દેશના હેવી ઈન્ડસ્ટ્રીઝ વિભાગે કંપનીઓ પાસેથી દેશના મુખ્ય હાઈવેસ તથા એકસપ્રેસવેસ પર વીજ વાહનો માટે ચાર્જિંગ સ્ટેશનો ઊભા કરવા તાજેતરમાં જ ઈરાદાપત્રો મંગાવવાનું શરૂ કર્યું છે. ફાસ્ટર એડોપ્સન એન્ડ મેન્યુફેકચરિંગ ઓફ ઈલેકટ્રિક એન્ડ હાઈબ્રિડ વ્હીકલ્સ (ફેમ) કાર્યક્રમના બીજા તબક્કાહેઠળ દેશમાં વીજ સંચાલિત વાહનોનો ઝડપી સ્વીકાર થાય તે માટે સરકાર હાઈવેસ તથા એકસપ્રેસવેસ પર દર ૨૫ કિ.મી.ના અંતરે ચાર્જિગ સ્ટેશનો ઊભા કરવા યોજના ધરાવે છે. વાહનોમાં ઝડપથી ચાર્જિંગ થઈ શકે તેવા મથકો ઊભા કરવાની દરખાસ્ત છે. પ્રારંભમાં સરકાર ૧૫૦૦ ચાર્જિંગ સ્ટેશનો ઊભા કરવા માગે છે અને આ માટે સરકારી ઉપક્રમો, સરકારી સંસ્થાઓ તથા ખાનગી કંપનીઓ વગેેરે પાસેથી દરખાસ્ત મંગાવવામાં આવી છે. ચાર્જિંગ સ્ટેશનો ઊભા કરવા કંપનીઓ પાસેથી દરખાસ્ત મંગાવાઈ હોય તેવું આ પહેલી વખત નથી પરંતુ આ અગાઉ પણ ગયા વર્ષના ઓગસ્ટમાં સરકારે ઈરાદા પત્ર મંગાવ્યા હતા. આના પ્રતિસાદમાં સરકારને જાહેર તથા ખાનગી કંપનીઓ પાસેથી મળી કુલ ૧૦૫ જેટલી દરખાસ્તો પ્રાપ્ત થઈ હતી જેમાં ૭૦૦૦ જેટલા ચાર્જિંગ સ્ટેશનો ઊભા કરવાની તૈયારી બતાવાઈ હતી પરંતુ કોઈ અકળ કારણસર સરકારે માત્ર ૨૮૭૭ સ્ટેશનોને મંજુરી આપી હતી અને તે પણ માત્ર સરકારી કંપનીઓને જ અપાઈ હતી એટલે કે ખાનગી કંપનીઓની દરખાસ્તને પ્રાધાન્ય અપાયું નહોતું.
આમ ખાનગી કંપનીઓને પ્રોત્સાહન પૂરા પાડવામાં સરકાર પહેલેથી જ નકારાત્મક વલણ દાખવશે તો આગળ જતાં વીજ વાહનોને દેશના માર્ગો પર દોડતા કરવામાં ખાનગી કંપનીઓની ભૂમિકા જોવા ન મળી તો નવાઈ નહીં ગણાય. જે જાહેર ક્ષેત્રની કંપનીઓને ચાર્જિંગ સ્ટેશનો ઊભા કરવા મંજુરી અપાઈ છે તે હાલમાં કોરોનાને કારણે તેના કામમાં ધીમી ગતિએ આગળ વધી રહી છે અને અત્યારસુધી અંદાજે ૬૦૦ ચાર્જિંગ સ્ટેશનો ઊભા થઈ શકયા છે.
