
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 7 મે, 2020, ગુરુવાર
મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ગરમીનું મોજું ફેલાઈ ગયું છે. ખાસ કરીને મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભના વિસ્તારોમાં દિવસનું તાપમાન ૪૪ ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ વધુ નોંધાઈ રહ્યું છે. આવા બળબળતા ઉનાળાને કારણે શાકભાજી, ફળો ઉગાડતા ખેડૂતોને અને ખેતમજૂરોને પારાવાર મુશ્કેલી સહન કરવી પડે છે.
હવામાન ખાતાનાં સૂત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા એકાદ સપ્તાહથી મધ્ય મહારાષ્ટ્રનાં નાશિક, સાતારા, સાંગલી, કોલ્હાપુર, જળગાંવ અને માલેગાંવ સહિત વિદર્ભના નાગપુર, વર્ધા, અકોલા અને ચંદ્રપુર વગેરેમાં મહત્તમ તાપમાન ૩૯.૦ ડિગ્રીથી ૪૨-૪૩ ડિગ્રી સેલ્સિયસ જેટલું અતિ ધગધગતું નોંધાય છે. બુધવારે , ૬ , મેના રોજ અકોલાનું દિવસનું તાપમાન ૪૪.૯ ડિગ્રી જેટલું અસહ્ય નોંધાયું હતું, જે આખા દેશમાં સૌથી ઊંચુ રહ્યું હતું.
વિદર્ભના કિસાનાએ નિરાશા સાથે જણાવ્યું હતું કે આટલી બળબળતી ગરમીને કારણે અમારા શાકભાજી અને ફળો ખરાબ થઈજાય છે. ફળોમાંનો મીઠો ગર્ભ અને રસ સૂકાઈ જાય છે. પરિણામે અમારા માટે બધાં ફળ અને શાકભાજી સાવ નકામાં થઈ જાય છે. અમને મોટી આર્થિક ખોટ સહન કરવી પડે છે. આટલું જ નહીૂં, છેલ્લા થોડી દિવસોથી કમોસમી વર્ષા, કરા, ગાજવીજ અને તોફાની પવનને કારણે પણ અમારા પાક, શાકભાજી અને ફળો વગેરેને મોટું નુકસાન થયું છે.
હવામાન ખાતાનાં સૂત્રોએ એવી આગાહી પણ કરી હતી કે આવતા ચાર દિવસ (૮,૯,૧૦,૧૧ મે-૨૦૨૦) દરમિયાન ઉત્તર કોંકણ (રાયગઢ, અલીબાગ, થાણે, મુંબઈ, દક્ષિણ કોંકણ (રત્નાગિરી, સિંધુદુર્ગ), મધ્ય મહારાષ્ટ્ર (નાશિક, સાતારા,સાંગલી,સોલાપુર, જળગાંવ, કોલ્હાપુર),મરાઠવાડા (લાતુર,નાંદેડ, પરભણી) અને વિદર્ભ (નાગપુર, વર્ધા, અકોલા) માં ભારે ગાજવીજ, તોફાની પવન સાથે વરસાદી માહોલ સર્જાય તેવાં કુદરતી પરિબળો ઘુમરાઈ રહ્યાં છે. હાલ વિદર્ભથી તેલંગણા થઈને તામિલનાડુ સુધી હવાના હળવા દબાણનો પટ્ટો સર્જાયો છે. સાથોસાથ આ વિસ્તારના આકાશમાં બે વિરુધ્ધ દિશાના પવનોની પણ જબરી ટક્કર થઈ રહી છે. ઉપરાંત વિદર્ભના પૂર્વ હિસ્સામાં સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સર્જાયું છે. આવા બદલાઈ રહેલાં કુદરતી પરિબળોને કારણે મહારાષ્ટ્રના મોટાભાગમાં એક તરફ અતિ ગરમી સાથે કમોસમી વર્ષાનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે.
આજે રાજ્યમાં માલેગાંવ ૪૪.૮ ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી 'હોટ' સ્થળ રહ્યું હતું.
બીજીબાજુ બુધવારે મુંબઈના કોલાબામાં દિવસનું તાપમાન૩૫.૦ ડિગ્રી અને રાતનું તાપમાન ૨૭.૦ ડિગ્રી જ્યારે સાંતાક્રુઝમાં દિવસનું તાપમાન ૩૫.૦ ડિગ્રી અને રાતનું તાપમાન ૨૭.૦ ડિગ્રી નોંધાયું હતું. જોકે કોલાબામાં ભેજનું પ્રમાણ ૯૧-૮૩ ટકા જ્યારે સાંતાક્રુઝમાં ભેજનું પ્રમાણ ૭૫-૬૫ ટકા નોંધાયું હતું. ગરમી સાથે ભેજ વધતા મુંબઈગરાએ લોકડાઉન દરમિયાન ઘરમાં રહીને જબરો ઉકળાટ અનુભવ્યો હતો.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Wb0Z4J
via Latest Gujarati News
0 Comments