- થાઈલેન્ડ ખાતેથી વિશ્વબજારમાં થતી ચોખાની નિકાસ ઘટી આ વર્ષે ૨૦ વર્ષના તળિયે ઉતરવાની બતાવાતી ભીતિ
દે શમાં તાજેતરમાં ઘઉમાં સપ્લાસ સરપ્લસ જેવી સ્થિતિ જોવા મળી છે ત્યારે સામે ચોખામાં પણ આવી સ્થિતિ દેખાઈ છે. જોકે ચોખાની નિકાસ વિશેષ વધી હોવાના નિર્દેશો તાજેતરમાં મળ્યા હતા. સરકાર દ્વારા ચોખા, ડાંગરની ખરીદી પણ વધી રહ્યાના વાવડ મળ્યા છે. સરકારની ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સહિતની વિવિધ એજન્સીઓ મારફત આ વર્ષે ચોખા- ડાંગરની ખરીદી અત્યાર સુધીના ગાળામાં આશરે ૧૯થી ૨૦ ટકા જેટલી વધી હોવાનું જાણકાર સાધનોએ જણાવ્યું હતું. આ વર્ષે ખરીફ મોસમમાં સરકાર દ્વારા આવી ખરીદી વધીને ૨૦૦ લાખ ટનની સપાટી વટાવી ૨૧૦ લાખ ટન સુધી પહોંચ્યાના નિર્દેશો મળ્યા છે. સરકારની આવી ખરીદી જે પાછલા વર્ષે આ ગાળામાં નોંધાઈ હતી તેની સરખામણીએ આ વર્ષે નોંધપાત્ર વધી છે એ જોતાં ઘઉં પછી હવે ચોખાનો સંગ્રહ સરકારી ગોદામોમાં કઈ રીતે સમાવવો એવો પ્રશ્ન ઉભો થવાની ગણતરી બજારના જાણકારો બતાવી રહ્યા છે.
વર્તમાન ખરીફ મોસમમાં અનાજ પ્રાપ્તીનું લક્ષ્યાંક ૭૪૦થી ૭૪૫ લાખ ટન જેટલું રાખવામાં આવ્યું છે. દરમિયાન, પંજાબ ખાતેથી સરકારી ખરીદી વધીને ૧૪૫થી ૧૫૦ લાખ ટન આસપાસ થયાનું જાણકારોએ જણાવ્યું હતું. દરમિયાન, સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ અનાજની ખરીદી સામે આશરે ૧૭ લાખ ૭૦થી ૭૫ લાખ જેટલા ખેડૂતોને આશરે રૂ.૩૯૭૪૦થી ૩૯૭૪૫ કરોડ જેટલી ચુકવણી અત્યાર સુધીમાં કરવામાં આવી છે. દરમિયાન, વિવિધ રાજ્યોમાંથી મળેલી દરખાસ્તોના પ્રતિસાદમાં સરકારે આશરે ૪૫ લાખ ૧૦ હજાર ટન જેટલા કઠોળ તથા તેલીબીંયાની સરકારી ખરીદી માટે મંજૂરી આપી છે તથા આ રાજ્યોમાં તામિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગણા વિ. રાજ્યોમાં આવી મંજૂરી પ્રાઈસ સપોર્ટ સ્કીમ હેઠળ કરવા આપવામાં આવી હોવાનું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન, ફોર્ટીફાઈડ રાઈસના વિતરણ માટે વ્યવસ્થિત યોજના બનાવવા સરકારે ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને જણાવ્યું છે. ઈન્ટીગ્રેટેડ વાઈલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ તથા મિડ-ડે મિલ યોજના હેઠળ દેશના વિવિધ જીલ્લાઓમાં ફોર્ટીપાઈડ રાઈસ ખરીદવા તથા યોગ્ય રીતે વિતરીત કરવા માટે વ્યવસ્થિત આયોજન હાથ ધરવા સરકારે ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને જણાવ્યું છે. આવતા નાણાંવર્ષ માટે અત્યારથી જ આવું આયોજન પૂર્વ તૈયારીના સ્વરૂપે હાથ ધરવા સરકાર દ્વારા જણાવવામાં આવ્યાના વાવડ મળ્યા છે. નિતી આયોગ દ્વારા નક્કી કરવામાં આવેલા આશરે ૧૧૨ જેટલા વિશિષ્ટ જીલ્લાઓ માટે સ્પેશિયલ લક્ષ આપવા પણ એફસીઆઈને જણાવવામાં આવ્યું હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.
