મહારાષ્ટ્રમાં કોરોનાના મૃત્યુઆંકમાં મુસ્લિમ દર્દીઓની સંખ્યા ૪૪ ટકા



મુંબઈ, તા.7 મે, 2020, ગુરુવાર

મહારાષ્ટ્રમાં ૩ મે સુધી કોરોનાથી નોંધાયેલા ૫૪૮ મોત પૈકી ૨૩૯ મૃત્યુ લઘુમતિ મુસ્લિમ કોમમાંથી થયા છે. એટલે કે કોરોના મૃત્યુઆંકમાં ૪૪ ટકા હિસ્સો મુસ્લિમોનો છે. મહારાષ્ટ્રની વસતિમાં ફક્ત ૧૨ ટકા જ મુસ્લિમો છે, જેની સામે કોવિદ-૧૯ના મૃત્યુઆંકમાં એમની સંખ્યા ત્રણ ગણાથી પણ વધુ છે.

મુંબઈના એક અંગ્રેજી દૈનિકમાં પ્રગટ થયેલા અહેવાલ મુજબ કોરોનાથી લઘુમતિમાં વધુ મોત થયા હોવાથી હવે મહારાષ્ટ્રના સંસર્ગજન્ય રોગોના ખાતાએ અમુક પસંદગીના મુંબઈ અને માલેગાવ જેવા હોટસ્પોટસમાં કોવિદ વિશે જાગૃતિ ફેલાવતા સંદેશ ઉર્દૂમાં જારી કરવાનું અને લોકો સુધી પહોંચવા સ્થાનિક ધર્મગુરુઓની મદદ લેવાનું નક્કી કર્યું છે.

કોરોના વાયરસથી મુસ્લિમોના વધુ મોત થવા માટે રાજ્યના અધિકારીઓ અને નિષ્ણાતો કેટલાક કારણો આપે છેઃ ગલ્ફમાંથી આવતા પ્રવાસીઓ પર બહુ મોડી છેક માર્ચની મધ્યમાં રોક લગાવાઈ, ઘણી મસ્જિદોમાં સામુહિક નમાઝ પઢવાનું છેક ૨૦ માર્ચ સુધી ચાલુ રહ્યું. મુસ્લિમોની મોટાભાગની વસતિ એવા વિસ્તારોમાં રહે છે જ્યાં સોશ્યલ ડિસ્ટન્સિંગ પાળવુ લગભગ અશક્ય છે, મુસ્લિમોની વસાહતોમાં ગીચતા બહુ છે અને એની સામે એમને મળતી સ્વાસ્થ્ય સુવિધાઓ કંગાળ છે.

યોગાનુયોગે, મહારાષ્ટ્રમાં ૬૯ કોવિદ પોઝિટીવ કેસનું મૂળ નવી દિલ્હીમાં યોજાયેલા તબલિગી જમાતના મેળાવડામાં હોવાનું જણાયું હતું. તબલિગી જમાત સાથે જોડાયેલા એકમાત્ર મૃત્યુરૃપે ૨૨ માર્ચે ફિલીપીન્સનો એક નાગરિક મૃત્યુ પામ્યો હતો. એની સામે દેશભરમાં નિઝામુદ્દીનના મેળાવડા સાતે કડી ધરાવતા કોરોના પોઝિટીવ કેસની સંખ્યા ૧૮મી એપ્રિલ સુધી ૪૨૯૧ હતી.

'ગલ્ફમાં નોકરી કરતા ઘણાં લોકો સ્વદેશ પાછા ફર્યા અને એરપોર્ટ પર એમનું સ્ક્રીનિંગ પણ ન થયું. એને પગલે બાજી પલટાઈ ગઈ. એ પૈકીના ઘણાં લોકોમાં કોવિદ-૧૯ના ચિન્હો ન દેખાતા હોવા છતાં તેઓ પોતાના સમાજમાં ઈન્ફેકશન ફેલાવવામાં નિમિત્ત બન્યા' એમ રાજ્યના એપિડેમિયોલોજિસ્ટ (સંસર્ગજન્ય રોગ નિષ્ણાત) પ્રદીપ અવટેએ જણાવ્યું હતું.

અવટેના જણાવવા મુજબ મુસ્લિમોના નીચલા વર્ગમાં મોટાભાગના કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. 'સ્લમ્સમાં કોઈ ચોક્કસ ધાર્મિક જુથને કારણે નહિ પણ કંગાળ રહેણીકરણીને કારણે કોરોના ફેલાઈ રહ્યો છે અને સ્લમ્સમાં મુસ્લિમોની વસતિ ઘણી વધુ છે. એક ઓરડીમાં ૮-૧૦ જણા રહેતા હોવાથી એમની વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવું અશક્ય છે', એમ તેમણે વધુમાં કહ્યું હતું.

એનો પુરાવો મુંબઈના ઈ વોર્ડમાં મળે છે. આ વોર્ડમાં અગ્રીપાડા અને નાગપાડા જેવા ગીચ વિસ્તારો છે. મુંબઈમાં જી સાઉથ વોર્ડ (વરલી) બાદ ઈ વોર્ડમાં બીજા ક્રમના સૌથી વધુ ૩૪ મૃત્યુ નોંધાયા હતા.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3foRuGR
via Latest Gujarati News

Post a Comment

0 Comments