ચાર મુખ્ય સમસ્યાઓ :
અર્થકારણની તંદુરસ્તી જાણવા જીડીપીનો વૃદ્ધિદર ત્રીમાસિક ધોરણે માપવામાં આવે છે. ઊંચો વૃદ્ધિદર વધુ રોજગારીનું, વધુ આવકનું, વધુ માંગનું, વધુ બચતદરનું અને તેને પરિણામે વધુ મૂડીરોકાણનું સર્જન કરે છે. તેથી દેશની આયાત નિકાસ વધી શકે છે. જીડીપીનો નેગેટીવ દર અર્થકારણનો વીલન છે જે દેશની આવક, માગ, બચત, મૂડીરોકાણ અને દેશની આયાત તેમજ નિકાસ ઘટાડે છે. આ નેગેટીવ દર બે ત્રીમાસિક ગાળાથી વધારે ચાલુ રહે તો તેને મંદી કહેવામાં આવે છે અને એક વર્ષ, બે વર્ષ કે ત્રણ વર્ષ ચાલુ રહે તો આ મંદી (રીસેશન) મહામંદી (ડીપ્રેશન)માં ફેરવાઈ જાય છે.
ભારતની સ્થિતિ : ભારતમાં અનેક દાયકાઓ પછી પહેલીવાર ૨૦૨૦-૨૦૨૧માં જીડીપીનો ગ્રોથરેટ ૧૦ ટકા નેગેટીવ થઈ જવાની ભીતિ છે. ૨૦૧૬-૨૦૧૭માં તે ૮ ટકા, ૨૦૧૬-૨૦૧૭માં તે ૮.૩ ટકા, ૨૦૧૭-૨૦૧૮માં તે ૭ ટકા, ૨૦૧૮-૨૦૧૯માં તે ૬ ટકા હતો. ૨૦૧૫-૨૦૧૬માં પણ તે ૮ ટકા હતો. મોદી-૧નું અર્થકારણ બહુ સારી પ્રગતિ કરી રહ્યું હતું. મોદી-૨નું તેવું નથી. કોવિડની અસર થાય તે પહેલાં જ ભારતનું ૨૦૧૯-૨૦૨૦નું અર્થકારણ માત્ર ૪.૨ ટકાનો જ વૃદ્ધિદર સાધી શક્યુ અને ૨૦૨૦-૨૦૨૧નો પ્રથમ ત્રિમાસિક ગાળો ભારતના અર્થકારણ માટે ૧૯૫૧ પછી સૌથી ખરાબ સાબીત થયો છે.
મહામારીનું અર્થકારણ :
૨૦૨૦-૨૦૨૧નું બજેટ ઘડાતું હતું ત્યારે આપણને કલ્પના જ ન હતી કે હવે પછી આવનારી કોવિડ-૧૯ની મહામારી આપણા અર્થકારણને નારાજ કરી નાંખશે. આ મહામારીનો સામનો કરવા સરકાર અર્થકારણમાં પ્રવાહીના (લિક્વિડીટી)નો મહાપ્રવાહ દાખલ કરી રહી છે જે એક સારૂં પગલું છે. સરકારે નાણાંકીય પ્રવાહ વધારવા ૨૧ લાખ કરોડ રૂપિયા અર્થકારણમાં એક યા બીજી રીતે ઠાલવવાનો નિશ્ચય કર્યો છે. આ માટે સરકારે ૧૨ લાખ કરોડ રૂપિયાનું અધધધ 'બોરોઇગ્ઝ' (ક્રેડીટ પર જાહેર ધીરાણ મેળવવું) લેવાનું નક્કી કર્યું છે. તેમાંથી સરકાર ૭.૩૬ કરોડ રૂપિયાનું જાહેર દેવું કરી ચૂકી છે અને હવે બાકી રહેલા ૬ મહિનામાં ૪.૬૪ કરોડ રૂપિયાનું દેવું કરવાનું હજી પેન્ડીંગ છે. આગલા વર્ષોમાં સરકારે દર ફાયનાન્સીયલ વર્ષમાં કેટલું દેવું કર્યું હતું તે જાણ્યા વિના આ ૧૨ લાખ કરોડ રૂપિયાનું દેવું વધારે કે ઓછું કહેવાય તેનો અંદાજ આવે તેમ નથી.
જાહેર ક્ષેત્રમાં ડીસઇન્વેસ્ટમેન્ટ :
સરકાર જાહેર ક્ષેત્રના ડીસઇન્વેસ્ટમેન્ટ દ્વારા પ્રચંડ મોટી રકમ ઉભી કરી શકે છે. જાહેરક્ષેત્રનું ડીસઇન્વેસ્ટ ત્રણ પ્રકારે થાય છે. (૧) સરકારે જાહેર ક્ષેત્રની કંપનીઓને સંપૂર્ણ રીતે ખાનગી ક્ષેત્રને વેચી દેવી (૨) સરકારે જાહેર ક્ષેત્રની કંપનીઓના શેરો વેચી દેવા પણ કંપનીઓનો કાબુ પોતાના હાથમાં રાખવા. ૫૦ ટકા કે તેથી વધુ શેર પોતાને હસ્તક રાખવા. (૩) સરકારે ખોટ કરતા સાહસોને કોઇ વેચાતું લેવા ના તૈયાર હોય તો તેમને સંપૂર્ણ બંધ કરી દેવા જેથી ટ્રેઝરી તેમની વર્ષોવર્ષની ખોટમાંથી બચી જાય. પરંતુ આ બાબતમાં તમામ સરકારોનો રેકોર્ડ નામોશીભર્યો છે. ભારતમાં કોઈ સરકાર ડીસઇન્વેસ્ટમેન્ટના લક્ષ્યો પાર પાડી શકી નથી સરકારનું ચાલુ વર્ષનું ડીસઇન્વેસ્ટમેન્ટનું લક્ષ્ય અધધધ ૨.૧ લાખ કરોડનું છે પરંતુ તેનાથી છેલ્લી માહીતિ મુજબ સરકારે કેટલાં રૂપિયા ભેગા કર્યા ? માન્યામાં નહીં આવે માત્ર ૫૭૦૦ કરોડ રૂપિયા. એરઇન્ડિયા, બીએસએનએલ વગેરેને વેચવાનું હજી ઠેકાણું પડયું નથી. આ મંદીના જમાનામાં તેમને કોણ વેચાતું લે ?
ડેફીસીટ ફાયનાન્સીંગ :
આ ઉપાય સૌથી સહેલો પરંતુ સૌથી જોખમી છે. સરકાર રિઝર્વ બેંકને ૧૨ લાખ કરોડ રૂપિયાની નોટસ્ આપવાનું કહી શકે અને એક પણ રૂપિયાનું બોરોઇઝ ના કરે. અથવા તો સરકાર ૧૨ લાખ કરોડમાં ખૂટતી ૪.૬૪ લાખ કરોડની ડેફીસીટ નવી ચલણી નોટો દ્વારા પૂરી કરે. આને મોનેટાઇઝીંગ ડેફીસીટ કહે છે. પરંતુ તેમ કરવામાં ફુગાવો જ અત્યારે ૬ ટકા છે તે કાબુ બહાર જતો રહે. ભલભલી સરકારો ફુગાવાના ૧૧.૧૨ ટકાના દરે તૂટી પડી છે. આપણે બીજું વેનેઝુયેલા કે ફિલિપાઇન્સ નથી બનવું.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kc2k3Z
via Latest Gujarati News
0 Comments