
મુંબઈ,તા.8 મે, 2020, શુક્રવાર
મુલુન્ડમાં એકાએક કોરોનાના કેસ વધતાં ખાસ તકેદારીઓના પગલાં લેવાઈ રહ્યાં છે. મુલુન્ડના ઈંદિરાનગર વિસ્તારમાં કુલ ૬૦ જેટલાં કેસ થઈ જતાં પાલિકાના ટી વોર્ડના અધિકારીઓએ મુલુન્ડ પશ્ચિમમાં આવેલ ઈન્દિરાનગર વિસ્તારની તમામ ગલ્લીઓ તો સીલ કરી જ નાંખી છે, તે સાથે જ ઈન્દિરાનગર વિસ્તારને જોડતાં તમામ રસ્તાઓ પણ બાંબુ મારીને સીલ કરી દેવામાં આવ્યા છે.
ટી વોર્ડમાં આશરે દોઢસો જેટલાં કોરોના પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે, જેમાંના ૮૮ જેટલાં ઝૂંપડપટ્ટી વિસ્તારના છે અને તેમાંના ૬૦ જેટલાં કેસ ઈન્દિરાનગર વિસ્તાર તો રામગઢના ૨૪ જેટલાં કિસ્સા સામે આવ્યા છે. મુલુન્ડના ઈન્દિરાનગર અને રામગઢ જેવા સ્લમ વિસ્તારો એવા છે કે જ્યાં દસ બાય દસની ઓરડીઓમાં ઘણે ઠેકાણે પાંચથી વધુ લોકો રહે છે. તેવામાં આવા વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટંસિંગ પાળવું એ અઘરું બની રહે છે. છતાંય તમામ વિસ્તારો બંધ કરીને અહીં મુખ્ય માર્ગ સાથે જ અંદરના રસ્તાઓ પણ બંધ કરી દીધાં છે અને સ્થાનિકોને સતત ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવે છે. જેથી અહીં ચેપનો ફેલાવો અટકાવી શકાય.
સ્થાનિક વિધાનસભ્ય મિહિર કોટેચાના જણાવ્યાનુસાર, સ્લમ વિસ્તારોમાં ઘણા લોકોને જાહેર શૌચાલયોનો ઉપયોગ કરવો પડે છે. તેને કારણે પણ કોરોનાનો સંસર્ગ ફેલાવાની શક્યતા રહે છે. આથી અમે પાલિકાને તેવા સ્થળોના શૌચાલયો દર થોડા સમયે નિયમિતપણે સેનિટાઈઝ્ડ થતાં રહે તેની ખાતરી રાખવા જણાવ્યું છે. તે સાથે જ આવા નાના ઘરમાં સતત પૂરાઈને રહેવું લોકો માટે અશક્ય છે. આથી તેઓ તેમની ચાલીઓમાં ફરતાં દેખાય છે. પરંતુ તેમને સતત ઘરમાં રાખવાનું દબાણ અમે કરી શકીએ નહીં. છતાંય આવશ્યક એવી તમામ તકેદારીઓ અમે લીધી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WHIRyj
via Latest Gujarati News
0 Comments