
મુંબઈ, તા.8 મે, 2020, શુક્રવાર
નવા કોરોના વાઈરસના ૫૦૦થી પણ વધુ કેસ નોંધાવનાર ધારાવી મુંબઈના હોટસ્પોટસમાંનું એક છે. પરંતુ ગીચ વસતિ ધરાવતા આ વિસ્તારે મુંબઈગરાઓની સૌથી વધુ સંવેદના પણ મેળવી છે. નગરસેવકોથી લઈને સ્વયંસેવી સંસ્થાઓ, નાગરિક જૂથો, મહાનુભાવો સુધ્ધાંએ બીએમસીના 'મિશન ધારાવી'ને બહોળો ટેકો આપ્યો છે. તેમણે એશિયાના આ સૌથી વિશાળ ઝૂંપડપટ્ટી વિસ્તાર માટે પીપીઈ કિટ્સ, સેનિટાઈઝર્સ, મસ્કસ, થર્મલ સ્કેર્ન્સ, અનાજ ભરેલા કોથળા, તૈયાર ભોજન ઈત્યાદિ દૂરથી વિતરિત કર્યાં છે.
બીએમસીએ ચલાવેલા ઘર ઘરમાં જઈને સ્ક્રીનિંગ કરવાના અભિયાનમાં તબીબોને પીપીઈ કિટ્સની સૌથી વધુ જરૃર પડી હતી. ડોક્ટરોએ અહીં વસતા લાખો લોકોનું સ્ક્રીનિંગ કરીને તેમને કોવિડ-૧૯ સ્વાબ ટેસ્ટ માટે મોકલ્યા હતા. બીએમસીના ઉત્તર વોર્ડમાં આવતા ધારાવીમાં વિવિધ સંસ્થાઓએ મળીને ૪૫,૦૦૦ પીપીઈ કિટ દાન કર્યાં હતાં. આમાં ઉડાન વેલફેર ફાઉન્ડેશને ૧૦૦ પીપીઈ કિટ્સ, અમેરિકર્સ ઈન્ડિયા ફાઉન્ડેશને ૪૦૦ અને મહારાષ્ટ્ર કાઉન્સિલ ઓફ એક્યુપંકચરે ૫૦૦ કિટ્સ આપ્યાં હતાં.
જુહી ચાવલાએ ધારાવીમાં ૨૦૦૦ જેટલી ગ્રોસરી કિટ્સ વિતરિત કરી હતી. આ સિવાય આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન, ડી માર્ટ જેવી સંખ્યાબંધ સંસ્થાઓએ હજારો લોકોને અનાજ ભરેલા કોથળાં (થેલીઓ) આપ્યાં હતાં.
જી- નોર્થ વોર્ડના આસિસ્ટંટ મ્યુનિસિપલ કમિશનર કિરણ દિધાવકરે કહ્યું હતું કે અમને 'મિશન ધારાવી' માટે પુષ્કળ દાન મળ્યું હતું. આરંભના તબક્કે અમે કેટલાંક લોકો સમક્ષ ટહેલ નાખી હતી. પરંતુ કામ શરૃ થવા સાથે જ લોકોએ દાનનો પ્રવાહ વહેવડાવવાનું ચાલુ કરી દીધું હતું. અમારી ૮૦ ટકા જેટલી પીપીઈ કિટ્સ દાનના માધ્યમથી આવી હતી. લોકોએ અમને આ મિશનમાં દિલ ખોલીને સહાય કરી હતી.
તેમણે વધુમાં કહ્યું હતું કે સંખ્યાબંધ સ્વયંસેવી સંસ્થાઓએ હેન્ડ સેનિટાઈઝર્સ, ગ્લવ્ઝ, થર્મલ ઈન્ફ્રારેડ થર્મોમીટર્સ, પલ્સ ઓક્સિમેટરી જેવા સાધનો પૂરાં પાડયા હતા જે સ્ક્રીનિંગ તેમ જ ફીવર ક્લિનિકસમાં ખપ લાગ્યાં હતા. અમેરિકેર્સ ઈન્ડિયા ફાઉન્ડેશને ૧૭૩ થર્મલ સ્કેનર્સ અને ૧૧૯ પલ્સ ઓક્સિમીટર્સ આપ્યાં હતાં. જ્યારે નિસર્ગ ફાઉન્ડેશને ૪૦૦૦ માસ્ક, ન્યુ એરા ફેબ્રિકે ૧૯૦૦ માસ્કનું દાન કર્યું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YSF5oR
via Latest Gujarati News
0 Comments