- ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સમાવિષ્ઠ જમીન / મિલક્તના “Title” “સ્વામીત્વ'' આપતો કાયદો જરૂરી
ભારત સરકારના માનનીય વડાપ્રધાને તાજેતરમાં જમીન / મિલક્ત ઉપર 'સ્વામીત્વનો અધિકાર' (Right to Title) આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ બાબત દેશના તમામ નાગરિકોને સ્પર્શતી બાબત છે. તેઓએ પ્રાથમિક તબક્કે આ જોગવાઈ ગ્રામ્ય વિસ્તારમાં લાગુ પડશે તેમ જણાવેલ છે. આ વિષયની પૂર્વ ભૂમિકા અને કાયદાકીય બાબતોનું વિશ્લેષણ કરીએ તો આઝાદી પહેલાં પ્રગતિશીલ રજવાડાઓમાં અને બ્રિટીશ હકુમતના વિસ્તારમાં જમીનને લગતા નિયમનકારી કાયદા હતા. દા.ત. વડોદરા અને ગોંડલનો દેશી રજવાડાઓનો વિસ્તાર અંગ્રેજ હકુમતના વિસ્તારો જોઈએ તો સુરત, ભરૂચ, ખેડા, પંચમહાલ વિગેરે, સ્વતંત્રતા મળ્યા બાદ પણ બંધારણમાં જમીન / મિલક્તને લગતો વિષય બંધારણની સુચિમાં (Schedule) રાજ્યોનો છે અને જમીનને લગતા કાયદાઓ રાજ્યની સરકાર ઘડે છે અને અમલ કરે છે.
સામાન્ય રીતે જમીન અને મિલક્ત ઉપર રાજ્યનો અધિકાર જમીન મહેસૂલ વસુલ કરવાનો છે એટલે કે તેને Fiscal Purpose કહેવામાં આવે છે એટલે મહેસૂલી રેકર્ડના હક્કપત્રકની નોંધોની Presumptive Value એટલે કે વિરૂધ્ધનું પુરવાર ન થાય ત્યાં સુધી (unless contrary proved) મહેસૂલી રેકર્ડની નોંધો માન્ય ગણવામાં આવે છે અને જમીન / મિલક્ત અંગે વિવાદ થાય તો માલિકી હક્ક નક્કી કરી આપવાની સત્તા સિવીલ કોર્ટને છે. આ સ્વીકૃત બાબત છે. ‘Settled Law' અને જ્યારે મિલક્તની તબદીલી કે કોઈપણ વ્યવહાર કરવામાં આવે તો હક્કપત્રકના નિયમો (Record of Rights) અનુસરવામાં આવે છે. આટલી પ્રાથમિક પૂર્વભૂમિકા બાદ, ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલ સ્વામીત્વના અધિકાર વિશે વૈધાનિક કાયદાકીય બાબતો ચકાસીએ તો હાલ કોઈપણ જમીનનું વેચાણ (મોરગેજ-લોન / વિગેરે લેવાનું થાય તો જમીન / મિલક્તના ટાઈટલ ચકાસવામાં આવે છે અને ખાસ કરીને મહેસૂલ વિભાગ હસ્તક નિભાવવામાં આવતી હક્કપત્રકની નોંધો / ૭/૧૨ વિગેરે ૧૯૫૧થી ચકાસવામાં આવે છે.
૧૯૫૧થી ચકાસવાનો હેતુ એ જણાય છે કે, આ વર્ષોમાં જમીનોનું સર્વે સેટલમેન્ટ (જમાબંધી અને સર્વેક્ષણ) થયેલ અને સમગ્ર રાજ્યમાં પહેલીવાર રેકર્ડ લખાયા બાદ પ્રમોલગેટ એટલે કે પ્રમાણિત જાહેર કરવામાં આવેલ એટલે ઉત્તરોત્તર હક્કપત્રકની નોંધો ચકાસીને જમીનનું મહેસૂલી ટાઈટલ ચકાસવામાં આવે છે. ઘણીવાર પક્ષકારો દ્વારા વકીલ સોલીસીટર્સ દ્વારા તેની ચકાસણી કરાવવામાં આવે, લોન આપતી બેંકો / સંસ્થાઓ પણ નિયત રીટેનર દ્વારા ચકાસણી કરાવવામાં આવે છે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો માટે ધીરાણ લેવા અથવા બેંકમાંથી લોન લેવા માટે રેવન્યુ ટાઈટલની ચકાસણી કરવામાં આવે છે.
