એક સમયે કૃષિ આધારિત અર્થતંત્ર તરીકે ઓળખાતા ભારતે ૧૯૮૦ના દાયકાથી સોફટવેર તથા ઈનફરમેશન ટેકનોલોજીમાં વિશ્વભરમાં એક ઓળખ ઊભી કરી હતી. ભારતના આર્થિક વિકાસમાં કૃષિ ઉપરાંત સેવા ક્ષેત્રનું નામ આવવા લાગ્યુ હતું. દેશના જીડીપીમાં સેવા ક્ષેત્રનો હિસ્સો આજે પણ ૬૦ ટકાથી વધુ છે. જો કે દેશની અત્યારસુધીની સરકારોના અથાગ પ્રયત્નો છતાં ઉત્પાદન ક્ષેત્રનો હિસ્સો જીડીપીમાં ૧૬-૧૭ ટકાથી ઉપર જઈ શકયો નથી. ભારતમાં દર વર્ષે એકથી સવા કરોડ યુવાનો રોજગારની બજારમાં પ્રવેશે છે અને દેશનું સેવા ક્ષેત્ર એટલું ખમતીધર નથી જે આટલી મોટી રોજગાર બજાર પૂરી પાડી શકે. આ હકીકતને ધ્યાનમાં રાખીએ તો હવે ઉત્પાદન ક્ષેત્રમાં ક્રાંતિ થાય તે જરૂરી છે. દેશના જીડીપીમાં ઉત્પાદન ક્ષેત્રનો હિસ્સો ૨૦૨૫ સુધીમાં ૨૫ ટકા સુધી લઈ જવા વર્તમાન સરકારે તેની અગાઉની મુદતવેળાએ મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમ વહેતો મૂકયો હતો.
સ્માર્ટફોન્સ જેવા સેગમેન્ટને આ કાર્યક્રમ હેઠળ નોંધપાત્ર લાભ થયો છે પરંતુ ઘરઆંગણે ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહિત કરવા હજુ ઘણું કરવાનું બાકી છે એમ કહીશું તો ખોટું નહીં ગણાય. કોરોનાને કારણે વિશ્વભરમાં ચીનની થયેલી બદનામી ઉપરાંત સરહદી વિવાદને લઈને ઉત્પાદન ક્ષેત્રે ચીનને પછાડવા ભારત માટે એક તક ઊભી થઈ છે. વિશ્વના મોટાભાગના દેશો અને કંપનીઓ માત્ર ચીન પર નિર્ભર રહેવાનું હવે જોખમ લેવા માગતા નથી અને ચીનના વિકલ્પો શોધી રહ્યા છે. કેટલાક દેશોએ શોધી પણ લીધા છે. આવી સ્થિતિમાં ભારત જો સમયસર પગલાં લે અને નીતિઓને આકર્ષક બનાવશે તો વૈશ્વિક સ્તરે ઉત્પાદન ક્ષેત્રનું મથક ઊભરી શકવા શક્તિ ધરાવે છે. આ માટે સરકારે આત્મનિર્ભર ભારતનું નવું સૂત્ર બહાર પાડયું છે. ઘરઆંગણે માલનું ઉત્પાદન કરી તેને પ્રોત્સાહન પૂરા પાડવા હાકલ કરી છે.
આ નવા કાર્યક્રમ હેઠળ ૨૭ ક્ષેત્રો તથા ૨૪ પેટા ક્ષેત્રો પર ખાસ ધ્યાન અપાઈ રહ્યું છે. આ ક્ષેત્રોમાં મુખ્યત્વે સ્ટીલ, ઓટો પાર્ટસ, ટેકસટાઈલ્સ, ઈલેકટ્રોનિકસ તથા એગ્રો પ્રોસેસિંગનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રો નિકાસ બજારમાં સ્પર્ધા કરી શકે એમ છે અને આયાતના વિકલ્પ પણ પૂરા પાડવાની સાથે રોજગાર નિર્માણની ક્ષમતા ધરાવે છે. સ્થાનિક સ્તરના માલસામાનનો જ ઉપયોગ કરવા પર ભાર આપવાની નીતિને ધ્યાનમાં રાખી સંરક્ષણ મંત્રાલયે ૧૦૦ જેટલી એવી આઈટેમ્સની યાદી તૈયાર કરી છે જેનું ઉત્પાદન તથા પ્રાપ્તિ ઘરઆંગણેની બજારમાંથી જ કરાશે.
જો કે સરકારના ઈરાદા સારા હોવા છતાં ભારતને ઉત્પાદન ક્ષેત્રનું મથક બનાવવા સામે અનેક પડકારો રહેલા છે. સૌથી મોટો પડકાર માળખાકીય સુવિધાને લગતો છે. આવનારા વર્ષોમાં માળખાકીય ક્ષેત્ર પાછળ રૂપિયા ૧૧૧ ટ્રિલિયનનો ખર્ચ કરવાની સરકારે યોજના ઘડી છે. જો કે માળખાકીય પ્રોજેકટસ સમયસર શરૂ થઈ સમયસર સમાપ્ત થાય તે જોવાની સરકારની જવાબદારી રહે છે કારણ કે આમ થશે તો જ ઉત્પાદન ક્ષેત્રને આવશ્યક માળખાકીય ટેકા પૂરા પાડી શકાશે. ભારતમાં ઉત્પાદન ક્ષેત્રને આડે આવતા અન્ય પડકારોમાં જમીન તથા શ્રમ કાયદાઓ છે. જો ક શ્રમ કાયદાઓમાં ભારતે ધરમૂળથી ફેરબદલો કરી નાખ્યા છે અને આવતા વર્ષની ૧લી એપ્રિલથી તેનો અમલ કરવાની યોજના છે. પરંતુ જમીન હસ્તગત કરવા માટે ઉદ્યોગો સામે અનેક સમશ્યાઓ આડે આવતી હોય છે. આ માટે પૂરતી લેન્ડ બેન્ક ઊભી કરવાની તાતી આવશ્યકતા છે.
