આઠ માસ પછી રૂ. ૧ લાખ કરોડથી વધુનું જીએસટી કલેકશન, રેલ નૂર પરિવહનમાં વૃદ્ધિ, મેન્યુફેકચરીંગ ક્ષેત્રની ગતિવિધિઓ ૧૩ વર્ષની ઊંચી સપાટીએ, સેવા ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં આઠ માસ પછી વધારો, કોર્પોરેટ ક્ષેત્રે અપેક્ષાથી સારા પરિણામની જાહેરાત વિવિધ ઇન્ડસ્ટ્રીમાં પગારકાપ રોલ બેક કર્યા સહિતના અન્ય અહેવાલોને ધ્યાનમાં રાખીને સરકાર દાવો કરી રહી છે કે અર્થતંત્રમાં ધાર્યા કરતાં વધુ ઝડપથી રિકવરી જોવા મળી છે. તેમાંય વળી હવે મહાપર્વની ઉજવણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ઉપરોક્ત દર્શાવેલ વિવિધ સાનુકુળ પરિબળોને ધ્યાનમાં રાખી સરકાર તહેવારો ટાણે ખરીદી વધવા સાથે માંગમાં પણ વધારો થશે તેવું ગણિત માંડી રહી છે. આમ દિવાળી પર્વના કારણે આગામી સમયમાં અર્થતંત્રમાં પણ એક નવો ઉત્સાહ જોવા મળશે તેમ સરકારી તંત્ર માની રહ્યું છે.
આ બધી કવાયત વચ્ચે આગામી સમયમાં સરકાર દ્વારા એક વધુ સ્ટિમ્યુલસ પેકેજ જાહેર કરાશે તેમ કહેવાઈ રહ્યું છે. આગામી સમયમાં જાહેર થનાર આ સ્ટિમ્યુલસ પેકેજમાં લોકડાઉન પછી અત્યાર સુધીમાં જે ઊદ્યોગોને રાહત ન અપાઈ હોય તેવા ઉદ્યોગોનો સમાવેશ થવાની સંભાવના છે. આ નવા પેકેજમાં ઓટો, ટ્રાવેલ-ટુરીઝમ, ઉડ્ડયન ક્ષેત્ર, હોસ્પીટાલિટી સહિત અન્ય ક્ષેત્રો માટે રાહતો જાહેર થવાની સંભાવના છે. ઓટો ક્ષેત્રને તો મહામારી/લોકડાઉનને કારણે મોટા પાયે નુકસાન થયું છે. તો બીજી તરફ ટ્રાવેલ-ટુરીઝમ તેમજ હોસ્પીટાલીટી ક્ષેત્ર પણ સંપૂર્ણપણે ઠપ થઇ જવા પામ્યું છે. જો કે, અનલોકના વિવિધ તબક્કામાં આ ઉદ્યોગોમાં પુનઃ કામકાજ શરૂ થયા છે. જો કે, અગાઉ જેવો ચાર્મ જોવા મળતો નથી.
