વેપાર સરભર કરવા સોના-ચાંદીમાં આર્થિક સ્કીમોનો રાફડો


કોરોનાની મહામારી સમયે વિક્રમ સંવત ૨૦૭૬ની દિવાળીના તહેવારો નજીક આવે ત્યારે કોમોડિટી બજારમાં આજકાલ એગ્રો, બુલિયન, સહિત મોટા ભાગની ચીજોમાં તેજીનો પવન છે. ખાસ કરીને જીવન જરૂરિયાતની ખાદ્ય ચીજોમાં વધતી જતી મોંઘવારી સરકાર માટે શિરદર્દ બની ગઈ છે. કોરોનાના કારણે અડધુ વર્ષ કામધંધા વગર ગયા છે. ધંધાર્થીઓની આવકને ફટકો પડયો છે. મોંઘવારીએ સામાન્ય પ્રજાની કમર તોડી નાખી છે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી- બટાકા સહિત શાકભાજીના તેમજ દાળો, તેલિબીયા, અનાજના ભાવો આસમાને છે. 


ડુંગળીની મોંઘવારી કેસોમાં ભૂતકાળમાં અનેક સરકારોએ સત્તા ગુમાવ્યાના દાખલા છે જેને લઈને સરકારે તાબડતોબ નાફેડના માધ્યમથી ઈજીપ્ત સહિત વિવિધ દેશોમાંથી ડુંગળીનો ૧૫૦૦૦ ટનનો જથ્થો આયાત થઈ રહ્યો છે. ડુંગળીના ભાવો પ્રતિ કિલોએ ૧૦૦ રૂપિયા ઉપર થતાં ભારે ચર્ચાસ્પદ મામલો બન્યો છે. ડુંગળીનો સૌથી વધુ વપરાશ પ્રથમ ક્રમે ઉત્તર પ્રદેશ અને બીજા નંબરે બિહાર છે. જ્યાં હાલમાં ચુંટણીઓનો માહોલ હોવાથી સરકાર ઉપર અસર પાડી શકે તેમ છે. ઉત્તર પ્રદેશમાં વર્ષે દહાડે ૨.૧૩ લાખ ટન અને બિહારમાં ૧.૫૭ લાખ ટન ડુંગળીનો વપરાશ છે જ્યારે મહારાષ્ટ્રમાં ૧.૩૬ લાખ ટન અને તમિલનાડુ, રાજસ્થાન, બંગાળ, એમ.પી. ગુજરાતમાં ૮૦ હજાર ટન ઉપરાંતનો વપરાશ હોવાથી ડુંગળીની મોંઘવારી સરકારની આંખોમાં આંસુ લાવી શકે તેમ છે.

જો કે સરકારના અહેવાલો પ્રમાણે દેશમાં વર્ષે દહાડે ૧૬૫ લાખ ટન ડુંગળીનુ ઉત્પાદન થાય છે. પરંતુ હાલમાં ઓછું મળેલ છે. સરકારે રવિ સિઝનનો જૂનો સ્ટોક તથા ખરીફ સિઝનની આવકો તેમજ બહારના દેશોમાંથી વધારાનો જથ્થો આયાત કરીને મોંઘવારીને કંટ્રોલ કરવા એડીચોટીનું જોર લગાવ્યું છે. બટાટાના કેસમાં પણ સૌથી વધુ ઉત્પાદન થતા ઉત્તર પ્રદેશમાં આવેલ તમામ કોલ્ડ સ્ટોરેજોમાં પડેલ જથ્થો બજારમાં ઉતારવાના આપેલા આદેશોથી ભાવો કંટ્રોલ કરવા કમર કસી છે. ઉત્તર પ્રદેશ સરકારે ખેડૂતોને દીવાળી સમયે ખુશ કરવા માટે મંડી ટેક્ષમાં પણ ૫૦ ટકાની રાહત આપી દિવાળી ભેટ આપી છે. જેમાં મંડીઓમાં વેપાર કરતા વેપારીઓને પણ રાહત થાય તેમ છે. બે ટકા મંડી ટેક્ષમાં એક ટકો ઓછો કર્યો છે.

