આખરે સોમવારથી એક સપ્તાહ માટે એપીએમસી માર્કેટ બંધ કરાશે



મુંબઈ,તા.8 મે, 2020, શુક્રવાર

 નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં કોરોનાનો પ્રાદુર્ભાવ ફેલાતો અટકાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. આગામી ૧૧મી મેથી ૧૭ મે સુધી એપીએમસી માર્કેટ પૂર્ણપણે બંધ રાખવામાં આવશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના માર્ગદર્શન હેઠળ તમામ અધિકારીઓની હાજરીમાં વાશી સ્થિત એપીએમસીની પ્રશાસકીય બિલ્ડીંગમાં થયેલી બેઠકમાં લેવાયેલાં નિર્ણય અનુસાર, એપીએમસીની પાંચેય બજારો એક સપ્તાહ માટે બંધ રખાશે.

આ સંદર્ભે એનાલિસ્ટ દેવેન્દ્ર વોરાના જણાવ્યાનુસાર, માર્કેટ સાત દિવસ માટે બંધ રહેશે, તે દરમ્યાન માર્કેટને સેનિટાઈઝ્ડ કરવામાં આવશે, તેમજ તમામ લોકોનું ચેક-અપ પણ કરવામાં આવશે. આ દરમ્યાન માલનું લોડિંગ-અનલોડિંગ બંધ રહેશે. જોકે આ બાબતે ફરી ૧૬ તારીખે એક બેઠક કરી માર્કેટ આગળ શરૃ કરવી કે કેમ? અને શરૃ કરવી તો કયા પગલાંઓ સાથે તેને કાર્યાન્વિત કરી શકાય તે બાબતે ચર્ચા કરી આગામી નિર્ણય લેવાશે.

દરમ્યાન માર્કેટ બંધ થવાના નિર્ણયથી કોઈને ચિંતા ન કરવાના આશય સાથે નવી મુંબઈ મર્ચન્ટ ચેમ્બરના ચેરમેન તેમજ કૈટના રાષ્ટ્રીય કક્ષાના અધિકારી કીતભાઈ રાણાએ જણાવ્યું હતું કે, એપીએમસી પ્રશાસન બજારની સુરક્ષિતતા જાળવવામાં નિષ્ફળ ગયું છે. આથી અમે સુરક્ષાની માગ કરી છે. પ્રશાસને બજારમાં જીવના જોખમે કામ કરતાં વેપારી, માથાડી, કામગારો વગેરેની નોંધ લેવી જોઈએ અને તેમને માટે સુરક્ષિતતાના પગલાં લેવા જોઈએ. તે માટે અઠવાડીયું માર્કેટ બંધ કરી અહીં સુરક્ષાત્મક કાર્યવાહીઓ થશે. ત્યારબાદ બજાર ફરી ઉઘડશે. દરમ્યાન એપીએમસી બંધ છે, આથી મુંબઈગરાં કે વેપારીઓએ ચિંતા કરવાની જરૃર નથી. દરરોજનો જીવનજરૃરિયાતનો આવશ્યક માલ સીધો વેપારીઓ સુધી પહોંચતો કરાશે આથી ગ્રાહકો સુધી માલની પહોંચ થશે. જેથી માર્કેટમાં કોઈ અછત સર્જાવાની શક્યતા નથી. આથી કોઈએ ગભરાઈને સંગ્રહ કરવા દોડી જવું નહીં.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LdkxPI
via Latest Gujarati News

Post a Comment

0 Comments