લોકડાઉનમાં ઘરેલુ હિંસા રોકવા મહારાષ્ટ્રની મહિલા નેતાઓ મેદાનમાં ઉતરી


મુંબઈ, તા. 17 મે 2020, રવિવાર

કોરોના વાયરસનો રોગચાળો ફાટી નીકળ્યા બાદ મુકાયેલા લોકડાઉનમાં ડોમેસ્ટિક વાયોલંસ (ઘરેલુ હિંસા)ના કિસ્સા વધ્યા છે. માત્ર ભારતમાં જ નહિ, વિદેશમાં પણ આજ સ્થિતિ છે. એટલે, બારામતીના સાંસદ અને એનસીપીના પ્રમુખ શરદ પવારના પુત્રી સુપ્રિયા સુળેએ તાજેતરમાં લોકડાઉન દરમ્યાન  ડોમેસ્ટિક વાયોલંસ પર 'ફેસબુક લાઈવ' પ્રોગ્રામ યોજ્યો હતો. આ લાઈવ પ્રોગ્રામના સુપ્રિયાતાઈએ કહ્યું હતું કે ભારતીય પરિવારોમાં આ સમસ્યા 'મહામારીનો પડછાયો' બની ગઈ છે. આમાં લોકપ્રતિનિધિઓ શું કરી શકે એ વિશે એમણે સૂચનો મગાવ્યા હતા. એના થોડા દિવસો બાદ મહારાષ્ટ્રના મહીલા અને બાળવિકાસ મંત્રી યશોમતી ઠાકુરે સોશ્યલ મિડીયા પર એક વીડિયો લોન્ચ કર્યો હતો. સાડી ત્રણ મિનિટના આ વીડિયોમાં ટોચના મરાઠી એક્ટરો અને કલાકારોને દર્શકોને એવી અપીલ કરતા દર્શાવાયા છે કે જ્યારે પણ તમારા જીવનમાં ક્રોધ અને હિંસાની ક્ષણ આવે ત્યારે એક ઉંડો શ્વાસ લ્યો.

સ્ત્રોઓ માટેના સહાય કેન્દ્રો અને હેલ્પલાઈનો પર ઘરેલુ હિંસાની ફરિયાદ કરતા અસંખ્ય કોલ આવી રહ્યા છે. એમાં મહીલાઓ લોકડાઉનને લીધે મદદ માગવા ઘરની બહાર નીકળી ન શકતી હોવાથી પરિસ્થિતિ વણસી છે. એવા સમયે મહારાષ્ટ્રની મહીલા રાજકારણીઓએ આ વિષયને જાહેર મંચ પર લાવવા માંડયો છે. તેઓ આમ કરીને પોતાને મહીલા મતદારોને એવો સંદેશ આપવા ધાર ેછે કે હિંસા વખતે એમની મદદે આવતી સરકાર યંત્રણા લોકડાઉન હેઠળ નથી. મદદના દરવાજા એમને માટે ખુલા જ છે.

'લોકો કહે છે કે સ્ત્રી- પુરુષ સંસાર- રથના બે પૈડાં છે. એમને સમાન અધિકારો છે.  પરંતુ જીવનમાં એવી ક્ષણો આવે છે. જ્યારે અમે અબળા નારી બની જઈએ છીએ અને પુરુષોને લાગે છે કે અમારી પર તાડુકવામાં કાંઈ ખોટુ નથી. આ બંધ થવાનો સમય આવી ગયો છે. અમે સ્ત્રી- પુરુષો બંનેને કહેવા માગીએ છીએ કે ઘરેલુ હિંસા એક ગુનો છે, જેને રોકવો જ જોઈએ', એમ જણાવતા યશોમની ઠાકુર ઉમેરે છે કે 'આ વીડિયો ઉક્ત ઉદ્દેશ પાર પાડે એવી આશા રાખીએ. રોહિણી હટ્ટંગડીથીને લઈને રાધિકા આપ્ટે અને દિલીપ પ્રભાવળકરથી માંડીને ગિરીશ કુલકર્ણી સુધીના કલાકારો આ દ્વિભાષી વીડિયોમાં પુરુષોને ઘરના મતભેદો શાંતિથી ઉકેલવાની સલાહ આપે છે.

મુંબઈમાં મહીલાઓ માટે હેલ્પલાઈન ચલાવતા મજલિસ નામની એનજીઓના પર્સિસ સિંધવા કહે છે કે સરકારના મેસેજમાં બદલાવ લાવવો હવે જરૂરી બન્યો છે. 'આપણે જાણીએ છીએ કે પોલીસ અધિકારીઓ હાજર, શેલ્ટર હોમ્સ ખુલા છે અને તબીબી સેવાઓ પણ મળે છે પરંતુ મોટાભાગની સ્ત્રીઓ એવું માને છે કે લોકડાઉન દરમ્યાન બધું જ બંધ રહે છે. એટલે માત્ર પોલીસ નહિ, દરેક ઓથોરિટીએ સ્ત્રીઓને એવું કહેવાની જરૂર છે કે મદદની જરૂર હોય ત્યારે અમારો સંપર્ક સાધો. મજલિસની હેલ્પલાઈનને એવી સ્ત્રીઓના ફોન આવી રહ્યા છે. જેઓ એમના પર હિંસા આચરનાર શખ્સનું ઘર છોડી નથી શકતી અને જેમના કેસ કોર્ટમાં પેન્ડિંગ હોવાથી તેઓ અદાલતો ફુલ ટાઈમ ચાલુ થાય એની વાટ જોઈ રહી છે, જેથી એમના કેસ આગળ ચાલે અને એમને ભરણપોષણ ચુકવાતુ થાય.

માર્ચના છેલ્લા સપ્તાહ અને એપ્રિલના બીજા અઠવાડીયા વચ્ચે રાષ્ટ્રીય મહિલા પંચને મળતી ઘરેલુ હિંસાની ફરિયાદોમાં નોંધપાત્ર વધારો થયો હતો. જ્યારે કે કર્મશીલો અને સમાજસેવકોનું એવું માનવું છે કે લોકડાઉનને કારણે હિંસાના મોટાભાગના નોંધાતા નથી. મહિલા પંચે પણ આવા કેસો માટે એક સ્પેશ્યલ હેલ્પલાઈન શરૂ કરી છે.

સ્ત્રીઓને ઘરેલુ હિંસામાં મદદરૂપ થવા નક્કર કામ પણ થઈ રહ્યું છે. દાખલા તરીકે, પુણે જિલ્લામાં આશા અને આંગનવાડીની કાર્યકરો, ગ્રામ પંચાયતોની મહિલા સભ્યો અને અન્ય મહિલા કર્મશીલોના ૧૪૫૫ ગુ્રપ બનાવાયા છે. આ મહિલા કાર્યકરો હેલ્થ સર્વે માટે અથવા તો અનાજ દેવા ઘરે ઘરે જાય ત્યારે ઘરેલુ હિંસાની માહિતી મેળવવા પ્રયાસ કરે છે. એમના પર કોઈને શક પણ નથી જતો.

ટુંકમાં, પુરુષો લોકડાઉનનો ગેરલાભ લઈને સ્ત્રીઓને શારીરિક કે માનસિક ત્રાસ ન આપે એ માટે મહારાષ્ટ્રની મહિલા નેતાઓ સક્રિય બની છે. પુણે જિલ્લાની ૨૧,૦૦૦ આશા અને આંગણવાડી મહિલા કાર્યકરોને પણ એ દિશામાં સક્રિય બનાવાઈ છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cIzgOF
via Latest Gujarati News

Post a Comment

0 Comments