બીજી તરફ આજકાલ કોરોના વાયરસની મહામારી ઠંડી વધવાને કારણે ફરી વકરતા ંઇંગ્લેન્ડ સહિત કેટલાય દેશોમાં લૉકડાઉન ફરી લાગુ કરતા પેટ્રોલ- ડીઝલ ઓઇલના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. જેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલની બજારમાં ઘટાડો તરફી રહી છે. જો કે દેશમાં આનાથી કોઈ ફરક પડયો નથી. આ ઉપરાંત ખાદ્ય તેલોમાં પણ ભાવો આસમાને ગયા હોવાથી દિવાળી સમયે પ્રજાને રાહત આપવા માટે ખાદ્ય તેલોની આયાત ડયુટીમાં ઘટાડો કરી સરકારી એજન્સીઓ મારફતે આયાત કરવા સરકાર આગળ વધી રહી છે. ખાદ્યતેલોની સ્થાનિક વપરાશના જથ્થા પૈકી ૭૦ ટકા જ માલ બહારથી આયાત કરીને પૂર્તિ કરવામાં આવી રહી છે. હાલમાં ક્રુડ સોયાતેલ, સરસવ તેલ, સનફ્લાવર તેલ ઉપર ૩૫ ટકા તથા ક્રુડ પામતેલ ઉપર ૩૭.૫ ટકા અને રિફાઇન્ડ પામતેલ ઉપર ૪૫ ટકા આયાત ડયુટી લાગે છે. સરકાર માત્ર સરકારી એજન્સીઓ મારફતે આયાત થનાર ખાદ્ય તેલો ઉપર આયાત ડયુટી ઘટાડે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે.

દિવાળી બાદ શ્રીગણેશ થનાર રવિ પાકના વાવેતરમાં આ વર્ષે ઉંચા ભાવ ધરાવતી મસાલા પાક, અનાજ જેવી ચીજોમાં વધારો થાય તેવી ગણત્રી છે. કોરોના સમયમાં વધુ વપરાશ ધરાવતી એલચી તેમજ અજમાનું તેમજ ધાણાનું વાવેતર વધવાની સંભાવના વધુ છે.

દરમ્યાન દિવાળીના તહેવારોને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સોના- ચાંદીના ઉંચા ભાવો છતાં જ્વેલર્સો આ વર્ષે સારા પ્રમાણમાં વેપાર કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ગત વર્ષ કરતા આ વર્ષે સોનાના ભાવો ૩૦ ટકા ઉંચા છે તેમ છતાં ગ્રાહકોને આકર્ષવા માટે જ્વેલર્સો આ વર્ષે નવા આઇડિયા સાથે યુનિક ઓફર્સ ઉપલબ્ધ કરાવી રહ્યા છે. કેટલીક જ્વેલર્સ કંપનીઓ દેશભરમાં 'વન નેશન- વન ગોલ્ડ રેટ'ની પોલીસી અપનાવી રહ્યા છે. જ્યારે કેટલીક કંપનીઓ સોનાના દાગીનાની મેકિંગ ઘડામણ (મેકિંગ ચાર્જ) માટે રકમ ફિક્સ જાહેર કરી છે. આ ઉપરાંત કેટલીક કંપનીઓએ બાયબેક પોલીસીમાં ફેરફાર કરીને ઓલ્ડ ગોલ્ડ જ્વેલરીના એક્સચેન્જ ઉપર ૧૦૦ ટકા વેલ્યુ આપવાની પણ સ્કીમ ઉપરાંત ગોલ્ડ જ્વેલરી ઉપર ૨૫ ટકા સુધી અને ડાયમંડ જ્વેલરી ઉપર ૨૦ ટકા સુધીની છૂટ આપવાની સ્કીમો પણ બનાવી છે.

આ વર્ષે સોના- ચાંદીના ઉંચા ભાવોને કારણે તહેવારોની સિઝનમાં વોલ્યુમ ઓછા રહેશે પરંતુ માંગ ઘટે નહિ તે માટે કેટલાક જ્વેલર્સોએ ૧૪થી ૧૮ કેરેટની નવી રેન્જ બજારમાં ઉતારી રહ્યા છે. હાલમાં લગ્નસરાની સિઝનમાં કોરોનાને કારણે થોડી સુસ્તી છે પરંતુ આગામી ધનતેરશ તેમજ દિવાળી સમયે લોભામણી સ્કીમોને કારણે માંગ પ્રમાણમાં સારી રહેવાનો ઝવેરી વર્તુળોનો અંદાજ છે. આજથી ગોલ્ડ બોન્ડનો નવો ઇશ્યુ દીવાળી પહેલા ખુલી રહ્યો હોવાથી રોકાણકારો માટે સારી તક ઉપલબ્ધ બની છે.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GFh79F
via Latest Gujarati News

Post a Comment

0 Comments