ખાંડબજારમાં દિવાળીની માગ પર નજરઃ સરપ્લસ સપ્લાય વચ્ચે ભાવ કાબૂમાં રહેશે


- નવી મોસમના ઉત્પાદન વધી ૩૧૦ લાખ ટન થશેઃ પાછલો સિલ્લક સ્ટોક ૧૦૬થી ૧૦૭ લાખ ટન નોંધાયો

દેશમાં તાજેતરમાં લોકડાઉનના સમયમાં બધા ઘરેથી કામ કરતા હતા અને તેના પગલે ચા- કોફીનો વપરાશ વધતાં તેના પગલે ખાંડમાં આવી રીટેલ વપરાશની માગમાં વૃધ્ધિ નોંધાઈ હતી. જ્યારે બીજી તરફ હોટલો- રેસ્ટોરન્ટો, મીઠાઈ વિ.ના વપરાશમાં તથા ઠંડા પીણાઓના વપરાશમાં ખાંડનો જે વપરાશ થતો હતો તે વપરાશ તાજેતરમાં લોકડાઉનના સમયગાળામાં સરખામણીએ ઘટયો હતો. આ ગાળામાં આવો બલ્ક વપરાશ ઓછો થયો છે પરંતુ હવે દેશમાં લોકડાઉનના બદલે અનલોકની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તથા તેના પગલે હોટલો તથા રેસ્ટોરન્ટો ફરી શરૂ થયા છે અને હવે પછી ટૂંકમાં દિવાળીના તહેવારો આવી રહ્યા છે તેને અનુલક્ષીને ખાંડમાં હવે બલ્ક વપરાશની માગમાં વૃધ્ધિ થવાની શક્યતા ખાંડ બજારના જાણકારો હાલ બતાવી રહ્યા છે. દરમિયાન, ખાંડના બજારભાવ તાજેતરમાં બેતરફી વધઘટ વચ્ચે અથડાતા જોવા મળ્યા છે. ઉછાળા આવે છે પણ જળવાતા નથી તેમ સામે આંચકા આવે છે તે પણ અલ્પજીવી નિવડતા રહ્યા હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

નવી મુંબઈ જથ્થાબંધ ખાંડ બજારમાં કિવ.ના ભાવ હાજર માલોના જાતવાર રૂ.૩૨૮૦થી ૩૨૮૫ તથા ઉંચામાં રૂ.૩૫૨૦થી ૩૫૨૫ મિડિયમ માલોના બોલાઈ રહ્યા હતા જ્યારે નાકા ડિલીવરીના ભાવ જાતવાર નીચામાં રૂ.૩૨૫૦ તથા ઉંચામાં રૂ.૩૩૫૦ આસપાસ નજરે પડયા છે. હવે બજારના ખેલાડીઓની નજર દિવાળીના મોસમી માગ પર રહી છે. લોકડાઉનના માહોલ પછી હવે આવી રહેલી દિવાળીમાં માગ કેવી રહેશે એ વિશે બજારના જાણકારોમાં મત મતાંતરો પ્રવર્તતા જોવા મળ્યા છે. દિવાળીના દિવસોમાં આ વર્ષે કદાચ મીઠાઈનો વપરાશ ઘટવાની તથા સામે ચોકલેટો તથા સૂકામેવાનો વપરાશ વધવાની ગણતરી બજારના જાણકારો બતાવી રહ્યા છે.

દરમિયાન, ભારતમાં ખાંડનું ઉત્પાદન આશરે ૧૩ ટકા વધી ૩૧૦ લાખ ટન આસપાસ થવાનો અંદાજ ઈન્ડિયન સુગર મિલ્સ એસોસીએશને તાજેતરમાં  બહાર પડયો હતો.  આ અંદાજ ખાંડની ૨૦૨૦- ૨૧ની મોસમ માટે બહાર પાડવામાં આવ્યો છે. દેશમાં ખાંડની નવી મોસમ તાજેતરમાં શરૂ થઈ છે. તામિલનાડુમાં ખાંડનું ઉત્પાદન આશરે સાડા સાત લાખ ટન અંદાજાયું છે જ્યારે ગુજરાતમાં આવું ઉત્પાદન આશરે ૧૦ લાખ ૮૦થી ૮૫  હજાર ટન આસપાસ અંદાજવામાં આવ્યું છે.