જૂન માસ બાદ અનલોક પ્રક્રિયા દરમિયાન અપાયેલ છૂટછાટો તેમજ અગાઉ જાહેર થયેલા સ્ટિમ્યુલસ પેકેજમાં અપાયેલ રાહતોને કારણે છેલ્લા સતત મે માસથી મેન્યુફેકચરિંગ તેમજ ઔદ્યોગિક ક્ષેત્રે વિવિધ ઇન્ડસ્ટ્રીમાં પુનઃ ધમધમાટ શરૂ થતા આ ક્ષેત્રને લગતા વિવિધ ઇન્ડેક્સ પણ પોઝિટીવ ઝોનમાં આવી ગયા છે. આ સાનુકુળતા બાદ સરકાર દ્વારા હવે સર્વિસ ક્ષેત્રને ધમધમતું કરવા કવાયત હાથ ધરાઈ છે. દેશના જીવીએમાં (ગ્રોસ વેલ્યુ એડેડ) સર્વિસ ક્ષેત્રનોહિસ્સો ૫૫.૩૯ ટકા જેટલો છે. આમ, આ ઊંચા હિસ્સાને ધ્યાનમાં રાખી સરકાર આ ક્ષેત્રમાં સમાવિષ્ટ વિવિધ ઉદ્યોગો માટે પેકેજ જાહેર કરે તેવી શક્યતા છે. નાણાં મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા બે-ત્રણ માસથી સર્વિસ સેકટરમાં આઈટી ઇન્ડસ્ટ્રી સિવાય ટ્રાવેલ-ટુરિઝમ, હોસ્પિટાલિટી તેમજ ઊડ્ડયન ક્ષેત્ર માટે રાહત પેકેજ જાહેર કરવાની કવાયત ચાલી રહી છે. જો કે, આ પેકેજમાં ટેક્સમાં કોઈ રાહત અપાય તેવી શક્યતા નથી. ટેક્સમાં રાહતથી સરકારી તિજોરી પર પ્રતિકૂળ અસર થતી હોવાથી અલગ પ્રકારના પેકેજની તૈયારીઓ થઇ રહી છે. એક અંદાજ મુજબ આ પેકેજ દિવાળી પર્વની આસપાસ રજૂ થવાની સંભાવના છે.
અનલોકની પ્રક્રિયા દરમિયાન સર્વિસ સેકટરમાં હજુ અપેક્ષા મુજબ કામકાજો જોવા મળ્યા નથી. એક અંદાજ મુજબ આ તમામ ક્ષેત્રમાં હાલ ૩૦થી ૫૦ ટકા ક્ષમતાએ કામકાજ થઇ રહ્યા છે. સરકાર આ સેકટર માટે અલગ પ્રકારના પેકેજની જાહેરાત કરે તે આવકારદાયક બાબત છે. આર્થિક નિષ્ણાંતોના મત મુજબ સરકાર માત્ર લોન મેળા જેવાં સ્ટિમ્યુલસ પેકેજ જાહેર ના કરે. અર્થશાસ્ત્રીઓએ પણ એવો મત વ્યક્ત કર્યો છે કે સરકારે જીડીપીના પ્રમાણમાં વધુ સ્ટિમ્યુલસ જાહેર કરવાની જરૂર છે અને ખાસ તો લોકોના હાથમાં રોકડ મૂકવાની જરૂર છે. સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે બોનસ જાહેર કર્યું છે પરંતુ આ કર્મચારીઓની સંખ્યા દેશમાં બહુ ઓછી છે. ખાનગી સેકટરમાં એવાં કેટલાય ક્ષેત્ર છે જ્યાં નોકરીઓમાં છટણી કે પગાર કાપની પરિસ્થિતિ દુર થઇ નથી. તેમના માટે તો આ વર્ષે બોનસ સ્વપ્નવત્ત બાબત છે. અસંગઠિત ક્ષેત્રમાં પણ હજુ રોજગારીની ગાડી પાટા પર ચઢી નથી. લોકોએ ઓછી આવકોને કારણે પોતાના ખર્ચા મર્યાદિત કરી નાખ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં બેરોજગારીનો દર બહુ ઊંચો છે. ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી જ નથી.
સરકારે બેન્કો અને કંપનીઓ માટે મૂડી પ્રવાહિતાની વ્યવસ્થા કરી દીધી છે પરંતુ તે પૈસા નાના માણસના હાથમાં પહોંચતાં બહુ વાર લાગશે. જો સરકાર અર્થતંત્રને દિવાળીનો બુસ્ટર ડોઝ આપવા ઇચ્છતી હોય તો લોકોના હાથમાં તરત પૈસા આપવાની દિશામાં વિચારવું જોઇએ. આગામી જાહેર થનારા સ્ટિમ્યુલસ પેકેજમાં આ પ્રકારના પગલા ભરાશે તો અર્થતંત્ર પર તેની ઝડપી સાનુકુળ અસર જોવાશે તેમ આર્થિક નિષ્ણાંતોનું માનવું છે.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3n94i7l
via Latest Gujarati News
0 Comments