- ખાદ્ય ચીજોમાં તમામ સ્તરે ભાવવધારો પ્રબળ બનતા તેને અંકુશમાં લાવવા સરકાર દ્વારા એડીચોટીનું જોર લગાડાયું
કોરોના મહામારી અને લોકડાઉનની સૌથી વધુ પ્રતિકૂળ અસર દેશની આમ જનતા પર થવા પામી છે. ધંધા-રોજગાર ઉદ્યોગો પર થયેલી પ્રતિકૂળ અસર તો સરકારી રાહતના પગલા સહિતના અન્ય પરિબળોના પગલે ધીમે ધીમે નાબુદ થઇ રહી છે પરંતુ મહામારી લોકડાઉનના કારણે જે લોકોએ પોતાની રોજગારી ગુમાવી છે, વેતનમાં કાપ સહન કર્યો છે તે લોકોની પ્રતિકૂળતા આજ દિન સુધી યથાવત જ રહી છે. આ પ્રતિકૂળતાના કારણે દેશના લાખ્ખો લોકોને જીવન નિર્વાહ કેવી રીતે કરવો તે એક યક્ષ પ્રશ્ન બની રહ્યો છે.
આ પ્રતિકૂળતાનો અંત આવ્યો નથી અને બીજી તરફ મોંઘવારીના રાક્ષસે પ્રજા પર રીતસરનો હુમલો કર્યો છે. આજે શાકભાજી અનાજ, કઠોળ સહિતની ચીજવસ્તુઓના ભાવ આભને આંબી રહ્યા છે. આ ભાવને અંકુશમાં લાવવા શ્રેણીબધ્ધ પગલા ભરવામાં સરકાર નિષ્ફળ ગઇ છે. આ નિષ્ફળતાને છુપાવવા તે અર્થતંત્રની વૃધ્ધિના ગાણા ગાઈ રહી છે. આમ અસહ્ય મોંઘવારીના કારણે લોકોમાં તહેવારોને પરાણે કોરાણે મૂકવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
મહામારીને કારણે અડધા વર્ષ જેટલો સમયગાળો ધંધા-રોજગાર વગર પૂર્ણ થઇ જવાની બીજી તરફ છેલ્લા બે ત્રણ માસથી મોંઘવારીએ માઝા મુકી છે. ચોમાસાના કારણે શાકભાજીના ભાવમાં વધારો દર વર્ષે જોવા મળે છે. પરંતુ, થોડા સમય પછી તે અંકુશમાં આવી જતો હોય છે. પરંતુ આ વર્ષે આ સ્થિતિ જોવા મળી નથી. આજ દિન સુધી શાકભાજીના ભાવ આસમાને જ રચ્યા પચ્યા જોવા મળે છે.
ડુંગળી-બટાકાના ઊંચા ભાવોએ તો દેશની આમ જનતાની કમર જ તોડી નાંખી છે. આ બંને ચીજના ભાવમાં થયેલા વધારાના કારણે સામાન્ય પ્રજાને હવે ખાવું શું ? તેવો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. ડુંગળીના સતત વધતા ભાવ પર અંકુશ લાવવા સરકારે તાત્કાલિક ડુંગળીની આયાતના આદેશો આપ્યા છે આમ છતાંય આજ દિન સુધી પરિસ્થિતિ થાળે પડી નથી. ઊંચા ભાવોના કારણે દેશની પ્રજાએ તેની ખરીદી કરવાના બદલે તેને જોઇને જ મન મનાવવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.
બીજી તરફ ખાદ્ય તેલો, કઠોળ, વિવિધ દાળ તેમજ અનાજના ભાવમાં પણ તોતિંગ વધારો જોવા મળ્યો છે. દેશમાં મગફળીનો મબલખ પાક ઉતર્યો હોવા છતાં સિંગતેલના ભાવમાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે. બીજી તરફ કપાસીયા તેલ, પામ તેલ, મકાઈ તેલ અને સોયાતેલ તેમ જ વનસ્પતિ ઘીના ભાવમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જેના કારણે દેશની પ્રજાના તો ગણિત જ ખોરવાઈ ગયા છે. તુવેર દાળ, મગદાળ, મસુર દાળ સહિતની અન્ય દાળો તેમજ કઠોળ અને અનાજના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. આમ, અસહ્ય ભાવ વધારાના કારણે દેશની પ્રજા ત્રાહિમમ પોકારી ગઇ છે.
રિઝર્વ બેંક દ્વારા તાજેતરના ભૂતકાળમાં ધિરાણ નીતિની સમીક્ષા વેળા ફુગાવાનો લક્ષ્યાંક ઊંચો મુક્યો હતો. આ લક્ષ્યાંક મુજબ જ મોંઘવારી વધી છે. આમ છતાં, સરકાર દ્વારા આ મુદ્દાને લઇને કોઈ આગોતરા પગલાં ભરાયા ન હતા. હવે સરકાર એમ કહી રહી છે કે ખરીફ પાક બજારમાં આવી જશે તે પછી ભાવ નીચા ઉતરશે. પણ અહીં પ્રશ્ન એ ઉદ્ભવે છે કે અગાઉની સિઝનનો પાક જે બજારમાં ઉપલબ્ધ હતો તેમ છતાં વિવિધ દાળ, કઠોળ અને અનાજના ભાવ વધ્યા તેનું કારણ શું ?
