
મુંબઇ,તા. 17 મે 2020, રવિવાર
મુંબઇમાં કોરોનાની મહામારીએ માઝા મૂકતા હોસ્પિટલોમાં જગ્યા નથી રહી એટલું જ નહીં દરદીને હોસ્પિટલમાં પહોંચાડવા માટે એમ્બુલન્સ પણ સમયસર નથી મળતી. સમયસર એમ્બુલન્સ ન મળતા દરીદના મૃત્યુની ઘટના પુણે અને મુંબઇમાં નોંધાઇ છે. એમ્બુલન્સની અછતનો બરાબર લાભ લઇને પૈસા પડાવવાની વૃત્તિ પણ જોર પકડી રહી છે. કોરોનાગ્રસ્ત મહિલા દરદીને વરલી કોલીવાડાથી હોસ્પિટલે લઇ જવા માટે ૨૪ હજાર રૂરિયા ચૂકવવા પડયા હતા.
વરલી કોલીવાડાની આ ૫૫ વર્ષની મહિલા દરદીને પહેલાં પવઇથી હોસ્પિટલમાં એમ્બુલન્સ માં લઇ જવામાં આવી હતી. આ એક ફેરાના એમ્બુલન્સવાળાએ ૧૨ હજાર રૂપિયા વસૂલ કર્યા હતા. પણ પલઇની હોસ્પિટલમાં જગ્યા ન હોવાથી ફરી પવઇથી એમ્બુલન્સમાં ભાયખલાની મસીના હોસ્પિટલમાં લઇ જવામાં આવતા બીજા ૧૨ હજાર રૂપિયા એમ કુલ ૨૪ હજાર રૂપિયા વસૂલ કરવામાં આ વ્યા હતા.
મહિલા દરદીના દિકરાએ કહ્યું હતું કે અમે બહુ વિનંતી કરી પણ એમ્બુલન્સવાળા એક પૈસો ઓછો કરવા તૈયાર નહોતા થયા. એટલે અમારી પાસે પૈસા ચૂકવ્યા વિના કોઇ છૂટકો જ નહોતો રહ્યો.
લોકડાઉન વચ્ચે બીજા કોઇ વાહનો મળવા મુશ્કેલ છે એ સ્થિતિનો લાભ લઇને એમ્બુલન્સવાળા રીતસર લૂંટ ચલાવી રહ્યા છે. કુર્લાના એક નબળી આર્થિક સ્થિતિવાળા દરદીના પરિવારે તો એમ્બુલન્સનું ૧૩ હજાર રૂપિયા ભાડું ચૂકવવા માટે લોન લેવી પડી હતી. આ દરદીના પરિવાળા સભ્યે જણાવ્યું હતું કે કુર્લાથી કાંદિવલી સુધી દરદીને પહોંચાડવા અમારા આટલી મોટી રકમ પૈૈસા ઉધાર લઇને ચૂકવવી પડી હતી. અમે મહાપાલિકાની હેલ્પલાઇનનો સંપર્ક કર્યો ત્યારે અમને તરત જ કાંદિવલીની હોસ્પિટલમાં બેડ ફાળવવામાં આવ્યો હતો. પણ એમ્બુલન્સની કોઇ જ વ્યવસ્થા કરવામાં નહોતી આવી.
એમ્બુલન્સવાળા હજારો રૂપિયા ભાડું વસૂલ કરે છે એવી ફરિયાદો વધતી જ જાય છે. એક ખાનગી એમ્બુલન્સ સર્વિસવાળાએ કહ્યું હતું કે લોકડાઉનમાં અમારે એમ્બુલન્સના ડ્રાઇવરો - કર્મચારીઓને બમણો પગાર આપવો પડે છે. એટલે અમે વધુ પૈસા વસૂલ કરીએ છીએ.
ઈમર્જન્સીમાં એમ્બુલન્સ માટે પોલીસ સ્ટેશન કે વોર્ડ ઓફિસનો સંપર્ક કરો
ખાનગી એમ્બુલન્સવાળા મનફાવે એટલું ભાડું વસૂલ કરે છે એ વિશે મહાપાલિકાના અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવતા એવું જાણવવામાં આવ્યું હતું કે ઇમર્જન્સી ઉભી થાય ત્યારે એમ્બુલન્સ મેળવવા માટે લોકલ પોલીસ સ્ટેશનનો અને સ્થાનિક વોર્ડ ઓફિસનો લોકોએ સંપર્ક કરવો જોઇએ. વોર્ડ ઓફિસના કન્ટ્રોલ રૂમ તરફથી લોકોને તરત જ મદદ કરવામાં આવે છે. આરોગ્ય વિભાગના એડિશનલ મ્યુનિસિપલ કમિશનદર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું કે દરેક નાગરિક પાસે લોકલ વોર્ડ ઓફિસના ફોન નંબર હોવા જ જોઇએ. અને અવારનવાર વોર્ડ ઓફિસોના કન્ટ્રોલ રૂમના નંબરો જાહેર કરતા રહીએ છીએ.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fY9kRd
via Latest Gujarati News
0 Comments