કૃષિ બજારોમાં વેલ્યુ એડેડ માલોની નિકાસ વધારવા પ્રયત્નો


- આ પૂર્વે કપાસ - રૂ વિશે આ વિષયક ચર્ચા થયા પછી હવે એરંડાના સંદર્ભમાં પણ આ દિશામાં ગોઠવાઈ રહેલો તખ્તો

ભારતના કૃષી ક્ષેત્રમાંથી તાજેતરમાં થયેલા નિર્દેશો મુજબ દેશમાંથી વિવિધ કૃષી માલોમાં દરીયાપારની માગમાં વિશેષ વૃધ્ધિ જોવા મળી છે. આા પગલે ઘર આંગણાના બજારોમાં આવી કૃષી ચીજોના ભાવ પણ ઉંચકાતા જોવા મળ્યા છે. તાજેતરમાં વિવિધ કૃષી વિસ્તારોમાં વ્યાપક વરસાદના પગલે એક તરફ પાક- વાવેતરને અસર પડી છે. ત્યારે બીજી તરફ નિકાસ માંગ પણ વિશેષ વધતાં બજારમાં તેજીનો પવન તહેવારો ટાંકણે ફૂંકાતો નજરે પડયો છે. જોકે આવી વધેલી નિકાસ માગના પગલે કૃષીબજારો તથા કૃષી તજજ્ઞાોમાં એક નવો પ્રશ્ન પણ જન્મયો છે.

કૃષી તજજ્ઞાોના જણાવ્યા મુજબ દેશમાંથી વિવિધ કૃષી માલોની નિકાસ વધવી એ એકંદરે સારી બાબત છે પરંતુ હકીકતમાં આવા કૃષી માલો કાચા માલોના સ્વરૂપમાં નિકાસ થાય તેના બદલે આવા કૃષી માલોમાં ઘરઆંગણે વેલ્યુ એડીશન કરવામાં આવે તથા આવા કાચા કૃષી માલોમાંથી ફિનીશ્ડ કૃષી માલોનું ઉત્પાદન ઘરઆંગણે કરવામાં આવે અને ત્યાર પછી તેની નિકાસ કરવામાં આવે તો દેશ માટે વધુ લાભપ્રદ આ વાત નિવડી શકે તેમ છે. એવું આ ક્ષેત્રના જાણકારોએ જણાવ્યું હતું. તાજેતરમાં ભારતના બજારોમાંથી ખાસ કરીને ચીન દ્વારા વ્યાપક પ્રમાણમાં એરંડાની ખરીદી કરવા માટે તખ્તો ગોઠવાઈ રહ્યો છે એવા નિર્દેશો વહેતા થયા પછી આ વિચારે વેગ પકડયો હોવાનું કૃષી બજારોમાં જાણકારોએ જણાવ્યું હતું. એરંડાની નિકાસ કરવાના બદલે તેનું વેલ્યુ એડીશન મુલ્ય વૃધ્ધિ કરીને ત્યાર પછી તેની નિકાસ કરવાની ચર્ચા આવા માહોલમાં ફરી સપાટીએ આવી છે.

ધી સોલ્વન્ટ એક્સ્ટ્રેકટર્સ એસોસીએશન ઓફ ઈન્ડિયા દ્વારા આવો પ્રશ્ન ઉપાડવામાં આવ્યો છે તથા આ પ્રશ્ન દિલ્હી સુધી પહોંચાડવામાં આવ્યો છે. આ પ્રશ્ને કેન્દ્ર સરકારના વાણિજય મંત્રાલય સમક્ષ રજૂઆત પહોંચાડાયાના વાવડ તાજેતરમાં મળ્યા છે. આ પૂર્વે તાજેતરમાં સિંગદાણામાં પણ દરીયાપાર નિકાસ વધતાં ઘરઆંગણે સિંગતેલ તથા સિંગદાણાના ભાવ ઉછળતા જોવા મળ્યા હતા. સિંગદાણા ઉપરાંત સિંગતેલની પણ દરીયાપાર નિકાસ તાજેતરમાં વ્યાપક પ્રમાણમાં થઈ હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.

હકીકતમાં કૃષી માલોથી કાચા માલોના સ્વરૂપમાં નિકાસ થાય તો ઘરઆંગણે ક્રશિંગ ઉદ્યોગને ફટકો પડે છે તથા વેલ્યુ એડીશનની પ્રક્રિયામાં પણ આના પગલે પીછેહઠ કરવી પડે છે એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. આવી સ્થિતિમાં કાચા કૃષી માલોની નિકાસના બદલે મુલ્ય વર્ધીત ફિનીશ્ડ સ્વરૂપના પાકા કૃષી માલોની નિકાસને ઉત્તેજન આપવું જરૂરી હોવાનો અભિપ્રાય કૃષી તજજ્ઞાો બતાવી રહ્યા છે.