સરકારે તાજેતરમાં જ ફરીથી મંગાવેલા ઈરાદા પત્રમાં માત્ર હાઈવેસ તથા એકસપ્રેસવેસ પર જ ચાર્જિગ સ્ટેશનો ઊભા કરવાની દરખાસ્ત છે. સરકારની આ દરખાસ્તનો અર્થ એવો થાય કે વીજ વાહનો માત્ર હાઈવેસ તથા એકસપ્રેસવેસ પર જ દોડશે કેમ.બેટરી ચાર્જિગ સ્ટેશનોનો અભાવ વીજ વાહનોના ઉત્પાદન કરવામાંથી પોતાને અટકાવી રહ્યાનું વાહન ઉત્પાદકો દલીલ કરી રહ્યા છે. ચાર્જિંગ સ્ટેશનોની પૂરતી સંખ્યાના અભાવને જો તા વીજ વાહનો વેચાશે કે કેમ તેની કોઈ ખાતરી થતી નથી. સબસિડીસ પૂરી પાડીને વીજ વાહનોનું ઉત્પાદન વધારવા અંગેની સરકારી સ્કીમ ફેમના બીજા તબક્કાનું કોઈ ખાસ લેવાલ નહીં હોવાનું તાજેતરમાં આવેલા એક અહેવાલમાં જણાવાયું હતું. ત્રણ વર્ષ માટેની આ સ્કીમ લોન્ચ કર્યાને દોઢ વર્ષ કરતા વધો સમય પૂરો થઈ જવા છતાં તે હેઠળ સબસિડી પૂરી પડાયેલા વાહનોની સંખ્યા સપ્ટેમ્બર ના અંત સુધીમાં બે ટકાથી પણ ઓછી રહી હતી. મોટા શહેરામાં નવી ઈમારતોમાં ચાર્જિંગ પોઈન્ટસ બેસાડવાના સરકારી ધોરણને બિલ્ડરો ગંભીરતાથી લેતા નથી.
૨૦૩૦ સુધીમાં દેશમાં વીજથી ચાલતા વાહનોની જ માર્કેટ ઊભી કરવાની સરકારની યોજના છે. આ માટે સરકાર છેલ્લા કેટલાક સમયથી પ્રયત્નશીલ છે. વિશ્વમાં જે દેશોમાં વીજ વાહનો વ્યાપક રીતે દોડતા થયા છે તે માટેના મુખ્ય કારણોમાં જે તે દશોેની સરકારો દ્વારા પૂરી પડાતા પ્રોત્સાહન અથવા તો પ્રદૂષણ વિરોધી સખત નિયમોનો સમાવેશ થાય છે. આપણા દેશમાં વીજ વાહનોના ઉત્પાદન તથા વપરાશ વધારવા માટે સરકારના અત્યારસુધીના પગલાં આ ક્ષેત્રે ઈન્વેસ્ટમેન્ટ આકર્ષવા માટે પૂરતા નથી. વાહનોથી ફેલાતા પ્રદૂષણને અટકાવવા માટેના ધોરણો ભારતમાં એટલા સખત નથી જેને કારણે વાહન ઉત્પાદકાનેે પર વીજ વાહનો ઉત્પન્ન કરવાની ફરજ પડે.
ભારતમાં ઈ-વાહનની બજાર વિશ્વમાં સૌથી નીચી છે. એટલે કે જંગી બજાર કદ હોવા છતાં દેશમાં ઈ-વાહન તરફ આકર્ષણ વધ્યું નથી અથવા તો તે વધારવામાં સરકાર સફળ રહી નથી. બેટરીઝ એ વીજ વાહનનું એક મહત્વનું અંગ હોવાથી દેશના નીતિવિષયકો સસ્તી બેટરીઝ પૂરી પાડવાના વિકલ્પો શોધી રહ્યા છે. વીજ વાહનોમાં બેટરીઝ પાછળનો ખર્ચ ઘણો જ ઊંચો આવે છે.
વીજ વાહન ઉદ્યોગમાં રોકાણ પાછળ અનેક જોખમો રહેલા છે, ત્યારે ભારત સરકારે વીજ વાહનો અને બેટરીઝ તથા ચાર્જિંગ સ્ટેશનો માટે ખાનગી કંપનીઓ પ્રત્યે ઓરમાયા વર્તન કરતા તેમને આગળ આવવા પ્રોત્સાહિત કરવા રહ્યા, જેથી કરીને બેટરીઝ તથા વાહન ઉત્પાદકોને પ્રોડકટસની બજાર માટે ચિંતા ન રહે અને તેઓ પોતાના ઈન્વેસ્ટમેન્ટમાંથી કમાણી કરી શકે અને ઉત્પાદનોને વિશ્વ બજારમાં નિકાસ કરવા માટે વિસ્તરણ પાછળ નાણાં ખર્ચતા ખચકાઈ નહીં. ભારત સરકાર તરફથી યોગ્ય વિશ્વાસ અને વ્યવહારુ અભિગમ રહેશે તો ખાનગી ક્ષેત્રના સાહસિકો વીજ આધારિત વાહનોના ઉત્પાદન તરફ વળતા ખચકાશે નહીં એની સરકારે નોંધ લેવી રહી.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U63gfV
via Latest Gujarati News
0 Comments