જો કોઈ કારણસર એકાદ બે જણસનો પાક ઓછો ઉતરે અને તેના ભાવ વધે તે સ્વાભાવિક બાબત છે. પરંતુ આજે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે સમજ બહારની વસ્તુ છે. દેશમાં ઘઉં, ચોખા, બાજરી સહિતના અન્ય પાકનું મબલખ ઉત્પાદન થતું હોવા છતાં પણ તેના ભાવમાં વધારો થવા પાછળનું ગણિત આજદિન સુધી સમજાયું નથી. આ મુદ્દે સરકારે પણ ક્યારેય ઊંડાણમાં ઉતરીને અંકુશાત્મક પગલા ભર્યા નથી. જેના કારણે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ગમે ત્યારે ગમે તેટલા પ્રમાણમાં વધારો થતો રહે છે. સતત ભાવ વધારાના કારણે જ ગત સપ્ટેમ્બર માસ દરમિયાન મોંઘવારીનો દર વધીને ૭.૩૪ ટકાની આઠ માસની ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો.
આર્થિક બાબતોના નિષ્ણાંતોના જણાવ્યા મુજબ સરકાર દ્વારા ફુગાવાના દરના જે આંકડા જાહેર થાય છે તેમાં પણ ઘણીવખત વિરોધાભાસ જોવા મળતો હોય છે. આ આંકડાનો અભ્યાસ કરીએ તો વિવિધ ખરીફ ખેત પેદાશોના કારણે જ ભાવમાં વધારો જોવા મળતો હોય છે. અગાઉના વર્ષે આ તમામ જણસોનું મબલખ ઉત્પાદન થયું હોવા છતાં તેના ભાવ વધ્યા છે. આ સંજોગોમાં સરકાર એમ કહે કે ખરીફ પાક બજારમાં આવશે તે પછી ભાવ વધારા પર અંકુશ આવી જશે તે વાજબી છે ખરૂ ? ખાદ્ય ચીજવસ્તુઓમાં કેટલીક એવી પણ વસ્તુઓ છે જેને પાક પાણી સાથે કોઈ નિસ્બત નથી. આમ છતાં પણ તેના ભાવમાં પણ વધારો થતો હોય છે.
બજારના જાણકારોના જણાવ્યા મુજબ રીટેલ અને જથ્થાબંધ બજાર વચ્ચેનો ગાળો અગાઉની તુલનાએ બહુ મોટો થઇ ગયો છે. આજે જથ્થાબંધ બજારોમાં જ ઊંચા ભાવ જોવા મળી રહ્યા છે. જે સ્પષ્ટપણે દર્શાવે છે કે બજારમાં નફાખોરીનું દુષણ વધ્યું છે. જથ્થાબંધ બજારોમાં જ ભાવ ઊંચા હોય તો સ્વાભાવિક છે કે રીટેલ બજારમાં તેના ભાવમાં વધારો થવાનો જ છે. આ સમગ્ર ખેલમાં સંગ્રહખોરોની ખૂબ મોટી ભૂમિકા હોય છે. તાજેતરમાં સરકારે અમલી બનાવેલા નવા કૃષિ કાયદામાં માર્કેટ યાર્ડની બહાર સીધા વેપારીઓને જણસ વેચવાની છૂટ આપવામાં આવતા સંગ્રહાખોરીની પ્રક્રિયામાં વધારો થવાની સંપૂર્ણ શક્યતા છે. જેના કારણે આગામી સમયમાં પણ ભાવવધારાનું ભૂત ધૂણતું જ રહેશે તેમ કહેવું અસ્થાને નથી.
અત્રે એ નોંધનીય રહેશે કે ભૂતકાળમાં ખાદ્યચીજોમાં ઉદ્ભવેલ કાળઝાળ મોંઘવારીના કારણે અનેક સરકારોએ સત્તા ગુમાવી છે. તાજેતરમાં મોંઘવારીના આ ભૂત ફરીથી ધૂણવા માંડયું છે. હાલ આ મુદ્દાને લઇને પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની છે. ભાવ વધારાને અંકુશમાં લાવવા ડુંગળીની આયાત માટે આદેશો જારી કરાયા છે. કોલ્ડ સ્ટોરેજોમાં સંગ્રહ કરાયેલ બટાકાના જથ્થાને છૂટો કરવા આદેશો અપાયા છે. વિવિધ ખાદ્યતેલોમાં ઉદ્ભવેલ તેજીને ડામવા પણ સરકાર સક્રિય બની હોવાનું જાણવા મળે છે. ટૂંકમાં, ખાદ્ય ચીજોના ભાવોમાં તોતિંગ વધારો થયા બાદ તેને અંકુશમાં લાવવા સરકાર દ્વારા હાલ એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3n5jxxR
via Latest Gujarati News
0 Comments