SEZ એકમ ISD ની જમા વેરાશાખનું રિફંડ માંગી શકે


રિફંડની જોગવાઈ GST કાયદામાં કલમ ૫૪માં કરવામાં આવી છે. જ્યારે કોઈ એકમ પાસે એક કરતા વધુ નોંધણી નંબર GST કાયદા હેઠળ હોય ત્યારે કોમન ખર્ચાની વેરાશાખ તબદીલ કરવા માટે ઈનપૂટ સર્વિસ ડિસ્ટ્રીબ્યૂટરનો નોંધણી નંબર લઇને વેરાશાખ વહેંચવામાં આવે છે. હવે આવી વેરાશાખનું રિફંડ મળી શકે કે કેમ તે બાબતે મૂંઝવણ SEZ માં એકમના કિસ્સામાં ઉપસ્થીત થઇ હતી. આ બાબતે ગુજરાત વડી અદાલત દ્વારા બ્રીટાનિયા ઇન્ડ. લી. (આર/એસ.સી.એ. નં. ૧૫૪૭૩ ઓફ ૨૦૧૯) ખૂબ જ રસપ્રદ ચૂકાદો આપ્યો છે. જેની માહિતી આજના લેખમાં આપવામાં આવી છે.

કેસની હકીકત

બ્રિટાનીયા ઇન્ડ. લી. અરજદાર એક SEZએકમની પરવાનગી ધરાવે છે. તેના અન્ય એકમો પણ છે. ISD (ઇનપૂટ સર્વિસ ડિસ્ટ્રીબ્યૂટરના નોંધણી નંબર વડે વેરાશાખ વહેંચવામાં આવી હતી.  SEZ એકમ હોવાથી આ વેરાશાખ જમા રહેતી અને તે જમા રકમ પરત લેવા રિફંડની અરજી કરવામાં આવી. નાયબ કમિશનર સી.જી.એસ.ટી મુન્દ્રા ડિવિઝન ગાંધીધામ દ્વારા અરજી ફગાવી કાઢવામાં આવી અને રિફંડ નામંજૂર કરવામાં આવ્યું. નામંજૂર કરવા પાછળનું કારણ એમ દર્શાવવામાં આવ્યું કે રિફંડ આપવા માટે કલમ ૫૪માં કોઈ જોગવાઈ નથી. આ બાબતે અરજદારે ગુજરાત વડી અદાલત સમક્ષ પિટિશન દાખલ કરી કે રિફંડની અરજી ખોટીરીતે નામંજૂર કરી છે.

વેપારીની રજૂઆત

અરજદાર વેપારી દ્વારા રજૂઆત કરવામાં આવી કે જે રકમ તેના ઇલેક્ટ્રોનીક ક્રેડીટ લેજરમાં જમા દેખાય છે તે રકમનું રિફંડ મળવાપાત્ર થાય. અને કલમ ૫૪નો અમલ કરતા ઇન્વર્ટેડ સ્ટ્રકચર તરીકે રીફંડ માંગી શકવાની જોગવાઈ અરજદાર જેવા સાચા નિકાસકારને આર્થિક મુશ્કેલી ના પડે તે માટે ઘડવામાં આવી છે. ખાતાના અધિકારી દ્વારા અરજી ફગાવી કાઢવાનું એક જ કારણ આપવામાં આવેલ છે. કે કલમ ૫૪માં રીફંડ માટે કોઈ સીધેસીધી જોગવાઈ છે નહિ. અને GST કાયદાનો ઉદ્દેશ જ એવો છે કે ટેક્સ ઉપર ટેક્સ ના લાગે. ISD SEZ  એકમને વેરાશાખ વહેંચી શકે અને કલમ ૧૬ પ્રમાણે SEZ એકમ એ ભોગવી શકે.

ખાતાની દલીલ

ખાતા દ્વારા દલીલ કરવામાં આવી કે વેપારી પાસે કલમ ૧૦૭ પ્રમાણે અપીલ કરવાની વૈકલ્પિક રેમેડી છે જેથી વડી અદાલતે આ પીટીશન ફગાવી કાઢવી જોઇએ. કલમ ૧૬(૧) આઈજીએસટી કાયદા પ્રમાણે SEZ એકમને કરવામાં આવેલ સપ્લાય ઝીરો રેટેડ ગણાય. જેથી કલમ ૫૪ પ્રમાણે SEZ એકમ જે સપ્લાય પ્રાપ્ત કરે છે તે CGST કાયદાની કલમ ૫૪ હેઠળ રીફંડની માંગણી ના કરી શકે. ISD દ્વારા આપવામાં આવેલ વેરાશાખ કોઈ સપ્લાય ના ગણાય. જેથી રીફંડ ફગાવી નાંખતો આદેશ યોગ્ય છે.

માનનીય વડી અદાલતનો ચૂકાદો

માનનીય વડી અદાલત દ્વારા ISD ની વ્યાખ્યા જે કલમ ૨(૬૧) CGST કાયદામાં ઘડેલી છે તેનું અર્થઘટન કરતા નોંધ્યું કે ISD તમામ યુનિટોને ક્રેડીટ વહેંચી શકે છે. GST  કાયદાની જોગવાઈ પ્રમાણે દરેક યુનિટના ટર્નઓવર પ્રમાણે વેરાશાખ વહેંચવાની જોગવાઈ છે. અગાઉ સર્વિસ ટેક્સ કાયદામાં નોટીફીકેશન નં. ૨૮/૨૦૧૨ તા. ૨૦-૬-૨૦૧૨ દ્વારા ISD બાબતે ચોખવટ કરવામાં આવી છે. તદઉપરાંત અમીત કોટન ઇન્ડસ્ટ્રીઝના કિસ્સામાં GST  ના નિયમ ૯૬ બાબતે વિખવાદ હતો જે અન્વયે રીફંડ મળવાપાત્ર થયું. પ્રસ્તુત કેસમાં જ્યારે ISD ક્રેડીટ વહેંચે છે ત્યારે એવુ માની ના શકાય  કે કોઈ ચોક્કસ સપ્લાયર તરી આવતો નથી અને તેની ઓળખ મળતી નથી. ISD નો અર્થ જ એમ છે કે કોમન ક્રેડીટ વહેંચણી થઇ શકે. આમ, પીટીશન માન્ય રાખતા માનનીય વડી અદાલતે ત્રણ માસમાં રીફંડ કલમ ૫૪ હેઠળ આપી દેવા આદેશ કર્યો. અને રીફંડ નકારતો આદેશ રદબાતલ કર્યો.

આ ચૂકાદાથી SEZ એકમોને ખૂબ લાભ થશે અને જે રિફંડની અરજીઓ મૂકી રાખવામાં આવી હતી તેનો નિકાલ થશે.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36iKpE0
via Latest Gujarati News

Post a Comment

0 Comments