આ જીલ્લાઓ માટે આશરે ૧ લાખ ૩૦ હજાર ટન જેટલા ચોખાની આવશ્યકતા પડશે એવી ગણતરી બતાવાઈ છે. આળી આવશ્યકતા આ સ્કીમો માટે વાર્ષિક ધોરણે ગણવામાં આવી છે. ફોર્ટીફાઈડ રાઈસ સાથે નોન- ફોર્ટીફાઈડ રાઈસ ચોક્કસ રેશીયોમાં મિક્સ કરવામાં આવનાર છે. દરમિયાન, પબ્લીક ડિસ્ટ્રીબ્યુશન સ્કીમ (પીડીએસ) તથા આઈસીડીએસ અને એમડીએમ યોજના હેઠળ આવા ૧૧૨ વિશિષ્ટ જીલ્લાઓમાં વિતરણ માટે આશરે ૧૩૦ લાખ ટન જેટલા ચોખાની જરૂરત પડે એવી ગણતરી બતાવાઈ છે.
રાઈસ ફોર્ટીફીકેશન હેઠળ દેશવ્યાપી ધોરણે સમગ્ર પીડીએસને સમાવવા આશરે ૩૫૦ લાખ ટન ચોખાની જરૂર પડે તેમ છે. દેશમાં કાર્યરત આશરે ૨૮ હજાર જેટલી રાઈસ મિલોને બ્લેન્ડીંગ મશીનોથી અપગ્રેડ આ માટે કરવી પડે તેમ છે. એફઆરકે ચોખા સાથે નોર્મલ ચોખાનું બ્લેન્ડીંગ કરવા આ અપગ્રેડેશન કરવું જરૂરી બને તેમ છે. દરમિયાન, ભારત ખાતેથી નોન- બાસમતી ચોખાની નિકાસના આંકડા સારા આવ્યા છે. ચોખાની વૈશ્વિક નિકાસ બજારમાં ભારત સામે થાઈલેન્ડની હરીફાઈ સામાન્ય સંજોગોમાં રહેતી હોય છે પરંતુ તાજેતરમાં થાઈલેન્ડમાં દુકાળ રહેતાં ભારતના ચોખામાં દરીયાપારની માગ વિશેષરૂપે વધ્યાના વાવડ મળ્યા છે.
ભારત ખાતેથી નોન- મોસમની ચોખાની નિકાસ એપ્રિલ, મે, જુન, જુલાઈના ચાર મહિનાના ગાળામાં આશરે ૬૫થી ૭૦ ટકા જટેલી વધી હોવાના નિર્દેશો મળ્યા છે. ત્યારબાદના મહિનાઓમાં પણ નિકાસ પૂછપરછો તથા માગ જળવાઈ રહ્યાની ચર્ચા બજારમાં સંભળા છે. થાઈલેન્ડમાં દુકાળના પગલે થાઈલેન્ડથી દરીયાપાર થતી ચોખાની નિકાસ ચાલુ વર્ષે ઘટીને આશરે ૬૫ લાખ ટન જેટલી જ થવાની ભીતી બતાવાઈ છે તથા આ વર્ષે ત્યાંથી આવી નિકાસનું કુલ પ્રમાણ ઘટીને પાછલા ૨૦ વર્ષની નવી નીચી સપાટીએ ઉતરી જવાની ગણતરી વૈશ્વિક જાણકારો બતાવી રહ્યા છે.
આવા માહોલમાં ભારત ખાતેથી ચોખાની નિકાસ વધવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા છે. ભારત ખાતેથી ૨૦૨૦માં ચોખાની નિકાસમાં આશરે ૪૦થી ૪૫ ટકા જેટલી વૃધ્ધિ થવાની આશા બતાવાઈ રહી છે. ચાલુ વર્ષે દેશમાંથી ચોખાની નિકાસ વધી નવી રેકોર્ડ સપાટીને આંબી જવાની આશા જાણકારો બતાવી રહ્યા છે. દેશમાંથી આવી નિકાસ આ વર્ષે વધી આશરે ૧૪૦ લાખ ટન થવાની આશા છે જે પાછલા વર્ષે આશરે ૯૯ લાખ ટન જેટલી થઈ હતી. પાછલા વર્ષે નિકાસ ઘટી આઠ વર્ષના તળીયે ઉતરી ગઈ હતી તેની સામે વર્તમાન વર્ષમાં ચોખાની નિકાસ વધી નવી રેકોર્ડ સપાટીએ પહોંચશે એવા સંકેતો બજારમાંથી મળી રહ્યા છે.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3n8BrQe
via Latest Gujarati News
0 Comments