ભારતના ઉદ્યોગાને વિશ્વ સ્તરે સ્પર્ધાત્મક બનાવવા કાચા માલની ઉપલબ્ધતા તથા સસ્તા વીજ અને લોજિસ્ટિક ટેકાની સરકારે ખાતરી રાખવાની રહેશે. જ્યાંસુધી મુખ્ય કાચા માલના ખર્ચ સતત ઊંચા રહેશે ત્યાંસુધી ભારત ઉપાદન ક્ષેત્રે વૈશ્વિક મથક બની નહીં શકે. નીચા વ્યાજ દરે પણ દેશમાં ઉત્પાદન ક્ષેત્રે ખાનગી ઈન્વેસ્ટમેન્ટમાં અપેક્ષિત વધારો જોવા મળતો નથી.
ઘરઆંગણે ઉત્પાદન ક્ષેત્રને ટેકો પૂરો પાડવા સરકાર આયાત ડયૂટીમાં વધારો કરી રહી છે પરંતુ તાજેતરમાં જારી થયેલા એક રિપોર્ટમાં આવી ડયૂટીસ ઘટાડવા પર ભાર અપાયો છે. ઊંચી આયાત ડયૂટીસ ઉત્પાદન ક્ષેત્રને સ્પર્ધાત્મક બનાવવાને બદલે તેની ક્ષમતામાં ઘટાડો કરે છે. ૨૦૦૦ની સાલથી દેશમાં જે પણ કોઈ સરકારો આવી છે તેણે દેશના જીડીપીમાં ઉત્પાદન ક્ષેત્રના હિસ્સાને વધારવા વાતો કરી છે પરંતુ તે દિશામાં કોઈ પ્રગતિ હજુસુધી થઈ શકી નથી. જો આપણે આત્મનિર્ભર બનવું હશે તો ટેરિફમાં વધારો એ કોઈ ઉકેલ નથી. આને બદલે આપણે એવા માળખા ઊભા કરવા જોઈએ જે ઉત્પાદન ક્ષેત્રને વધુ સ્પર્ધાત્મક બનાવી શકે અને નિકાસ બજારમાં આપણો માલસામાન સ્પર્ધા કરી શકે.
વેપાર કામકાજ સરળતાથી થઈ શકે તે માટે સરકારે પ્રક્રિયાઓને આસાન બનાવવી રહી. વિશ્વમાં ઉત્પાદનો પર ભારત સૌથી ઊંચી વેઈટેડ એવરેજ ટેરિફ ધરાવતો દેશ છે. ઊંચી ડયૂટીથી પ્રોડકટિવિટીમાં વધારો થતો નથી પરંતુ તેને કારણે આયાતકારો કવોલિટીના ભોગે સરળ રુટ અપનાવવા લાગે છે. આયાત ડયૂટીમાં એક ટકાનો વધારો આયાતમાં સરેરાશ બે અબજ ડોલરનો ઘટાડો કરાવે છે.
૧૯૯૦ના દાયકામાં દેશના અર્થતંત્રને વિશ્વ માટે ખૂલ્લુ મૂકી દેવાયું હતું. દાયકાના પ્રારંભમાં દેશ સામે બેલેન્સ ઓફ પેમેન્ટની કટોકટી ઊભી થઈ હતી અને દેશ પાસે ફોરેકસ રિઝર્વનું આજના જેવું સ્તર પણ નહોતું જેને પગલે બહારી ઉદ્યોગો માટે દેશના દરવાજા ખોલી દેવાની ફરજ પડી હતી. ભારતની ઉદારીકરણની નીતિને ત્રણ દાયકા પૂરા થવા આવ્યા છે ત્યારે જીડીપીમાં ઉત્પાદન ક્ષેત્રનો હિસ્સો ૧૬થી ૧૭ ટકા આસપાસ ટકી રહ્યો છે જ્યારે સેવા ક્ષેત્રનો હિસ્સો વધીને ૬૦ ટકાને પાર કરી ગયો છે. દેશમાં સેવા ક્ષેત્ર માટે એવી કોઈ આકર્ષક નીતિ જોવા મળતી નથી છતાં ઔદ્યોગિક ક્ષેત્રની સરખામણીએ સેવા ક્ષેત્રએ પ્રગતિ કરી છે. ઉત્પાદન ક્ષેત્રના વિકાસ માટે ઈન્વેસ્ટમેન્ટ કામગીરીમાં સરકારે સક્રિય ભૂમિકા ભજવવાની રહેશે. આમ થશે તો જ ખાનગી રોકાણકારોની રોકાણ કરવા માટેની માનસિકતામાં સુધારો થશે, જે છેલ્લા કેટલાક સમયથી નીચી જોવા મળી રહી છે.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/357Tm3v
via Latest Gujarati News
0 Comments