સેલ પેદા થાય છે. બે સપ્તાહમાં આ એન્ટીબોડી દ્વારા રોગપ્રતિકારક કોષ પેદા થઇ જાય છે. સામાન્ય રીતે આ કોષ પેદામાં ૨૮ દિવસનો સમય લાગે છે. એડી ફાઇવ નામની આ રસીમાં જનીનીક સૂચનાઓ હોય છે જે કોષ સુધી પહોંચાડવામાં આવે છે.
આ ટ્રાયલના આખરી પરિણામોનું છ મહિનામાં મૂલ્યાંકન કરવામાં આવશે. જો કે આ ટ્રાયલમાં ભાગ લેનારા પર રસીની આડઅસરો પડી હોવાનું પણ જણાયું હતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XsIh8l
via Latest Gujarati News
0 Comments