દેશમાં આ વર્ષે શેરડીની ઉપલબ્ધતા વધુ રહેવાની ગણતરી વચ્ચે દેશવ્યાપી ધોરણે ખાંડના ઉત્પાદનનો અંદાજ ઉંચો મુકવામાં આવ્યો હોવાનું ખાંડ ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું. ઈથેનોલના ઉત્પાદન માટે આશરે ૨૦ લાખ ટન કેન- જ્યુસ તથા બી મોલાસીસનો જથ્થો વળશે એવી ગણતરી લક્ષમાં રાખીને ખાંડ ઉત્પાદનનો દેશવ્યાપી ઉત્પાદનનો અંદાજ નક્કી કરવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. દેશમાં ૨૦૧૯-૨૦ની વિતેલી મોસમમાં ખાંડનું ઉત્પાદન આશરે ૨૭૪થી ૨૭૫ લાખ ટન આસપાસ થયું હતું તથા સપ્ટેમ્બર ૨૦૨૦ના અંતે પુરી થયેલી વિતેલી મોસમમાં ઈથેનોલના ઉત્પાદન તરફ આશરે આઠ લાખ ટન કેન જ્યુસ તથા બી મોલાસીસનો જથ્થો વાળવામાં આવ્યો હતો. આમ દેશમાં ખાંડનું ઉત્પાદન ઓક્ટોબર ૨૦૨૦થી શરૂ થયેલી નવી મોસમમાં ૨૭૦થી ૨૭૫ લાખ ટનથી વધીને ૩૦૦ લાખ ટનની સપાટી વટાવી ૩૧૦ લાખ ટન આસપાસ પહોંચવાની આશા તાજેતરમાં જાણકારોએ બતાવી હતી. દેશમાં ખાંડની મોસમ ઓક્ટોબર મહિનાથી શરૂ થાય છે તથા બીજા વર્ષના સપ્ટેમ્બરમાં પુરી થાય છે.

દેશમાં ઉત્પાદન વધી રહ્યું છે ત્યારે દેશમાંથી દરીયાપાર ખાંડની નિકાસ વધારવી આવશ્યક બની છે. આવી નિકાસ આશરે ૬૦ લાખ ટન જેટલી થશે તો જ દેશમાં સરપ્લસ ખાંડની સમસ્યા દૂર થઈ શકશે એવું ઉદ્યોગના જાણકારોએ જણાવ્યું હતું. દેશમાં ૨૦૨૦- ૨૧ની નવી ખાંડ મોસમમાં ઉત્તર પ્રદેશમાં ખાંડનું ઉત્પાદન આશરે ૧૨૪થી ૧૨૫ લાખ ટન થવાની શક્યતા બતાવાઈ છે. દેશમાં રાજ્યવાર જોઈએ તો ખાંડનું સૌથી વધુ ઉત્પાદન ઉત્તર પ્રદેશમાં થાય છે. દરમિયાન, મહારાષ્ટ્રમાં નવી મોસમમાં ખાંડનું ઉત્પાદન વધી આશરે ૧૦૮ લાખ ટનને આંબી જવાની આશા બતાવાઈ રહી છે. મહારાષ્ટ્રમાં આ વર્ષે શેરડીનું વાવેતર નોંધપાત્ર વધ્યું છે તથા તેના પગલે શેરડીની ઉપલબ્ધતા પણ વધી છે.

કર્ણાટકમાં ખાંડનું ઉત્પાદન વધી આશરે ૪૬ લાખ ટનનું અંદાજાઈ રહ્યું છે. દરમિયાન, દેશમાં ઓક્ટોબરના આરંભમાં ખાંડની નવી મોસમ શરૂ થઈ એ વખતે પાછળ મોસમનો સિલ્લક સ્ટોક આશરે ૧૦૬થી ૧૦૭ લાખ ટન આસપાસ નોંધાયો છે. આમ ૨૦૨૦- ૨૧થી નવી ખાંડ મોસમમાં દેશમાં ખાંડનો કુલ ઉપલબ્ધ પુરવઠો આશરે ૪૧૬થી ૪૧૭ લાખ ટન જેટલો રહેવાની ગણતરી બતાવાઈ રહી છે. આમ ખાંડનો પુરવઠો વ્યાપક રહ્યો છે એ જોતાં દિવાળી પૂર્વે માગ નિકળે તો પણ બજાર ભાવમાં કોઈ વિશેષ તેજી આવવાની શક્યતા ઓછી જણાઈ રહી હોવાનું ખાંડ બજારના સૂત્રોએ જણાવ્યું હતું.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3n1WzYD
via Latest Gujarati News

Post a Comment

0 Comments