આપણા ગુજરાતના સંદર્ભમાં ચર્ચા કરીએ તો રાજ્ય સરકારે મહેસૂલી રેકર્ડનું કૉમ્પ્યુટરાઈઝેશન કરેલ છે અને ઓનલાઈન ઘણી પ્રક્રિયા કરવામાં આવે છે. પરંતુ આજે પણ જ્યારે બિનખેતી / નવી શરતની જમીનની વેચાણ પરવાનગી કે ખેતીની જમીનની વેચાણના કિસ્સાઓમાં તેમજ બેંક લોન / ધીરાણ વિગેરેમાં ૧૯૫૧થી તમામ મહેસૂલી રેકર્ડની નોંધો માંગવામાં આવે છે અને ચકાસવામાં આવે છે અને ઘણીવાર તો વર્ષો પહેલાં અમુક જમીન / મિલક્ત વેચાણ વ્યવહારની નોંધો પ્રમાણિત જાહેર કરવામાં આવેલ હોય તે પાછળથી મુદ્દત બહાર (Limitation) હોય તો પણ રીવીઝનમાં લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે. ગુજરાત સરકારે મહેસૂલી રેકર્ડનું કૉમ્પ્યુટરાઈઝેશન કર્યા બાદ તબક્કાવાર નોંધોની ખાત્રી કરીને Rights to Land Title સ્વામીત્વનો અધિકાર Conclusive Land Title તરીકે આપવામાં વાંધો નથી કારણ કે આ અધિકારથી ફક્ત એટલો દસ્તાવેજી પુરાવો આપવાનો છે કે સબંધિત વ્યક્તિએ ધારણ કરેલ જમીન / મિલક્ત Clear Marketable અને બોજા રહિત (Free from encumbrance) છે જેથી પાછળના વ્યવહારોને બિનજરૂરી રીતે ચકાસવાની પળોજણ ન રહે. હાલ મહેસૂલી વિભાગમાં માનસિકતા એ છે કે, કોઈપણ ખેડૂત ખાતેદાર માટે પણ ખેડૂતના દરજ્જા તરીકે ૧૯૫૧થી નોંધો તપાસવામાં આવે છે અને ખેડૂતના પ્રમાણપત્ર મેળવવામાં મુશ્કેલીઓ પડે છે. જાણવા મુજબ રાજ્ય સરકારે તમામ ખાતેદારોને ખેડૂત પ્રમાણપત્ર આપવાનો નિર્ણય જાહેર કરેલ છે. રાજ્યના તમામ ખેડૂતોને સમયમર્યાદામાં આવા પ્રમાણપત્રો અપાય તે જરૂરી છે. ભારત સરકારનો ગ્રામ્ય વિસ્તારમાં 'સ્વામીત્વ' Title આપવાનો ઈરાદો એટલા માટે છે કે ખેડૂત ખાતેદારો / મિલક્તધારકોને તેઓની જમીન વેચાણ, વહેંચણી અને ખાસ કરીને બેંકોમાંથી ધિરાણ મેળવવામાં લોન લેવામાં મુશ્કેલી ન પડે.
ગુજરાત રાજ્યમાં આમ તો જમીન મહેસૂલ અધિનિયમ હેઠળ જમીન મહેસૂલ અધિનિયમમાં ચેપ્ટર-૧૦ બી માં ૧૩૫ એમ થી ટી ઉમેરીને દરેક ખાતેદારને 'ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સમાવિષ્ઠ જમીન / મિલક્તના ‘Title' 'સ્વામીત્વ' આપતો કાયદો જરૂરી 'ખેડૂત ખાતાવહી' આપવા માટે કાયદામાં સુધારો કરી કાયદાકીય સ્વરૂપ આપવામાં આવેલ અને ખેડૂત ખાતાવહીને આધારે જ બેંકો દ્વારા અને ધિરાણ સંસ્થાઓ દ્વારા લોન આપવાની જોગવાઈ કરેલ છે અને કોઈપણ વેચાણ / તબદીલી / બોજા વિગેરેની નોંધ પણ મહેસૂલી અધિકારીઓ કરવાની જોગવાઈ છે અને 'દારપણા' Solvency માટે કે જામીનગીરીના હેતુ માટે પણ માન્ય ગણવાની કાયદાકીય જોગવાઈ કરવામાં આવેલ છે અને ખેડૂત ખાતાવહી 'ન' આપવામાં આવે તો દંડ સહિતની જોગવાઈ છે પરંતુ જમીન મહેસૂલ અધિનિયમમાં આ કરેલ જોગવાઈઓનો અમલ થયેલ નથી.
કહેવાનો મતલબ એ છે કે કાયદાઓ ઘડવામાં આવે પરંતુ તેનું અમલીકરણ મહત્વનું છે. જેટલી ગ્રામ્ય વિસ્તારમાં સ્વામીત્વના અધિકાર' આપતી બાબત છે એટલે જ શહેરી વિકાસમાં સમાવિષ્ઠ તમામ મિલક્તોને લગતા પણ અધિકારો ‘Title' આપતા અધિકારનું અમલીકરણ જરૂરી છે. આજે પણ શહેરી વિસ્તારની મિલક્તોનું સીટી સર્વેમાં મિલક્ત કાર્ડ તેમજ તેની નોંધો ઓનલાઈન સમયસર પડતી નથી અને જો ગ્રામ્ય અને શહેરી વિસ્તારોની મિલક્તોના 'સ્વામીત્વના અધિકાર' આપતો કાયદો રાજ્ય દ્વારા ઘડવામાં આવે અને અમલીકરણ કરવામાં આવે તો ખરા અર્થમાં લોકોને પોતાની જમીન / મિલક્તના અધિકારો આપ્યા ગણાશે. આશા રાખીએ કે આ કાયદાઓનું સાચા અર્થમાં પ્રજાહિતમાં અમલીકરણ થાય.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32o4LdC
via Latest Gujarati News
0 Comments