એરંડાની નિકાસ વધશે તો ઘર આંગણે કેસ્ટર પ્રોસેસીંગ ક્ષેત્રના વિકાસથી ફટકો પડે તેવી ગણતરી બતાવાઈ રહી છે. હકીકતમાં વેલ્યુ એડીશન થયા પછીની કૃષી માલોની નિકાસ કરવામાં આવે તો દેશમાં રોજગારીની તકો વધે છે. ઉપરાંત દેશને નિકાસ પેટે મળતી વિદેશી હૂંડિયામણની આવક પણ વધે છે. એવી ગણતરી કૃષી તજજ્ઞાો બતાવી રહ્યા છે. દરમિયાન, બજારમાં ચર્ચાતી વાતો મુજબ તાજેતરમાં ભારતના એરંડા બજારમાં એરંડાની ચીન દ્વારા ખરીદી વધારવા પ્રયત્નો સક્રિય બનતા જોવા મળ્યા છે.

હકીકતમાં ચીનની સરકાર પોતાના દેશમાં વિવિધ કૃષી માલોનો સરકાર હસ્તકનો સ્ટોક જથ્થો વધારવા માટે પ્રયત્નો કરી રહી છે તથા તેના પગલે ચીન દ્વારા દરીયાપારથી આવી આયાતો વધારાઈ રહી છે. ચીનની નજર આવા માહોલમાં ભારતના એરંડા પર પણ પડી છે. સામાન્ય પણે ચીન દ્વારા ભારત ખાતેથી દિવેલ તથા ડેરીવેટીવ્ઝની આયાત આ પૂર્વે કરાતી રહી છે પરંતુ હવે ચીન દ્વારા  ડાયરેક્ટ એરંડાની આયાત કરવાનો વ્યુહ અપનાવાતાં નવા પ્રશ્નો ઉભા થયા છે. આવા એરંડા દરીયાપાર જતાં રહેશે તો ઘરઆંગણે ઉદ્યોગને એરંડાનો પુરવઠો મેળવવાની સમસ્યા ઉભી થશે. હકીકતમાં વૈશ્વિક દિવેલ તથા ડેરીવેટીવ્ઝની નિકાસ બજારમાં ભારત આશરે ૮૫થી ૯૦ ટકા જેટલો મોટો હિસ્સો ધરાવે છે તથા ભારતથી દિવેલની વાર્ષિક નિકાસ આશરે રૂ.૬૦૦૦ કરોડ જેટલી થાય છે.

પ્રોસેસીંગ ક્ષેત્ર દેશમાં મોટા પાયે રોજગારી પણ સર્જે છે. આવી સ્થિતિમાં નિકાસ માટે મિનિમમ એકસપોર્ટ ભાવ નક્કી કરવા તથા નિકાસ ડયુટી લાદવી વિ. પ્રકારે કાચા કૃષી માલોની નિકાસ ઘટાડી ફિનીશ્ડ ઉત્પાદનોની નિકાસ વધારી શકાશે એવી ચર્ચા કૃષી બજારોમાં સંભળાઈ છે. આ પૂર્વે દેશમાંથી કપાસ તથા રૂની નિકાસ વધી રહી હતી ત્યારે પણ એવો વિચાર વહેતો થયો હતો કે હકીકતમાં કપાસ તથા રૂની નિકાસ વધારવાના બદલે આવા કપાસ તથા રૂમાંથી કાપડ તથા તૈયાર વસ્ત્રો રેડીમેઈડ ગારમેન્ટ બતાવી ત્યાર પછી આવા કાપડ તથા તૈયાર વસ્ત્રોની નિકાસ કરવામાં આવે તો દેશને વધુ ફાયદો થઈ શકે તેમ છે. આ વાત નિકાસ થતા દરેક કાચા કૃષી માલોને લાગુ પડે છે.

સિંગદાણામાં પણ ડાયરેટ નિકાસ કરવાના બદલે તેમાંથી અન્ય ઉત્પાદનો બનાવી વેલ્યુ એડીશન કર્યા પછી તેની નિકાસ નિકાસ કરવામાં આવે તો નિકાસ બજારમાંથી વધુ લાભ મેળવી શકાય તેમ છે. ઉપરાંત તેના પગલે દેશમાં રોજગારીની તકો પણ વધારી શકાશે એવી ગણતરી કૃષી નિષ્ણાતો બતાવતા થયા છે.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3n6m62I
via Latest Gujarati News

Post a Comment

0 Comments