
- બી.એન. એચ. એસ.ના વિજ્ઞાાનીઓના કહેવા મુજબ આ પાણીમાં શેવાળ ઉગી હોવાથી પાણીનો રંગ ગુલાબી થઈ ગયો હોવો જોઈએ : અભ્યાસ થશે
મુંબઈ, તા. 17 મે 2020, રવિવાર
નવી મુંબઈના એન.આર.આઈ. કોમ્પ્લેક્સ નજીકના તળાવે વેટલેન્ડઝ (દરિયાકિનારા નજીકની કળણવાળી જગ્યા) માં હજારો લેસર ફ્લેમિંગો આવી પહોંચ્યા છે. ગુજરાતમાંથી ઉડીને અહીં નવી મુંબઈ આવેલા અસંખ્ય ગુલાબીરંગી રૂપકડાં ફ્લમિંગોને કારણે આ સમગ્ર દ્રશ્ય ગુલાબી રંગી થઈ ગયું છે. કોરોનાના લોકડાઉનને કારણે માણસોની અવરજવર બંધ હોવાથી અને કારખાનાં-ઉદ્યગોને ધમધમાટ પણ બંધ હોવાથી ફ્લેમિંગો સહિત સમગ્ર પક્ષીજગત રાજીનારેડ થઈ ગયું છે.
બીજીબાજુ આજ તળાવોની એક હિસ્સાનું પાણી પણ ગુલાબી થઈ ગયું છે. આ પાણી કોઈ કારખાનાં કે ઉદ્યોગોના રસાયો કારણે નહિ પણ લાલરંગી અલ્ગી (પાણીમાં ઉગતી અલ્ગી-શેવાળ) ઉગી નીકળી હોવાથી ગુલાબી બની ગયું હોવાનું જાણવા મળે છે. વળી, હાલ ઉનાળાની ગરમી હોવાથી વેટલેન્ડઝમાંનું પાણી પણ સૂકાઈ ગયું હોવાથી તે જગ્યા ગુલાબી રંગી થઈ ગઈ છે. દૂરથી આ દ્રશ્ય બહુ આશ્ચર્યજનક અને સુંદર લાગે. આવું દ્રશ્ય હજી ગયા સપ્તાહ દરમિયાન જોવા મળ્યું નહોતું.
બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી (બી.એન.એચ.એસ.) ના વિજ્ઞાાનીઓએ એવી માહિતી આપી હતી કે મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તારમાં આવું દ્રશ્ય પહેલી જ વખત જોવા મળ્યું છે, અને તે પણ ભાગ્યે જોવા મળે તેવું છે. અમે આ ગુલાબી પાણીના નમૂનાનું ખાસ પરીક્ષણ પણ કરીશું કે જેથી તેનો અભ્યાસ થઈ શકે.
આ જ વિસ્તારમાં રહેતી એક મહિલાએ એમ કહ્યું હતું કે મેં અહીં આ જ પ્રકારનું દ્રશ્ય ૨૦૧૬ માં જોયું હતું. શરૂઆતમાં અમને એવો વિચાર આવ્યો હતો કે કોઈ કારખામાંના રસાયણને કારણે આ પાણી ગુલાબી થઈ ગયું હશે.
તળાવોની કળણવાળી જગ્યાનું પાણી શા માટે ચોક્કસ કયાં કારણોસર આવું ગુલાબી થઈ ગયું તે અંગે નિષ્ણાતો દ્વિધામાં છે. આમ છતાં બી.એન.એચ.એસ.ના માઈક્રોબાયોલોજીસ્ટસ (જીવવિજ્ઞાાનીઓ) એમ માને છે કે અહીં બહુ સુક્ષ્મ એવી અલ્ગી (શેેવાળ) ઉગી હોવાથી પાણીનો રંગ અચાનક ગુલાબી થઈ ગયો હોવો જોઈએ.
નવી મુંબઈના દરિયાકાંઠાના આ વિસ્તારમાં ખારાશનું પ્રમાણ સ્વાભાવિક રીતે જ ઘણું વધારે છે. ખારાશવાળી આ જગ્યામાં અચાનક લાલરંગી શેવાળ ઉગી હોવાથી તે પાણીનો રંગ પણ થોડો બદલાઈને ગુલાબી થઈ ગયો હોય તે શક્ય છે, એવું નિરીક્ષણ બી.એન.એચ.એસ. ના ડાયરેક્ટર દીપક આપ્ટેએ રજૂ કર્યું હતું. આમ છતાં અમારા વિજ્ઞાાનીઓએ મુંબઈના ખાડી વિસ્તાર નજીક આવું દ્રશ્ય ભૂતકાળમાં ક્યારેય નથી જોયું એવી સ્પષ્ટતા પણ દીપક આપ્ટેએ કરી હતી.
આવાં જ સુંદર દ્રશ્યો ગઈ ૧૦, મે,-૨૦૨૦ ના રોજ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નની દરિયાઈ ખાડી નજીકની એડગર્સ કળણવાળી જગ્યામાં, કેનેડાના નેશનલ પાર્કના વોટર્ટન્ટ લેક્સ (તળાવ) માં અને ઈઝરાયલ તથા જોર્ડન વચ્ચે આવેલા ડેડસી (જેને મૃત સમુદ્ર કહેવાય છે) ના ખારા સરોવરમાં પણ જોવા મળ્યાં હતાં.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cIzqpf
via Latest Gujarati News
0 Comments